જ્યારે બહાર એકદમ ઠંડી હોય ત્યારે શરીરનું તાપમાન જાળવી રાખવું અત્યંત જરૂરી છે, પરંતુ બહારના નીચા તાપમાનના ચક્કરમાં શરીરને પોતાનું તાપમાન જાળવી રાખવા પરિશ્રમ કરવો પડે છે
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં ટ્રાવેલ કરવાનો શોખ ઘણાને હોય છે. મુંબઈની ૩૦ ડિગ્રીની ગરમીને બાજુ પર મૂકી તમે ૧૦ ડિગ્રી ઠંડીમાં અચાનક પહોંચી ગયા. ફ્લાઇટ, કાર અને હોટેલ પર તો ખબર ન પડી, પરંતુ જેવા તમે સવારના પહોરમાં સાઇટ-સીઇંગ માટે નીકળ્યા કે તમને અડધાએક કલાકમાં છાતીમાં દુખાવો ઊપડ્યો. અટૅક આવ્યો. અટૅક એક ઇમર્જન્સી છે અને તમે આવી જગ્યાએ કઈ હૉસ્પિટલ શોધવા ભાગશો? શું કરશો? આ એક કાલ્પનિક ઘટના નથી. આ વસ્તુ શક્ય છે. હજારો લોકો સાથે બની ચૂકી છે. આમ તો આ ઘટના કોઈ પણ વ્યક્તિ સાથે બની શકે છે, પરંતુ ઉંમરલાયક અને હૃદયના દરદીઓને આવું થવાનું રિસ્ક ઘણું વધારે છે.
જ્યારે બહાર એકદમ ઠંડી હોય ત્યારે શરીરનું તાપમાન જાળવી રાખવું અત્યંત જરૂરી છે, પરંતુ બહારના નીચા તાપમાનના ચક્કરમાં શરીરને પોતાનું તાપમાન જાળવી રાખવા પરિશ્રમ કરવો પડે છે. આ પરિશ્રમના ભાગરૂપે લોહીનું પરિભ્રમણ વધારવું જરૂરી છે. એ માટે હૃદયનું વધારે સ્ટ્રૉન્ગલી ધબકવું જરૂરી છે. ધબકારા વધવાથી હાર્ટ પર લોડ વધે છે. બ્લડપ્રેશર પણ એની સાથે ઊંચું જાય છે. એ સાથે શરીરમાં અમુક પ્રકારનાં પ્રોટીન્સનું નિર્માણ થાય છે જે તાપમાન વધારવા માટે ઉપયોગી છે, પરંતુ આ પ્રોટીન્સ બ્લડ-ક્લૉટ પણ કરી શકે છે. ઠંડીમાં વ્યક્તિને હાઇપોથરમિયા થઈ શકે છે જે અંતર્ગત શરીરનું તાપમાન ૩૫ ડિગ્રી સેલ્સિયસ જેટલું કાયમ રહેતું નથી, કારણ કે શરીરમાં એટલી શક્તિ જ નથી કે એ તાપમાન જાળવી રાખી શકે. એવામાં વ્યક્તિનું હાર્ટ ફેલ થઈ શકે છે અને તેનું મૃત્યુ પણ થઈ શકે છે.
ADVERTISEMENT
સખત ઠંડા વાતાવરણથી હાર્ટના દરદીઓ, ઓબીસ અને જેમની ફૅમિલી હિસ્ટરીમાં આ રોગ હોય, જેમનું કૉલેસ્ટરોલ વધુ હોય અને બ્લૉકેજનું રિસ્ક વધુ હોય એવા લોકોએ પણ સખત ઠંડીથી પોતાને બચાવી રાખવા જરૂરી છે. ઠંડીમાં લોકો દારૂ વધુ પીએ છે, પરંતુ દારૂ શરીરને ગરમ કરતો નથી. એ એક ખોટી માન્યતા છે. એ ફક્ત શરીરને લાગતા ઠંડીના અનુભવને ઓછો કરે છે, પરંતુ દારૂ શરીરને વધુ ડીહાઇડ્રેટ કરે છે જેને લીધે હાર્ટ-પ્રૉબ્લેમ થવાનું રિસ્ક ઘણું વધી જાય છે. હાર્ટનાં ચિહ્નોને સમજો અને જો થોડી પણ તકલીફ લાગે તો તાત્કાલિક હૉસ્પિટલ ભાગો. જો તમે ઑલરેડી હાર્ટના દરદી છો તો તમારા ઘરના કે તમારી સાથે રહેનારા લોકોને કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન (CPR) શીખવાડો, એ તમારા માટે એક મોટી હેલ્પ સાબિત થશે.
- ડૉ. લેખા પાઠક