Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ત્વચાનું અદ્‍ભુત ઔષધ છે ૧૦૦ વાર ધોયેલું ઘી

ત્વચાનું અદ્‍ભુત ઔષધ છે ૧૦૦ વાર ધોયેલું ઘી

Published : 16 April, 2024 12:02 PM | Modified : 16 April, 2024 12:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્વચાને ચમકીલી, પિગમેન્ટેશન-ફ્રી અને સ્મૂધ રાખવાનો દાવો કરતી અનેક આયુર્વેદિક દવા કંપનીઓ પણ હવે ધોયેલા ઘીનું ક્રીમ વેચવા લાગી છે

શતધૌત ઘૃત

શતધૌત ઘૃત


આયુર્વેદમાં જેને શતધૌત ઘૃત કહેવાય છે એ આજકાલ ઇન્સ્ટાગ્રામ પર બેસ્ટ સમર મૉઇશ્ચરાઇઝર તરીકે વાઇરલ થયું છે. ત્વચાને ચમકીલી, પિગમેન્ટેશન-ફ્રી અને સ્મૂધ રાખવાનો દાવો કરતી અનેક આયુર્વેદિક દવા કંપનીઓ પણ હવે ધોયેલા ઘીનું ક્રીમ વેચવા લાગી છે ત્યારે જાણીએ ધોયેલું ઘી કઈ રીતે સારું છે. મોંઘીદાટ તૈયાર ક્રીમો કરતાં ઘરે જ એ બનાવવું હોય તો એ પ્રયોગ કઈ રીતે થઈ શકે એ પણ જાણી લો

ગ્લાસ સ્કિન માટે કોરિયન બ્યુટી રેજિમના નુસખાઓથી ઊભરાતા સોશ્યલ મીડિયામાં આજકાલ આપણી પૌરાણિક સંસ્કૃતિની જૂની પરંપરાગત ઔષધિની વાતો થઈ રહી છે. ગાયના ઘીમાંથી બનેલી ક્રીમને ઉનાળાનું ઉત્તમ મૉઇશ્ચરાઇઝર ગણવામાં આવી રહ્યું છે. જોકે પરસેવાથી રેબઝેબ થતા મુંબઈગરાઓને આટલા પસીના વચ્ચે કોઈ ત્વચા પર ઘી લગાવવાનું કહે તો વાત બહુ હજમ ન થાય. જોકે હાલમાં જે ચર્ચામાં છે એ પ્યૉર સાદું ઘી નથી પણ એને ધોઈને બનતી હળવી ક્રીમ છે. આ ક્રીમને આયુર્વેદમાં શતધૌત ઘૃતના નામે ઓળખવામાં આવ્યું છે.

શીતળતા બક્ષતું ઘૃત
ઇન્ટરનેટ પર ઇન્ફ્લુઅેન્સરો એને બેસ્ટ સમર મૉઇશ્ચરાઇઝર ગણાવે છે એ વાત શું સાચી છે? એ સવાલનો જવાબ આપતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. રવિ કોઠારી કહે છે, ‘આનો જવાબ હા અને ના બન્નેમાં આવે. શતધૌત ઘૃત એ ઘીનું એવું સૌમ્ય સ્વરૂપ છે જે બહુ સરળતાથી ત્વચામાં શોષાઈ જાય છે અને ત્વચામાંના ભ્રાજક પિત્તને ઘટાડે છે. ગાયનું ઘી આમેય શીતવીર્ય હોય છે. એને સો વાર ધોવાની પ્રક્રિયા કરવાથી એની પોટેન્સી અનેકગણી વધે છે. એ ખરા અર્થમાં ત્વચાને શીતળતા બક્ષે છે. ગરમીમાં સનબર્નથી થતી બળતરાની વાત હોય તો આ ઘૃત ટાઢક આપે છે. જોકે દરેક પ્રકારની ત્વચાની સમસ્યા પર એ એકસરખું જ પરિણામ આપે એવું ન બને. કફજન્ય દોષોને કારણે થયેલા ત્વચાના રોગોમાં આ ઘૃત ન વપરાય. ભ્રાજક પિત્ત ખરાબ થયું હોય ત્યારે એટલે કે ડ્રાય સૉરાયસિસ અને એક્ઝિમા જેવી તકલીફોમાં એ વાપરી શકાય. તમને જો ખીલ થયા હોય અને એમાં પસ ભરાતું હોય તો આ ઘૃત ન વપરાય. ટૂંકમાં આયુર્વેદની કોઈ પણ દવા લો તો એમાં વ્યક્તિની ત્વચામાં રહેલા દોષ અને તેની સમસ્યામાં રહેલા દોષનું પ્રાધાન્ય સમજવું બહુ જરૂરી છે. એટલે દરેક વ્યક્તિએ આંખ બંધ કરીને એને શ્રેષ્ઠ મૉઇશ્ચરાઇઝર માની લેવું ઠીક નથી. હા, ત્વચાની ડ્રાયનેસને લગતો કોઈ પણ પ્રકારનો સ્કિન-ડિસીઝ હોય તો એમાં ઔષધિથી તૈયાર કરેલું શતધૌત ઘૃત ઉત્તમ કામ આપે છે.’



ડ્રાયનેસ ઘટાડે 
શતધૌત ઘૃતને બેસ્ટ મૉઇશ્ચરાઇઝર ન ગણાવતાં આયુર્વેદ અને નાડી વૈદ્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘હું આ ઘૃતને બેસ્ટ ક્રીમ કહીશ, મૉઇશ્ચરાઇઝર નહીં. મૉઇશ્ચરાઇઝર ઠંડીમાં વપરાય છે, જે ત્વચાને બહારથી મૉઇશ્ચર પૂરું પાડે છે. એ બેમાં તફાવત શું એ સમજવા શતધૌત ઘૃતમાં કઈ પ્રોસેસ થઈ હોય છે એ જાણવી જોઈએ. જેમ દૂધમાંથી દહીં, મલાઈ થાય અને એને વલોવીને માખણ નીકળે. આ માખણને ગરમ કરીને એમાંથી ફૅટ અલગ તારવવામાં આવે, જે ઘી કહેવાય. આ ઘીને ફરીથી માખણ બનાવવાની પ્રક્રિયા એટલે શતધૌત. એમાં થોડુંક-થોડુંક પાણી ઉમેરીને એને ફરીથી માખણ જેવું બનાવવામાં આવે. પ્યૉર ફૅટમાં પાણી ઉમેરીને એને ઇમલ્સિફાય કરવામાં આવે. સ્કિન પર લગાવવાની દવાઓમાં અલગ-અલગ ત્રણથી ચાર પ્રકારના બેઝ હોય. ઑઇન્ટમેન્ટમાં ઑઇલ અને બીવૅક્સની સાથે બે કે ત્રણ ટકા દવાનો અર્ક મેળવવામાં આવે. ક્રીમમાં મિલ્ક ક્રીમની સાથે ઑઇલને ઇમલ્સિફાય કરીને તૈયાર કરવામાં આવે. કેટલીક દવાઓમાં પેટ્રોલિયમ જેલી, જિલેટિન કે જેલીને પણ ત્વચાની ઔષધિના બેઝ તરીકે વાપરવામાં આવે. આ તમામમાં ઉત્તમ વિકલ્પ છે શતધૌત ઘૃત. એ જે-તે ઔષધની તીવ્રતાને ઘટાડીને એની પોટેન્સીને સોગણી વધુ કરી નાખે છે. એને કારણે ત્વચા જેવા સંવેદનશીલ અવયવમાં ઔષધિને અંદર ઉતારવા માટે ધોયેલું ઘી બેસ્ટ છે. જેમ શતધૌત આવે છે એમ સહસ્ર ધૌત પણ વપરાય છે. જ્યાં ઔષધિની પોટેન્સીને વધારવી હોય ત્યારે એ વપરાય. ડ્રાય સૉરાયસિસ જેવી ત્વચાની બીમારીઓમાં એ રામબાણ ઇલાજ જેવું કામ આપે છે. ત્વચાના પોપડા ખરી પડતા હોય એવી ડ્રાયનેસ આવી ગઈ હોય એમાં પણ સોથી વધુ વાર ધોયેલું ઔષધસિદ્ધ ઘી વપરાય.’

ગાયનું ઘી અગ્નિ પ્રદીપ્ત કરે છે, જ્યારે પાણીથી ધોયેલું આ ઘૃત ઠંડક આપે છે. એને કારણે ઉનાળામાં અન્ય કોઈ પણ ક્રીમ કરતાં શતધૌત ઘૃત ત્વચાને પિગમન્ટેશન-ફ્રી અને સુંવાળી રાખે છે.

ઘરે પણ બનાવી શકાય

બજારમાં મળતાં શતધૌત ઘૃત અતિશય મોંઘાં હોય છે, કદાચ એ બનાવવાની પ્રક્રિયા એટલી જટિલ છે એટલે પણ એ મોંઘું પડી શકે છે. જોકે આ એવો નિર્દોષ પ્રયોગ છે કે તમે આ જાતે પણ બનાવી શકો છો એમ જણાવતાં ડૉ. રવિ કોઠારી ઔષધપ્રક્રિયા સમજાવતાં કહે છે, ‘સૌથી પહેલાં તો ૧૦૦ ગ્રામ ગાયનું ઘી લેવું. A2 ગીર ગાયનું કે દેશી ગાયના દૂધમાંથી ઘરે બનાવેલું ઘી હોય તો ઉત્તમ. એને ફ્રિજમાં મૂકીને થિજાવી દેવું. એને એક તાંબાની પહોળી નાકાવાળી થાળીમાં લેવું. એમાં પંદરથી વીસ મિલિલીટર જેટલું ઠંડું પાણી નાખીને એને નાની તાંબાની વાટકીની મદદથી ફેંટવું. ૧૦૦ વાર એને ફેંટ્યા પછી ઘીથી છૂટું પડેલું જે પાણી હોય એ કાઢી નાખવું. ફરીથી એટલું જ ઠંડું પાણી લઈને ફરીથી ૧૦૦ વાર ફેંટવાની પ્રક્રિયા કરવી અને બચેલું પાણી કાઢી નાખવું. આમ ૧૦૦ વખત પાણી લઈને દરેક વખતે ૧૦૦ વાર ફેંટવાની ક્રિયા પૂરી થાય એટલે કે લગભગ ૧૦,૦૦૦ વખત ફેંટાય એ પછી એકદમ ફ્લફી, સૉફ્ટ માખણ જેવું ઘી બચશે અને વધારાનું પાણી હોય એ નિતારી લેવું. આ ઘીને ફ્રિજમાં જ રાખવું જોઈએ નહીંતર એમાં ફૂગ આવી જાય એવું બને. બહાર તૈયાર મળતા શતધૌત ઘૃતમાં પ્રિઝર્વેટિવ્સ હોય છે, જ્યારે તમે એકદમ નૅચરલ ઘૃત બનાવ્યું છે એટલે એને નીચા તાપમાને જાળવવું જરૂરી છે.’

અલગ-અલગ ઔષધિઓથી સિદ્ધ ઘૃત
ત્વચાની જે સમસ્યા માટે શતધૌત ઘૃત વાપરવાનું હોય એ મુજબ એ બનાવતી વખતે ઔષધિનું પાણી ફેંટવામાં વપરાય. એ વિશે સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘હળદર કે ચંદનને આગલી રાતે પાણીમાં પલાળીને એ પાણી ગાળીને શતધૌત ઘી બનાવવામાં વાપરો તો એનાથી હલદી-ચંદન ઘૃત તૈયાર થાય, જે ત્વચા પરનું પિગમેન્ટેશન દૂર કરશે. આંખોને ઠંડક મળે એ માટે આ ઘૃતમાંથી કાજળ પણ સરસ બને છે. કાજળ બનાવવા માટે ઘીની અંદર ત્રિફળાનું પાણી મેળવીને ફેંટવાથી ઘીમાં એના સરસ ગુણ ઊતરે છે. એ ઘીને કોડિયાં પર લગાવીને એમાંથી કાજળ ઉતારીને એકઠું કરવું. એ પાઉડરમાં પણ ત્રિફળા ઇન્ડ્યુસ કરેલું શતધૌત ઘૃત મેળવીને એને ડબ્બીમાં ભરી લેવું. આ કાજળ આંખને ઠંડક કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK