આમ તો રાઇસ વૉટર કોરિયન બ્યુટી સીક્રેટ ગણાય છે અને બટાટાનો રસ આપણાં દાદી-નાનીનો નુસખો. આ બન્ને ચીજો ત્વચાને ડાઘરહિત અને ગ્લોઇંગ બનાવવાનો દાવો કરતી હોય છે. જો તમે પણ ઘરગથ્થુ વિકલ્પો પર નિર્ભર રહેતા હો તો આ બે ચીજો વાપરવા જેવી છે, પણ થોડીક સાવચેતી સાથે
રાઇસ વૉટર, બટેટાથી બ્યુટિ કેર
આજકાલ ચોખાનું પાણી અને બટાટાનું પાણી, આ બે પ્રકારનાં પાણી સ્કિન અને હેરકૅરમાં વાપરવાનું ચલણ શરૂ થયું છે. સોશ્યલ મીડિયા પર આ વિશે અસંખ્ય રીલ્સ જોવામાં આવી રહી છે. એવું કહેવાય છે કે આ કોરિયન લોકોની ટ્રેડિશનલ પદ્ધતિ છે. પરંતુ સાચી વાત એ છે કે આપણે ત્યાં આ બેઉ વસ્તુઓ અગાઉથી વપરાતી આવી છે. જેમ કે સાઉથ ઇન્ડિયન મહિલાઓ વાળ ધોયા પછી ચોખાનું પાણી લગાડતી હોય છે. કશુંક વાગ્યાના કે દાઝ્યાના ડાઘ હોય કે પિમ્પલ્સના ડાઘ હોય, એ જગ્યા પર નાનીઓ અને દાદીઓ બટાટાની સ્લાઇસ ઘસવાનું કહેતી. એવું કરવાથી ટૂંક સમયમાં ડાઘ જતાં પણ રહેતા. પરંતુ મહત્ત્વની વાત એ કે જે-તે પ્રદેશની અને ત્યાં રહેતા લોકોની પોતાની તાસીર હોય. કોઈ એક વ્યક્તિ માટે જે વસ્તુઓ અસરકારક હોય એ વસ્તુ ઍઝ ઇટ ઇઝ અન્ય વ્યક્તિને પણ અસરકારક રિઝલ્ટ આપી શકે કે નહીં એ વિશે અમે એક્સપર્ટ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો.
કોરિયન જ નહીં, પરંપરાગત નુસખા છે આ તો
ચોખાનું પાણી અને બટાટાનો રસ વાપરવાનો ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર છેલ્લાં બે-ત્રણ વર્ષથી ફરી રહ્યો છે, પણ એ કંઈ નવી શોધ નથી. માત્ર આપણે ચોખા અને બટાટાના રસનો ઉપયોગ આ રીતે પણ થાય એવું હમણાં લોકોના નજરમાં આવ્યું છે એમ જણાવતાં તિલકનગરમાં વર્ષોથી પોતાનું પાર્લર ચલાવતાં હર્ષા ગોહિલ કહે છે, ‘ઍક્ચ્યુઅલી આ રીલ્સ વાઇરલ થઈ ત્યાર બાદ એવી ઇમ્પ્રેશન ઊભી થઈ કે આ કોરિયાથી આવેલી કોઈ નવી પદ્ધતિ છે, પણ એવું નથી. સૌંદર્ય વધારવા માટે આ ઘરગથ્થુ વસ્તુઓ આપણી દાદીઓ અને નાનીઓ વાપરતી જ હતી. ડાઘ પર બટાટાની સ્લાઇસ ઘસવી કે છીણીને એનો રસ કાઢીને મોઢા પર લગાવવું ઑઇલી સ્કિન માટે ખરેખર ફાયદાકારક સાબિત થાય છે. બટાટામાં અને ચોખામાં સ્ટાર્ચ હોય જે સ્કિનમાંથી ઍક્સેસિવ ઑઇલ ઓછું કરે છે. એના કારણે પિમ્પલ્સ ઓછા થાય. અત્યારે રાઇસ અને પટેટો વૉટરવાળી ઘણીબધી કોરિયન પ્રોડક્ટ માર્કેટમાં આવી છે. આપણું એવું છે કે બહારથી આવ્યું એટલે આપણે તરત સ્વીકારી લઈએ. આપણે ત્યાં યોગ હતા, પણ બહાર જઈને પાછું યોગા બનીને આવ્યા તો એની કદર થઈ. કંઈક એવું જ.’
રાઇસ વૉટરના દાવા ખરેખર સાચા છે? એ વિશે આયુર્વેદ બેઝ્ડ બ્યુટી ટ્રીટમેન્ટ્સમાં માહેર સેલિબ્રિટી બ્યુટિશ્યન ઉલ્હાસ કળમકર કહે છે, ‘રાઇસ વૉટર પણ એક પ્રકારનું નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ જ છે એમ જણાવતાં ઉલ્હાસ કહે છે, ‘રાઇસ પોષણની દૃષ્ટિએ ખૂબ સારા કહેવાય અને એનું ઓસામણ જેવું પાણી વાપરવાથી ત્વચા પર ઇન્સ્ટન્ટ રિઝલ્ટ ખૂબ સારું મળી શકે છે. જોકે એ ટેમ્પરરી હોય છે. આજકાલ લોકો ઇન્સ્ટન્ટ રિઝલ્ટની પાછળ ભાગે છે, પણ એ લૉન્ગ લાસ્ટિંગ પણ હોવી જોઈએ. રાઇસ વૉટર હોય કે રાઇસ બ્રૅન હોય, એનાથી તાત્કાલિક તમને ચોક્કસ સારી અસર જોવા મળશે. ચોખાનું પાણી મિસ્ટ તરીકે ચહેરા પર છાંટો તો એનો સ્ટાર્ચ તમારા પોર્સને ઘટાડે અને ઢીલી ત્વચાને ટાઇટ હોવાનો ભાસ કરાવે, પણ એ લાંબા ગાળે નહીં રહે. જેવું તમે પાણીથી ચહેરો ધોઈ નાખ્યો કે એની અસર પણ ઘટી જશે. પણ હા, રાઇસ બ્રૅન બહુ સારું એક્સફોલિએટર છે, એનાથી ત્વચાને જેન્ટલી સાફ કરવામાં આવે તો ડર્ટ દૂર થઈ શકે છે.’
વાળ પર ચોખાના પાણીની અસર
ચોખાનું પાણી વાપરવાથી વાળમાં શાઇન આવી જાય છે એમ જણાવતાં હર્ષાબહેન કહે છે, ‘મારે ત્યાં પાર્લરમાં સાઉથ ઇન્ડિયન મહિલાઓ આવતી હોય છે. તેમના વાળ જેટ બ્લૅક અને એકદમ સૉફ્ટ હોય છે. મોટે ભાગે ૫૦ પ્લસ વર્ષની ઉંમરની મહિલાઓને પણ ગ્રે હોતા નથી છે. એ લોકો જ્યારે ઇડલી-ઢોસા માટે ચોખા પલાળે ત્યારે એકાદ ગ્લાસ પાણી વધારે નાખી દેતી હોય. પછી બીજા દિવસે નિતારીને એ પાણી વાળમાં લગાવતી હોય છે એવું મને ઘણી બધી બહેનો સાથે વાત કર્યા પછી જાણવા મળ્યું છે.’
વાપરવાની રીત
બટાટા છીણીને એનો રસ અલોવેરા સાથે મિક્સ કરીને ફેસ પર લગાવી શકાય. મુલતાની માટીમાં ભેળવીને પણ ચહેરા પર લગાવી શકાય. પંદરેક મિનિટ રાખ્યા પછી મોઢું ધોઈ નાખવાનું. રાત્રે પલાળેલા ચોખાનું પાણી નિતારીને સ્પ્રે બૉટલમાં ભરીને ફ્રિજમાં બે-ત્રણ દિવસ સ્ટોર કરી શકાય અને વાળમાં અને ચહેરા પણ એનો છંટકાવ કરી શકાય. ચોખાના પાણીથી વાળની થિકનેસ અને વૉલ્યુમ વધે છે. પાણી સ્પ્રે કર્યા પછી ફરીથી સાદા પાણીથી વાળ ધોવાની પણ જરૂર નથી.