મુંબઈકરો, હવા સાથે ફેલાતા બૅક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચવા માટે ફરી માસ્ક પહેરવા માંડો
પ્રતીકાત્મક તસવીર
સિનિયર સિટિઝનો અને નાનાં બાળકોમાં ખાસ જોવા મળી રહેલાં આ લક્ષણો ‘વૉકિંગ ન્યુમોનિયા’ હોઈ શકે. રૂટીન ઍક્ટિવિટી ચાલ્યા કરે એવાં માઇલ્ડ તાવ-શરદીનાં લક્ષણો સાત દિવસથી વધારે દેખાય તો એ ફેફસાંનું ઇન્ફેક્શન હોઈ શકે છે. ન્યુમોનિયાનાં આ પ્રારંભિક લક્ષણોને જો તાત્કાલિક સારવાર ન અાપવામાં આવે તો એ સિવિયર ન્યુમોનિયામાં પરિવર્તિત થઈને ગંભીર રૂપ લઈ શકે છે
ઋતુપરિવર્તન હંમેશાં કેટલીક બીમારીઓની સોગાત સાથે આવતું હોય છે. હજી તો માંડ ઠંડી શરૂ થઈ છે અને આટલા અમથા ઠંડીના વરતારામાં પણ આ ઋતુ સાથે આવતી કેટલીક બીમારીઓ દેખાવી શરૂ થઈ ગઈ છે. તમારા સર્કલમાં પણ દર ત્રીજી વ્યક્તિ છીંકાછીંક કરતી કે તાવ-શરદીની સમસ્યાથી પીડાતી તમે જોઈ રહ્યા હશો. જોકે આ લક્ષણો લાંબો સમય દેખાય તો એને સામાન્ય ફ્લુ સમજીને ન અવગણવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. વિન્ટરની શરૂઆતમાં જોવા મળતી સામાન્ય શરદી, ખાંસી, તાવ જેવાં ફ્લુનાં લક્ષણો વૉકિંગ ન્યુમોનિયા પણ હોઈ શકે છે. ન્યુમોનિયા પહેલાંની થોડીક હળવી સ્થિતિ હોય છે વૉકિંગ ન્યુમોનિયા. જો સમયસર સારવાર મળે તો સ્થિતિ ગંભીર રૂપ લેતી અટકી શકે છે.
ADVERTISEMENT
થતું શું હોય?
ઇન્ફેક્શનના નિષ્ણાત ડૉ. નીરજ તુલારા
મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે તાજેતરમાં જાહેર કરેલા ડેટા પ્રમાણે આ વખતે ફ્લુ ઇન્ફ્લુએન્ઝાના સર્વાધિક દરદીઓ મુંબઈમાં જોવા મળ્યા છે. સામાન્ય રીતે ફ્લુમાં શરદી-ખાંસી-તાવ સાથે આપણું માથું ભારે રહે કે આંખમાંથી પાણી વહે, ગળું દુખે, ખાંસી, છીંક, થાક લાગવો જેવાં સામાન્ય લક્ષણો હોય છે જેની સાથે આપણે કામકાજ કરી શકતા હોઈએ છીએ. વૉકિંગ ન્યુમોનિયાનાં પ્રારંભિક લક્ષણો ઘણા અંશે ફ્લુ સાથે મળતાં હોવાથી લોકો મોડું કરી દેતા હોય છે એમ જણાવીને હીરાનંદાની હૉસ્પિટલના ઇન્ફેક્શનના નિષ્ણાત ડૉ. નીરજ તુલારા કહે છે, ‘લોકો હરી-ફરી શકે અને પોતાના રૂટીનને ડિસ્ટર્બ થતાં બચાવી શકે એ ખાસિયતને કારણે જ એનું નામ વૉકિંગ ન્યુમોનિયા છે. લક્ષણો ન્યુમોનિયાનાં છે પણ એટલાં માઇલ્ડ છે કે તમને ખાસ નડી નથી રહ્યાં અને એટલે જ મોટા ભાગના લોકો વાત હાથમાંથી વહી ન જાય ત્યાં સુધી એને ગંભીરતાથી લેતા નથી. અત્યારના સિનારિયોને જોતાં હું કહીશ કે જો ચાર-પાંચ દિવસ દવા કર્યા પછી પણ શરદી, તાવ ન જાય તો સ્પેશ્યલિસ્ટ પાસે જવું જોઈએ. અમે અત્યારે જોઈ રહ્યા છીએ કે દર વર્ષ કરતાં ન્યુમોનિયાનાં પ્રારંભિક લક્ષણો ધરાવતા દરદીઓની સંખ્યામાં લગભગ દસ ટકાનો વધારો છે, જેમાંથી પંદર ટકા દરદીઓનો માઇલ્ડ ન્યુમોનિયા સિવિયરમાં કન્વર્ટ થતો હોય છે. એમાંના ૫૦ ટકા દરદીઓને હૉસ્પિટલાઇઝ થઈને સારવાર લેવી પડતી હોય છે.’
શું થાય અને કેવી રીતે?
ફેફસાંની નળીઓમાં સોજો આવે, એમાં પસ ભરાય કે એમાં ફંગસ લાગે ત્યારે ન્યુમોનિયા થયો કહેવાય. દરદીને ધીમે-ધીમે શ્વસનમાં તકલીફ શરૂ થાય. ડૉ. નીરજ કહે છે, ‘વૉકિંગ ન્યુમોનિયા બૅક્ટેરિયલ ઇન્ફેક્શન છે. કોરોના વાઇરલ ઇન્ફેક્શન હતું. જોકે ન્યુમોનિયામાં થતા બૅક્ટેરિયલ ઇન્ફેક્શનની શરૂઆત વાઇરસને લીધે જ થતી હોય છે. એ વાઇરલ ઇન્ફેક્શન લાંબું ચાલે પછી એમાં બૅક્ટેરિયલ ગ્રોથ શરૂ થાય. એક વાર લંગ્સમાં બૅક્ટેરિયાનો અટૅક શરૂ થયો પછી એ તમારી ઇમ્યુનિટી, લાઇફસ્ટાઇલ અને અન્ય હેલ્થ-કન્ડિશનના આધારે કેવા અને કેટલી ઝડપથી ગ્રો કરશે એ કહેવું મુશ્કેલ છે. બીજી મહત્ત્વની વાત કે બાળકો અને વડીલોમાં આ કેસ વધુ જોવા મળી રહ્યા છે કારણ કે આ ચેપી ઇન્ફેક્શન છે. હવાથી ફેલાય છે. તમારા ઘરમાં એક જણને છે તો બીજાને થશે. એટલે અત્યારે તો ખાસ માસ્ક પહેરવાનું કહીશ. બીજું, ઍન્ટિબાયોટિકથી જ એનો ઇલાજ શક્ય છે. ઇન્ફેક્શન એક વાર લંગ્સ સુધી પહોંચી ગયું એ પછી બાફ લેવાથી કે કાઢા પીવાથી ખાસ લાભ નહીં થાય.’
ક્યારે ચેતવું?
તાવ કે શરદી એક અઠવાડિયાથી વધુ ચાલે તો એની તપાસ વિશેષ રીતે કરવી પડે એમ જણાવીને ડૉ. નીરજ કહે છે, ‘અમુક ખાસ પ્રકારના બૅક્ટેરિયાને કારણે આ ઇન્ફેક્શન છે કે કેમ એની તપાસ થઈ શકે એવી ટેસ્ટ ઉપલબ્ધ છે. છાતીનો એક્સરે પણ નિદાનમાં ઉપયોગી છે. બાળકો અને સિનિયર સિટિઝનોમાં નબળી ઇમ્યુનિટીને કારણે વૉકિંગ ન્યુમોનિયાનાં લક્ષણો વધુ જોવા મળી રહ્યાં છે. બેથી ત્રણ દિવસમાં જો તાવ ઓછો ન થાય કે શરદીમાં ફરક ન દેખાય તો ચેતી જવું. તરત જ નિષ્ણાતની સલાહ મુજબ સારવાર શરૂ કરી દેવી. બીજું, જેમને હાઈ બ્લડપ્રેશર, હાર્ટ પ્રૉબ્લેમ, ડાયાબિટીઝ, લિવર કે કિડનીને લગતી બીમારીઓ હોય તેમણે પણ પોતાને થયેલા તાવ-શરદીને સામાન્ય ગણીને સારવારને પાછળ ન ઠેલવી. પેશન્ટની અવસ્થા મુજબ એકથી ચાર અઠવાડિયાંમાં રાહત મળી જતી હોય છે.’
આયુર્વેદ પાસે શું ઇલાજ છે આ સમસ્યાનો?
આયુર્વેદ નિષ્ણાત ડૉ. હેતા શાહ
મેડિકલ સાયન્સની દૃષ્ટિએ ન્યુમોનિયા એ બૅક્ટેરિયાને કારણે થયેલું ઇન્ફેક્શન છે, પણ આયુર્વેદની દૃષ્ટિએ આ કફજન્ય વ્યાધિ છે. કાંદિવલી અને પાર્લામાં આયુર્હિત નામનું ક્લિનિક ધરાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. હેતા શાહ કહે છે, ‘અત્યારે મારાં પોતાનાં મમ્મીને ન્યુમોનિયા થયો છે. આ સીઝન જ એવી છે. દિવાળીમાં ખૂબ પ્રદૂષણ ફેફસાંમાં ગયું હોય, બીજી બાજુ ઘી, સાકર અને દૂધની મીઠાઈઓ ખાધી હોય. આ કફ છૂટો પડીને બહાર જાય એ પહેલાં ઠંડી શરૂ થઈ જાય અને એ કફજન્ય પદાર્થ આપણા શરીરમાં ઘટ્ટ થતો જાય અને ઘણી વાર ફેફસાંમાં જામી જાય, જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે. આયુર્વેદમાં કોઈ પણ બીમારીનો ઇલાજ સૌથી પહેલાં આહાર-વિહારથી કરાતો હોય છે. ઘટ્ટ થઈને ફેફસાંમાં જામેલા કફને બહાર કાઢવાની નોબત આવે એ પહેલાં જ હું લોકોને ચેતી જવાની સલાહ આપીશ. તમને સહેજ શરદી કે તાવ જેવું લાગે એટલે કફ વધારે એવી પ્રોડક્ટ ખાવાનું બંધ કરો એ સૌથી પહેલો નિયમ. દૂધ, સાકર, ચીકણા પદાર્થ ન ખાવા. બીજું, ચા જેવું ગરમ પાણી દિવસમાં ચારથી પાંચ વાર પીઓ. તુલસી, હળદર, મરી, અજમો, નાગરવેલનું પાન, સૂંઠ, મરી, લવિંગ, સિંધાલૂણ જેવી વસ્તુઓ મિક્સ કરીને એનો કાઢો બનાવીને પીઓ. સૂંઠ, હળદર, ઘી અને ગોળની નાની-નાની ગોળીઓ બનાવીને એને ચૂસો. પચવામાં હલકો હોય એવો ખોરાક ખાઓ. એ સિવાય પેશન્ટની કન્ડિશન પ્રમાણે અમે અરડૂસાનો ઉકાળો, ભારંગમૂળનો ઉકાળો વગેરે આપતા હોઈએ છીએ. એ સિવાય લક્ષ્મીવિલાસ રસ પણ ખૂબ ઉત્કૃષ્ટ પરિણામ આપે છે. સૂક્ષ્મ ત્રિફળાની ગોળી અહીં ઍન્ટિબાયોટિકનું કામ કરે છે. જોકે આયુર્વેદની કોઈ પણ દવા વૈદ્યની દેખરેખ વિના ન લેવી, કારણ કે અહીં વ્યક્તિની પ્રકૃતિ મુજબ દવા અને એની ક્વૉન્ટિટી નક્કી થતી હોય છે. હા, ઇન્ફેક્શનમાં તમે ચંદનબલા લાક્ષાદિ તેલ અથવા પંચગુણ તેલને હળવું ગરમ કરીને એનાથી છાતીના ભાગમાં, નાસિકાના અને કપાળના ભાગમાં માલિશ કરશો તો સારું લાગશે. ગરમગરમ વરાળનો શેક લેવાથી લાભ થશે. નાક બંધ રહેતું હોય તો અજમો, સૂંઠ, કપૂર એમ ત્રણેયનો ભૂકો કરીને એની નાની-નાની કપડાની પોટલી બનાવીને સૂંઘવાથી ફાયદો થશે.’