દિવસમાં ૧૦-૧૫ ગ્રામથી વધારે ગોળ ન ખાવો જોઈએ. રિફાઇન્ડ શુગરની સરખામણીમાં ગોળ એક સારો વિકલ્પ છે કારણ કે એમાં વધુ મિનરલ્સ હોય છે
પ્રતીકાત્મક તસવીર
ઉનાળો શરૂ થઈ ગયો છે અને દિવસે-દિવસે તાપમાન વધતું જશે એવામાં ગરમી અને પરસેવાથી આપણા બેહાલ થઈ જશે. બૉડીમાં ડીહાઇડ્રેશન, થાક, નબળાઈ, માથાનો દુખાવો, ચક્કર આવવાં, ભૂખ ન લાગવી, હીટ-સ્ટ્રોક જેવી અનેક સમસ્યા સર્જાશે. એનાથી તમારે બચવું હોય તો આજથી ગોળનું પાણી પીવાનું શરૂ કરી દેજો
ઉનાળાની આગઝરતી ગરમીમાં શરીરને ઠંડક મળી રહે એ માટે આપણે લીંબુ શરબત, શિકંજી, કોકમ શરબત, વરિયાળીનું શરબત વગેરે જેવાં જાતજાતનાં ડ્રિન્ક્સ બનાવીને પીતા હોઈએ છીએ. આ બધાં એવાં ડ્રિન્ક્સ છે જેમાં સાકરનો ઉપયોગ થાય છે. આવાં સાકરવાળાં શરબત પીવા કરતાં ઉનાળામાં ગોળનું પાણી પીએ તો વધુ સારું. ગોળનું પાણી શરીરને ઠંડું રાખવામાં, પાણીની ઊણપ દૂર કરીને શરીરને હાઇડ્રેટેડ રાખવામાં, શરીરને ઊર્જા આપવામાં તેમ જ પાચનને સારું રાખવામાં મદદરૂપ બને છે.
ADVERTISEMENT
કઈ રીતે ખાસ?
ઉનાળાની ગરમીમાં ગોળના પાણીનું સેવન કરવાથી શરીરને કઈ રીતે ફાયદો પહોંચી શકે એ વિશે વાત કરતાં ડાયટિશ્યન મેઘના પારેખ શેઠ કહે છે, ‘ગોળનું પાણી શરીરના તાપમાનને રેગ્યુલેટ કરવાનું કામ કરીને ગરમીથી રાહત આપવાનું કામ કરે છે એટલું જ નહીં, પરસેવાના કારણે શરીરમાં આવતી પાણીની ઊણપ એટલે કે ડીહાઇડ્રેશનને દૂર કરીને શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. એવી જ રીતે ગરમીમાં પરસેવો વળે ત્યારે શરીરમાંથી પાણી નહીં પણ ઇલેક્ટ્રોલાઇટ્સનો પણ લૉસ થાય છે. એવામાં ગોળની અંદર રહેલાં પોટૅશિયમ અને સોડિયમ જેવાં મિનરલ્સ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બૅલૅન્સ કરવાનું કામ કરે છે. ગરમીમાં સામાન્ય રીતે જોવા મળતા હીટ-સ્ટ્રોકથી બચાવવામાં પણ ગોળનું પાણી મદદરૂપ બને છે. એવી જ રીતે ઉનાળાની ગરમીમાં થાક-નબળાઈ પણ આવતાં હોય છે. એવામાં ગોળનું પાણી પીવાથી શરીરને એનર્જી મળી રહે છે. ગોળના પાણીમાં કૉમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે, પરિણામે ધીમે-ધીમે એનર્જી રિલીઝ કરે છે. એને કારણે લાંબા સમય સુધી શરીરમાં એનર્જી ટકી રહે છે. એવી જ રીતે ગોળમાં આયર્ન, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ જેવાં આવશ્યક મિનરલ્સ હોય છે જે શરીરને એનર્જી આપવાની સાથે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે પણ સારાં છે.’
ગરમીમાં ગોળનું પાણી પીવાના વધુ ફાયદા જણાવતાં મેઘનાબહેન કહે છે, ‘ગરમીમાં ખાવાની ઇચ્છા ઓછી થઈ જવી, બ્લોટિંગ અને ગૅસ, અપચાની સમસ્યા સામાન્ય રીતે જોવા મળતી હોય છે. ગોળનું પાણી પીવાથી આવી પાચનસંબંધિત સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે. ગોળમાં રહેલાં ડાઇજેસ્ટિવ એન્ઝાઇમ્સ, ઍન્ટિઑક્સિડન્ટ્સ, ફાઇબર પાચન સરળ બનાવે છે અને ગટ-હેલ્થ સારી રાખવાનું કામ કરે છે. એવી જ રીતે ઉનાળામાં ગરમી અને ડીહાઇડ્રેશનને કારણે બ્લડ-પ્રેશર લો થવાની સમસ્યા થતી હોય છે. શિયાળામાં હાઈ બ્લડ-પ્રેશરનું અને ઉનાળામાં લો બ્લડ-પ્રેશરનું જોખમ હોય છે. આનું કારણ એ છે કે તાપમાન ઘટે ત્યારે રક્તવાહિનીઓ સંકોચાય છે અને બ્લડ-પ્રેશર વધવા લાગે છે, જ્યારે ઉનાળામાં ઊંચા તાપમાનને કારણે રક્તવાહિનીઓ વિસ્તરે છે અને બ્લડ-પ્રેશર ઘટવા લાગે છે. લો બ્લડ-પ્રેશરને કારણે ચક્કર અને નબળાઈ આવે છે. ગોળમાં પોટૅશિયમ અને બીજાં મિનરલ્સ હોય છે જે બ્લડ-પ્રેશર રેગ્યુલેટ કરીને લો બ્લડ-પ્રેશરને મૅનેજ કરવામાં મદદ કરે છે.’
આ રીતે પીવાથી વધુ ફાયદો થાય
આપણે ગોળના પાણીમાં બીજાં કેટલીક સામગ્રી પણ ઍડ કરી શકીએ જેનાથી એની કૂલિંગ ઇફેક્ટ હજી વધી જાય. એ માટે શું કરવું જોઈએ એ વિશે માહિતી આપતાં મેઘનાબહેન કહે છે, ‘ગોળનું પાણી પીવાથી શરીરને ઠંડક મળે જ છે પણ એની કૂલિંગ ઇફેક્ટ વધારવી હોય તો એમાં લીંબુ, તકમરિયાં અને ફુદીનો ઍડ કરીને એક ડ્રિન્ક બનાવી શકો. લીંબુ શરીરને કૂલ અને હાઇડ્રેટ રાખવાનું, ડાઇજેસ્ટિવ હેલ્થને સારી રાખવાનું કામ કરે છે તેમ જ એમાં રહેલું વિટામિન C ઇમ્યુનિટી બૂસ્ટ કરવાનું કામ કરે છે. એવી જ રીતે તકમરિયાં પણ એની કૂલિંગ પ્રૉપર્ટી માટે ઓળખાય છે, જે શરીરની ગરમીને ઓછી કરવાનું કામ કરે છે. જ્યારે ફુદીનો પણ ઉનાળાના રિફ્રેશિંગ અને ફ્લેવરફુલ ડ્રિન્કમાં વપરાય છે. ઉનાળામાં છાશની અંદર ગોળ નાખીને પીવાથી પણ ફાયદો
થાય. છાશ પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનો સારો સોર્સ છે જે ગરમીમાં હાઇડ્રેટેડ રહેવા માટે જરૂરી છે. છાશ પ્રોબાયોટિક્સનો પણ સારો સોર્સ છે જે ડાઇજેશન અને ગટ-હેલ્થને પણ સારી રાખે. ગોળના પાણીમાં જીરાનો પાઉડર મિક્સ કરીને પીવાથી પણ ફાયદો થાય. જીરાનું પાણી પીવાથી શરીરની ગરમી ઓછી થાય છે. બ્લોટિંગ, અપચાની સમસ્યા હોય તેમને પણ આનું સેવન કરવાથી સમસ્યામાંથી રાહત મળે છે.’
આટલું ધ્યાન રાખજો
ઉનાળામાં ગોળનું પાણી પીવાથી શરીરને અનેક ફાયદા મળે છે, પણ એની સાથે કેટલીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વિશે માહિતી આપતાં મેઘનાબહેન કહે છે, ‘દિવસમાં ૧૦-૧૫ ગ્રામથી વધારે ગોળ ન ખાવો જોઈએ. રિફાઇન્ડ શુગરની સરખામણીમાં ગોળ એક સારો વિકલ્પ છે કારણ કે એમાં વધુ મિનરલ્સ હોય છે. જોકે ગોળમાં પણ શુગર તો હોય જ છે એટલે એનું પ્રમાણસર સેવન કરવું જરૂરી છે. એમાં પણ જેમને ડાયાબિટીઝ હોય તેમણે તો પાંચથી દસ ગ્રામથી વધારે ગોળ ન ખાવો જોઈએ. એવી જ રીતે જેમને મેદસ્વિતાની સમસ્યા છે તેમણે પણ ગોળનું સેવન માપમાં કરવું જોઈએ, કારણ કે એ શુગર અને કૅલરીમાં હાઈ હોય છે. ગોળમાં રહેલા પોટૅશિયમને કારણે કિડનીના દરદીઓએ પણ ગોળનું સેવન સીમિત રાખવું જોઈએ.’
આયુર્વેદ શું કહે છે?
ગરમીમાં ગોળનું પાણી પીવું કેમ લાભદાયક છે એ વિશે વાત કરતાં આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. નીતિન ગોરડિયા કહે છે, ‘ગરમીમાં ગોળનું પાણી પીવાથી એ શરીરને ટાઢક આપે છે. શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે ગોળના પાણીનો ટ્રેડિશનલ ડ્રિન્ક તરીકે ઉપયોગ થાય છે. ગોળ પિત્તશામક તરીકે કામ કરે છે. એટલે શરીરમાં ગરમી-પિત્ત વધે ત્યારે ગોળનું પાણી પીવાથી રાહત મળે છે. ગોળનું પાણી પીવાથી શરીરને તરત તાકાત મળે છે, કારણ કે ગોળમાં મધુર રસ છે. એટલે ગરમીને કારણે ખૂબ થાક જેવું લાગતું હોય કે નબળાઈ લાગતી હોય ત્યારે ગોળનું પાણી પીવાથી શરીરને તરત ઊર્જા મળે છે. ગરમીમાં બહાર નીકળતાં પહેલાં કે તડકામાં ફરીને આવ્યા બાદ ગોળનું પાણી પી શકો. ગોળના પાણીમાં તમે એલચી કે વરિયાળી પણ નાખી શકો, કારણ કે એ પણ શરીરને ઠંડક આપનારાં છે. એવી જ રીતે ગરમીમાં પાચનની જેમને સમસ્યા હોય એ લોકો સવારે ખાલી પેટે ગોળનું પાણી પીએ તો વધુ ફાયદો થાય.’
આ રીતે બનાવો ગોળનું પાણી
ગોળનું પાણી બનાવવું ખૂબ સરળ છે. ગોળનું પાણી બનાવવા માટે દસથી ૧૫ ગ્રામ ગોળ લો. આ ગોળને એક ગ્લાસ પાણીમાં પલળવા માટે મૂકી દો. આખી રાત આ ગોળને પાણીમાં પલાળીને રાખો જેથી ગોળ ઓગળી જશે. આ રીતે તમારું ગોળનું પાણી બનીને તૈયાર છે.

