હોટેલમાંથી પાર્સલ કે ઑનલાઇન ફૂડ ઑર્ડર કરવાની આદત હોય અને જો ફૂડ કાળા ડબ્બામાં આવતું હોય તો ચેતી જજો. કાળા પ્લાસ્ટિકમાંથી રિલીઝ થતાં કેમિકલ્સ કૅન્સર માટે જવાબદાર છે એવું સંશોધન કહે છે. એને રીયુઝ કરવા તો એથીયે વધુ ખતરનાક છે
પ્રતીકાત્મક તસવીર
ફૂડ-ડિલિવરી દરમ્યાન ખાવાનું ડિલિવર થાય ત્યાં સુધી ગરમાગરમ રહે એ માટે રેસ્ટોરાંના માલિકો ફૂડ પૅક કરવા માટે કાળા રંગનાં પ્લાસ્ટિકનાં કન્ટેનર વાપરે છે. એ સારી ગુણવત્તાનાં હોવાથી ફેંકવાનું મન નથી થતું અને બીજું, કંઈ સ્ટોર કરવા માટે આ કન્ટેનરનો રીયુઝ થાય છે. આપણા ગુજરાતીઓમાં આ વસ્તુ બહુ જ કૉમન છે. રોજિંદા જીવનમાં વપરાતાં પ્લાસ્ટિકનાં બ્લૅક કન્ટેનર સ્વાસ્થ્ય માટે જોખમી હોવાના દાવાઓ સોશ્યલ મીડિયા પર થઈ રહ્યા છે.
શું છે મામલો?
ADVERTISEMENT
વાત જાણે એમ છે કે તાજેતરમાં એક ઇન્ફ્લુઅન્સરે આ કન્ટેનરને સ્વાસ્થ્ય માટે અતિજોખમી ગણાવ્યાં છે. તેણે વિડિયોમાં કહ્યું હતું કે રેસ્ટોરાં દ્વારા ફૂડ ડિલિવર કરવા માટે વાપરવામાં આવતાં કાળા રંગના કન્ટેનર બ્લૅક પ્લાસ્ટિકથી બને છે. એક અભ્યાસમાં એવું જણાવવામાં આવ્યું છે કે બ્લૅક પ્લાસ્ટિકમાં હાજર ઝેરી કેમિકલ નાનાં બાળકો માટે અતિ જોખમી છે અને આ પ્લાસ્ટિકને રીયુઝ કરવામાં આવે એટલે કે ફરીથી એમાં ગરમ ખાદ્યપદાર્થ સ્ટોર કરવાથી કે માઇક્રોવેવમાં ફૂડને ગરમ કરવાથી એમાં રહેલાં ઝેરી કેમિકલ રિલીઝ થશે અને એ ખોરાક વાટે પેટમાં જઈને કૅન્સર થવાનું જોખમ ૩૦૦ ગણું વધારે છે.
કૅન્સર માટે જવાબદાર?
ફૂડ ઇન્ફ્લુઅન્સરના આ દાવા પર હેલ્થ એક્સપર્ટ મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. બ્લૅક પ્લાસ્ટિકથી કૅન્સર થાય જ છે એવા કોઈ પુરાવાઓ હજી મળ્યા નથી, પણ હા, એમાં હાજર કેમિકલ કૅન્સર થવાના જોખમને વધારી શકે છે. બ્લૅક પ્લાસ્ટિક રીસાઇકલ થયેલાં ઇલેક્ટ્રૉનિક્સથી બનેલું હોય છે. એમાં વપરાતાં BPA (બિસ્ફેનોલ A) અને ફ્થૅલેટ્સ જેવાં કેમિકલ હૃદયરોગ, ડાયાબિટીઝ અને ફર્ટિલિટી પર માઠી અસર કરી શકે છે. એનાથી હૉર્મોન્સ ઇમ્બૅલૅન્સ થવાની શક્યતા પણ રહેલી છે. નાનાં બાળકોમાં આ કેમિકલથી માનસિક અને શારીરિક વિકાસની ગતિ ધીમી થઈ શકે છે. બ્લૅક પ્લાસ્ટિકનાં માઇક્રોપ્લાસ્ટિક શરીરમાં પ્રવેશે તો ઇન્ફ્લૅમેશનની સમસ્યા પણ ઉદ્ભવી શકે છે.
શું કરવું?
ઓવરઑલ જોવા જઈએ તો બ્લૅક પ્લાસ્ટિકના વપરાશથી ભલે કૅન્સર જેવી ગંભીર બીમારી ન થાય તોય એ સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે જ. તેથી શક્ય હોય એટલો પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવો જોઈએ. ખાસ કરીને ખોરાકના સ્ટોરેજ માટે અને એને ગરમ કરવા માટે તો આ કન્ટેનરનો ઉપયોગ ટાળવો જોઈએ. બહારનું ખાવાની ઇચ્છા હોય તો એવી હોટેલમાંથી ફૂડ ઑર્ડર કરવું જે રીસાઇકલ થઈ શકે એવાં ઇકો-ફ્રેન્ડ્લી કન્ટેનર્સ વાપરે છે.
કાળા રંગનું પ્લાસ્ટિક રિસાઇકલ થયેલા ઇલેક્ટ્રૉનિક વેસ્ટમાંથી બન્યું હોવાથી એમાં કેમિકલ્સની માત્રા ઊંચી હોવાની સંભાવના હોય છે.