આપણા દેશની આબોહવા, એની બદલાતી રહેતી ઋતુઓ મલેરિયાના પૅરૅસાઇટ અને વાહક એટલે કે મચ્છર બન્ને માટે ઘણી જ અનુકૂળ સાબિત થાય છે જેને લીધે આપણે ત્યાં આ રોગનો વ્યાપ વધુ છે.
ડૉક્ટર ડાયરી
પ્રતીકાત્મક તસવીર
મલેરિયા અતિ પ્રાચીન રોગ છે જે માનવજાતિ સાથે લગભગ ૭૦૦૦-૧૨,૦૦૦ વર્ષ પહેલાંથી અસ્તિત્વ ધરાવે છે. ઇતિહાસકારો માને છે કે આફ્રિકામાં જ્યારે અચાનક જ તાપમાન ખૂબ વધવા લાગ્યું અને ભેજમાં વધારો થયો ત્યારે પાણીના નવા સ્રોત ઊભા થયા. આ સિવાય ખેતી માટે મિડલ ઈસ્ટ અને નૉર્થ ઈસ્ટ આફ્રિકામાં પાણીના ઘણા નવા સ્રોત તૈયાર કરવામાં આવ્યા હતા જેને કારણે મચ્છરો અને મલેરિયાના પૅરૅસાઇટ બન્ને જન્મે એવું એમને અનુકૂળ વાતાવરણ ઊભું થયું. મલેરિયા નામ ઇટાલિયન શબ્દો પરથી તારવવામાં આવ્યો છે. mal એટલે કે ખરાબ અને aria એટલે હવા. આમ, મલેરિયાનો અર્થ ખરાબ કે બગડી ગયેલી હવા કરી શકાય. આવું નામ રાખવા પાછળ એ કારણ હતું કે લોકો શરૂઆતમાં એટલું સમજી શક્યા હતા કે બારી-બારણા બંધ રાખવાથી અને સાંજે બહાર ન નીકળવાથી મલેરિયાથી બચી શકાય છે.
ભારતમાં પણ મલેરિયા સદીઓથી ઘર કરી ગયેલો રોગ છે. આપણા દેશની આબોહવા, એની બદલાતી રહેતી ઋતુઓ મલેરિયાના પૅરૅસાઇટ અને વાહક એટલે કે મચ્છર બન્ને માટે ઘણી જ અનુકૂળ સાબિત થાય છે જેને લીધે આપણે ત્યાં આ રોગનો વ્યાપ વધુ છે. ૧૯૫૦માં ભારતમાં સૌથી વધુ લોકો મલેરિયાગ્રસ્ત બન્યા હતા. જ્યારે પણ ભારત પર મલેરિયાની કટોકટી આવી છે ત્યારે આયુર્વેદે ઘણી અકસીર રીતે લોકોના જીવ બચાવ્યા છે, કારણ કે આ એક એવો રોગ છે જે જીવલેણ છે. મલેરિયા નામને કારણે લાગે છે નવો રોગ છે અને ઍલોપથી સિવાય એનો ઇલાજ થઈ શકે નહીં પણ એવું નથી. રોગને સમજવાની રીત આયુર્વેદમાં જુદી છે પણ ઇલાજ તો દરેક રોગનો છે જ.
ADVERTISEMENT
મલેરિયા એક એવી બીમારી છે જે વર્ષોથી આપણી સાથે છે જેને કારણે આયુર્વેદમાં પણ એનો ઇલાજ છે. મલેરિયાને આયુર્વેદમાં વિષમ જ્વર કહે છે. એક એવો તાવ જે એક દિવસ કે બે દિવસ કે ચાર દિવસ છોડીને આવે અથવા ત્રણ દિવસ આવે અને એક દિવસ ન આવે, ફરી ત્રણ દિવસ આવે. આ પ્રકારની પરિસ્થિતિ માટે આયુર્વેદ પાસે આયુષ ૬૪ નામની એક દવા છે. આ જનેરિક દવાનું નામ છે જે ખાસ મલેરિયામાં ખૂબ અકસીર છે. જ્યારે ૧૯૯૨માં ફાલ્સીપૅરમ મલેરિયા ખૂબ ફેલાયો હતો ત્યારે આ દવા લોકોએ ખૂબ ખાધી હતી એટલું જ નહીં, પાકિસ્તાનમાં પણ એ ખૂબ મોકલવામાં આવી હતી. આ સિવાય મહાસુદર્શન ચૂર્ણ, લિમ્બાદીક કવાથ, ૧૬ અકસીર વસ્તુઓમાંથી બનતો કાઢો - કલિંગકાદી કશાયમ પણ ઘણી જ ઉપયોગી દવાઓ છે. આ ઇન્ફેક્શન એવું છે જેમાં તુલસી, લીમડો અને કડુ કરિયાતું પણ ઘણું ઉપયોગી થાય છે.