Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > જો તમારે ચોમાસામાં હેલ્ધી રહેવું હોય તો કડવાણી લો

જો તમારે ચોમાસામાં હેલ્ધી રહેવું હોય તો કડવાણી લો

Published : 01 August, 2024 07:50 AM | IST | Mumbai
Sameera Dekhaiya Patrawala | feedbackgmd@mid-day.com

કડું-કરિયાતું અને કારેલાં-કંટોલાં જેવાં શાક વરસાદમાં સ્વસ્થ રહેવાની ગુરુચાવી કેમ ગણાય છે એ નિષ્ણાત પાસેથી સમજીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આ સીઝનમાં પાચન નબળું પડે છે અને એને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ. આમેય આ સીઝનમાં વાઇરલ ફીવરનું પ્રમાણ પણ વધી જ જતું હોય છે. કડવો રસ એની સામે પણ શરીરને રક્ષણ પૂરું પાડે છે. કડું-કરિયાતું અને કારેલાં-કંટોલાં જેવાં શાક વરસાદમાં સ્વસ્થ રહેવાની ગુરુચાવી કેમ ગણાય છે એ નિષ્ણાત પાસેથી સમજીએ.


આપણાં ભારતીય શાસ્ત્રો મુજબ માનવજીવન અને આપણી આસપાસનું નિસર્ગ એકબીજાના સાહચર્ય માટે ઉત્તમ ગણવામાં આવ્યું છે. એક રીતે જોઈએ તો આપણને અનુકૂળ આવે એવું નિસર્ગ આપણી આસપાસ છે અને બીજી રીતે નિસર્ગમાં ભળી જવાની તમામ શક્યતાઓ અને સંભાવનાઓ આખેઆખા માનવશરીરમાં રહેલી છે. એટલે જ પ્રકૃતિદર્શનમાં જડ અને ચેતનનો સુમેળ સાધી એક જ બ્રહ્મની પરિકલ્પના શક્ય બને છે. સૃષ્ટિની ઉત્પત્તિ પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ એવાં પાંચ તત્ત્વો એટલે કે પંચમહાભૂતોથી થઈ છે. આ પાંચેય તત્ત્વોની માનવજીવન પર, ખાસ કરીને એના સ્વાસ્થ્ય પર બહુ જ મોટી અસર જોવા મળે છે. એટલે જ આયુર્વેદમાં આ પાંચ મહાભૂતોના આપણા સ્વાસ્થ્ય પર પ્રભાવ મુજબ એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એ મુજબ આપણા શરીરની પ્રકૃતિ મુખ્યત્વે ત્રણ દોષોમાં વિભાજિત થાય છે, વાત, પિત્ત અને કફ. આ વિશે વિસ્તારથી સમજાવતાં વિખ્યાત આયુર્વેદિક ડૉક્ટર નીતિન ગોરડિયા કહે છે, ‘આ ત્રણેય દોષ મુજબ આખા માનવશરીરની પ્રકૃતિ નક્કી થાય છે એ સાચું. સામાન્ય રીતે આપણે આ બધા જ શબ્દોનો ઉપયોગ કરી લઈએ છીએ, પણ એનો સાચો અર્થ નથી જાણતા. ભોજનમાં જે-તે રસ વિશે ચર્ચા કરતાં પહેલાં આ દોષો સમજવા જરૂરી છે.’



આયુર્વેદના ત્રણ દોષ


દરેકનું દોષનું મહત્ત્વ જણાવતાં ડૉ. નીતિન ગોરડિયા કહે છે, ‘વાયુ એટલે પેટમાં ગોળો ચડે કે વાછૂટ થાય કે આવે એ નથી. વાયુનો આયુર્વેદમાં અસલ અર્થ છે આપણને ગતિ આપનાર તત્ત્વ. શરીરની દરેક ક્રિયા વાયુથી થાય છે. એમાં આખી નર્વસ સિસ્ટમ આવે. કેટલાક ‘વાત’ને નર્વસ સિસ્ટમ માને છે, પરંતુ એમાં થતી સૂક્ષ્મ ક્રિયાઓ જેવી કે ‘નર્વસ ઇમ્પલ્સ’ જન્માવનાર ગુણ વાત છે. બોલવા-ચાલવા માટે, શ્વાસની અને હૃદયની ગતિ માટે, જ્ઞાન, પ્રાપ્તિ, ઉત્સાહ વગેરે વાયુ એટલે કે વાત પર નિર્ભર છે. પિત્ત : પિત્ત વિશે એક ખોટી માન્યતા છે કે લોકો ‘પિત્ત’ શબ્દને ઊલ્ટી-ઓડકાર વગેરેમાં ખપાવે છે. એ પિત્ત નહીં પણ મળરૂપી પિત્ત છે. ‘તવ સંતાપે’ ઉપરથી પિત્ત શબ્દ ઉત્પન્ન થયો છે. શરીરનાં બધાં આગ્નેય કર્મો પાક કે રાસાયણિક પરિવર્તન પિત્તથી જ થાય છે. પિત્તને કાયાગ્નિ કહેવાય છે. શરીરની અંદર વિવિધ સ્રાવોમાં નીકળતા પાચકરસો (એન્ઝાઇમ્સ), અંત:સ્રાવો અને રંજક પદાર્થો પિત્તનાં જ રૂપો છે. ટૂંકમાં પિત્તનો અસલ અર્થ ચયાપચયની ક્રિયા થાય છે. કફ : લોકો આમાં પણ ગેરસમજ કરે છે. મોઢામાંથી ગળફા આવે એ કફ નહીં પણ મળરૂપી કફ છે. કેન જલેન ફલતિ વર્ધતિ ઇતિ કફ. કફ એટલે જળથી કે જળના ભાવોથી વધતો દોષ. શરીરના પરસ્પર વિઘટિત પરમાણુઓનું સંશ્લેષણ (સિન્થેસિસ) કફ દ્વારા થાય છે. શરીરની વૃદ્ધિ કફને આધારે થાય છે. એનું કામ શરીરનાં બધાં અંગોને જોડી રાખવાનું છે.’

ભોજનમાં દોષની અસર 


આયુર્વેદમાં ભોજનના રસના છ પ્રકારના જોવા મળે છે જેને મધુર, અમ્લ, લવણ, તિક્ત, કટુ અને કષાય કહેવામાં આવે છે. આ વિશે વાત કરતાં ડૉ. નીતિન કહે છે, ‘મધુર એટલે કે મીઠો રસ, અમ્લ એટલે ખાટો, લવણ એટલે ખારો, કટુ એટલે કડવો, તિક્ત એટલે તીખો અને કષાય એટલે તૂરો રસ. આ બધા રસોમાં મધુર રસ સૌથી વધુ બળ આપનારો ગણાય છે, જ્યારે તૂરો રસ સૌથી ઓછું બળ આપનાર મનાય છે. આ તમામ રસોનો પ્રભાવ વાત, પિત્ત અને કફ પર કેટલો અને કેવો પડે છે એ સિદ્ધાંત પર જ પ્રત્યેક ભોજનના ગુણદોષ નક્કી થયા છે. જેમ કે મીઠો, ખાટો અને ખારો - આ ત્રણ રસ વાયુનું શમન કરનારા માનવામાં આવે છે, જ્યારે તીખો, કડવો અને તૂરો કફનો નાશકર્તા મનાય છે. મીઠો, કડવો અને તૂરો રસ પિત્તને ક્ષીણ કરનારો છે; જ્યારે મીઠો, ખાટો અને ખારો કફવર્ધક છે, તો તીખો, કડવો અને તૂરો વાયુકારક છે. ખાટો, ખારો અને કડવો રસ પિત્તવર્ધક છે. ભોજનના પ્રત્યેક પદાર્થમાં કોઈ ને કોઈ રસ મુખ્ય રૂપે હોવાથી એની પ્રકૃતિ અનુસાર વાત, પિત્ત અથવા કફનું શમન કરે છે.’

ચોમાસામાં કયો રસ સારો?

આ સીઝનમાં ખોરાકનું પાચન બરાબર નથી થતું એટલે ખાસ આ ઋતુમાં હલકો જ આહાર લેવો જોઈએ. રાત્રિનું ભોજન જલદી કરી લેવું, વાસી ખોરાક ટાળવો તેમ જ રાતના ભોજનમાં હળવો આહાર લેવો. ચોમાસામાં કારેલાં ખાવા પર ભાર મૂકતી અનેક વાતો જગજાહેર છે. કારેલાંના અનેક ઉપયોગો છે. શરીરનું ઇન્સ્યુલિન લેવલ કન્ટ્રોલમાં રાખે છે, કબજિયાત, અપચો, ઇન્સ્યુલિન જેવી પેટ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ, ડાયાબિટીઝ, લિવર અને અસ્થમાના દરદીઓ માટે પણ લાભદાયી છે. પણ શું ચોમાસામાં કારેલાં જ ખાતાં રહેવાં જોઈએ? આ વાતનું ખંડન કરતાં ડૉ. નીતિન કહે છે, ‘કારેલાં પિત્તવર્ધક છે. ભારતીય કૅલેન્ડર મુજબ આપણી છ ઋતુ છે. વર્ષા, શરદ, હેમંત, શિશિર,વસંત અને ગ્રીષ્મ! આમાં વર્ષા પછી શરદ ઋતુ આવવાની હોય છે એટલે એમાં પિત્ત ન વધે એ માટે વર્ષા ઋતુથી જ કડવાશ લેવામાં આવે છે. પિત્ત વધે તો રક્તવિકાર પણ થઈ શકે છે. શરદમાં પિત્તનો પ્રકોપ વધે છે એટલે કારેલાં બહુ ન ખાવાં જોઈએ. મૂળ તો ચોમાસામાં કટુ રસનું સેવન કરવા માટે લોકો મોટા ભાગે કડવી શાકભાજી લે છે જેમાં મુખ્ય એવાં કારેલાં જલદીથી મળે છે એટલે વધુ ખવાય છે. આ ઉપરાંત વરસાદની ઋતુમાં વાયુનો પ્રકોપ વધી જાય છે. એટલે કે પાચન સંબંધિત, નર્વસ સિસ્ટમ સંબંધિત, હાડકાં સંબંધિત વ્યાધિઓ વધી જાય છે. વાયુને શાંત કરવાવાળા મુખ્ય રસ છે મીઠો, ખારો અને ખાટો. મીઠો રસ એટલે દૂધ, ઘઉં વગેરે ખાઈ શકાય. ખાટામાં લીંબુ, કોકમ, આમચૂરનો યુક્તિપૂર્વક ઉપયોગ કરવો. અમ્લ રસમાં દાડમ શ્રેષ્ઠ ગણાય છે.’

ચોમાસાની ઋતુમાં ભેજવાળા વાતાવરણમાં પાચક અગ્નિ પ્રદીપ્ત થાય એવા સાદા, સુપાચ્ય આહાર લેવા જોઈએ. વાત સિવાય ચોમાસામાં શરીરમાં અચાનક જ પિત્તનો પ્રકોપ વધી શકે છે એવું જણાવતાં ડૉ. નીતિન આગળ કહે છે, ‘આવા અચાનકથી આવતા વ્યાધિને આયુર્વેદની ભાષામાં ‘અચયપૂર્વક પ્રકોપ’ કહે છે. એના માટે કષાય, તિક્ત અને મધુર રસ લેવામાં આવે છે. કષાય રસ લેવા આખું ચોમાસું કડું-કરિયાતું લેવાય છે. કારણ એ જ – અચયપૂર્વક પિત્ત ન થાય એ માટે! ચોમાસાના ચાતુર્માસમાં તો કહેવાય છે કે ભગવાનને ભોગ ધરવા પણ રીંગણાં ન ખાવાં. અષાઢી એકાદશીના આગલા દિવસને ‘બેગન દશમી’ પણ કહે છે. એ એટલા માટે જ કે એ દિવસે ભગવાનને રીંગણાંનો છેલ્લો ભોગ લાગે પછી છેક કાર્તિક એકાદશીએ લાગે. આ સમયમાં કરિયાતાં લેવાં. કંટોલાં ખાવાં ઉત્તમ. એ કડવાં જ હોય છે. અઠવાડિયામાં બે-ત્રણ વાર તો ખાઈ જ શકાય. આ સમયે લીલી શાકભાજી ન ખાવી.’

આયુર્વેદમાં નવા પાણીથી પાકેલી વસ્તુઓ પિત્તવર્ધક મનાય છે એટલે નવા પાણીની શાકભાજી ખાસ કરીને લીલી ભાજી તો ટાળવી જ! આ સિવાય શાકમાં પરવળ પણ ખાઈ શકાય. મોરિંગા એટલે કે સરગવાનાં પાનની ભાજી ખાઈ શકાય. આ સિવાય જો મળે તો ઇન્દ્રજવનાં પાનની ભાજી ખાઈ શકાય. ટીંડોરાં પણ ખાવાં સારાં પડે.’

કડું-કરિયાતું

ચોમાસામાં જો કડવી શાકભાજી રોજ ન મળે તો પણ કડું-કરિયાતું લઈને પણ કડવા રસનું સેવન કરવું જોઈએ. કડું-કરિયાતું, મહાસુદર્શન ચૂર્ણ, ત્રિભુવનકીર્તિરસ વગેરે આયુર્વેદિક દવાઓ વૈદ્યની સલાહ મુજબ લેવી જેથી ચોમાસામાં થતા ઉપદ્રવોથી જરૂર બચી શકાય છે. આ વિશે ડૉ. નીતિન ગોરડિયા કહે છે, ‘મહાસુદર્શન કે જેમાં એકાવન જેટલી ઔષધીઓનું મિશ્રણ હોય છે એ લેવાથી ઘણો ફાયદો થાય છે. કરિયાતાં મૂળે બે પ્રકારે આવે છે. એક દેશી કરિયાતું, જેને કાલમેખ કહેવાય છે અને દેખાવમાં લીલાશ પડતું હોય. એની ઔષધી લંબાઈમાં ટૂંકી આવે. અને બીજું નેપાળી કરિયાતું, જે સેવન માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એ પીળાશ પડતું દેખાય છે અને લંબાઈમાં લાંબું હોય છે. કરિયાતાનો પાઉડર પા ચમચી જેટલો લઈને રાતના સૂતી વખતે કે વહેલી સવારે ખાલી પેટે લઈ લેવો. મહાસુદર્શનની ટીકડી પણ આવે છે. કરિયાતા સિવાય કડું (કૂટકી), નગરમોથ, ઇન્દ્રજ, હળદર અને દારુહળદર પણ સારાં પડે છે.’

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2024 07:50 AM IST | Mumbai | Sameera Dekhaiya Patrawala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK