મુંબઈમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી શિયાળો અનુભવાય એટલી ઠંડક લાવતો થયો છે. આમ તો જે લોકો હેલ્થને ચમકાવવા માગતા હોય છે તે લોકો માટે આ ઋતુ બેસ્ટ ગણાતી હોય છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મુંબઈમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી શિયાળો અનુભવાય એટલી ઠંડક લાવતો થયો છે. આમ તો જે લોકો હેલ્થને ચમકાવવા માગતા હોય છે તે લોકો માટે આ ઋતુ બેસ્ટ ગણાતી હોય છે. સારામાં સારો ખોરાક અને પ્રકૃતિ તરફથી બધી જ અનુકૂળતા આ સીઝનમાં મળતી હોય છે. આમ તો આ સીઝનમાં મળતી દરેક વસ્તુ તમારી ઇમ્યુનિટી વધારવા માટે જ છે. લીલું લસણ હોય કે પોંક, મેથી હોય કે આમળાં આ બધું જ ખાવું અને બધાનો સમાવેશ તમારા રેગ્યુલર ડાયટમાં કરવો જરૂરી છે. ઉપરાંત શિયાળામાં મળતા દાણા એટલે કે તુવેર, વટાણા, વાલ, જિંજરા એટલે કે લીલા ચણા પણ ખાવા જ જોઈએ, કારણ કે એમાં ખૂબ સારા પ્રકારનું પ્રોટીન મળે છે. સૂકાં કઠોળ કરતાં આ લીલાં કઠોળ પોષણની દૃષ્ટિએ વધુ ગુણકારી છે. એ નક્કી કરો કે આખો શિયાળો તમારે સીઝનલ ફળો અને શાકભાજી ભરી-ભરીને ખાવા. ખાસ કરીને સંતરાં, બેરીઝ, દ્રાક્ષ, આમળાં, આંબાહળદર, લીલી હળદર, લીલું લસણ અને લીલી ડુંગળી, લીલા પાંદડાંવાળાં શાકભાજી, બિયાવાળાં શાકભાજી ખાવા. આ સીઝનમાં ચ્યવનપ્રાશ પણ ખાવું જોઈએ. ઇમ્યુનિટી માટે એ અતિ ઉત્તમ ગણાય છે. શિયાળામાં સૂંઠની ગોળીઓ બનાવી રાખવી. સૂંઠ, ઘી, ખડી સાકર, પીપરીમૂળ ભેળવીને જે જૂના સમયમાં દાદીઓ બનાવી રાખતા એ ગોળી દરરોજ સવારે એક લઈ લો તો એનાથી ઇમ્યુનિટી વધે છે. શિયાળામાં ગરમ પીણાં પીવાની ખૂબ ઇચ્છા થતી રહે છે જેને લીધે લોકો ચા ખૂબ પીવે છે. એની બદલે હર્બલ ટી કે ગ્રીન ટી પીવી વધુ ગુણકારી છે. લેમનગ્રાસ, તુલસી, આદું, ફુદીનો કે પછી તજ પાઉડર વગેરે નાખેલી ચા પીવી. આજકાલ જીન સેંગ નામના કોરિયન હર્બવાળી ગ્રીન ટી પણ મળે છે જે ગુણકારી છે જે શરીરને અંદરથી પોષણ આપે છે અને ઇમ્યુનિટી વધારે છે. કણીયો ગુંદર અતિ ઉપયોગી હર્બ છે જેને પાણીમાં નાખો તો એ ફૂલી જાય છે. એ ફૂલેલો ગુંદર અને પાણી બન્ને દિવસમાં એક વાર પીવાથી હાડકાં અને સાંધાની તકલીફમાં રાહત મળે છે. શિયાળામાં ભૂખ ખૂબ લાગે છે, કારણ કે મેટાબોલિઝમ એકદમ ફાસ્ટ હોય છે. આવા સમયે ખોટો ખોરાક ખાઈ લેવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. ભૂખને સંતોષવી પણ એટલી જ જરૂરી છે. એ માટે ખોરાકમાં ઘઉં અને ચોખાને બદલે બાજરો, નાચણી, મકાઈ જેવાં ધાન્ય ખાવા જોઈએ. ઘઉંની ત્રણ રોટલીને બદલે જો તમે બાજરાનો એક રોટલો ખાશો તો પેટ સારું ભરાશે અને જલદી ભૂખ પણ નહીં લાગે.
-ધ્વનિ શાહ