આ રોગ ૮૦ ટકા લોકોમાં ૨૦ વર્ષની ઉંમર પહેલાં જ દેખાઈ જાય છે. એટલે કે મોટા ભાગે બાળકોમાં અને તરુણોમાં આ રોગ દેખાય છે.
પ્રતીકાત્મક તસવીર
મારી એક દરદી ૪ વર્ષની દીકરી છે જેને એક વિચિત્ર પ્રૉબ્લેમ થઈ રહ્યો હતો. તેને રાત્રે સૂઈ જાય પછી ઊંઘમાં જ લગભગ વહેલી સવારે ૪-૫ વાગ્યે અચાનક છીંકો ચાલુ થઈ જતી. એ પણ ૧-૨ છીંક નહીં, લગભગ એકસાથે ૧૦-૧૫ છીંક. ઊંઘમાં એકદમ રેસ્ટલેસ થઈ જતી અને એકદમ શરદી થઈ ગઈ હોય એવું લાગતું. થોડી વાર પછી છીંકો એની મેળે બંધ થઈ જતી અને થાકીને તે સૂઈ જતી. એકાદ-બે દિવસ આવું ચાલ્યું, પરંતુ ત્રીજા દિવસે તેને એકધારી ૩૦ જેટલી છીંકો આવી હશે. એવું લાગતું હતું કે છીંકો બંધ જ નથી થતી. એક ૪ વર્ષની છોકરીને એકસાથે આટલીબધી છીંક આવે એટલે તેની હાલત શું થાય એ સમજી શકાય. સવારે ઊઠી ત્યારે એકદમ થાકેલી લાગતી હતી. પરંતુ રાત્રે જે શરદી જેવું લાગતું હતું એ શરદી દિવસે ખાસ નહોતી. આખો દિવસ સાવ નૉર્મલ હેલ્ધી લાગતી છોકરી રાત્રે અચાનક આટલીબધી વાર છીંકવા લાગે એ વિચિત્ર લાગતાં તેનાં માતા-પિતા તેને મારી પાસે લાવ્યા ત્યારે ખબર પડી કે તેને ઍલર્જિક રાઇનાઇટિસ હતું.
રાઇનાઇટિસ એટલે નાકમાં આવતો સોજો અને જ્યારે એ કોઈ ઍલર્જીને કારણે આવે ત્યારે એ રોગને ઍલર્જિક રાઇનાઇટિસ કહે છે. મોટા ભાગના ઍલર્જિક રાઇનાઇટિસના કેસમાં ધૂળમાં રહેલા ડસ્ટ માઇટ આ રોગ પાછળ જવાબદાર ઍલર્જન હોય છે. બાકી આ રોગમાં પોલન એટલે કે ફૂલની પરાગરજ પણ એક મહત્ત્વનું ઍલર્જન છે. આ રોગ ૮૦ ટકા લોકોમાં ૨૦ વર્ષની ઉંમર પહેલાં જ દેખાઈ જાય છે. એટલે કે મોટા ભાગે બાળકોમાં અને તરુણોમાં આ રોગ દેખાય છે.
ADVERTISEMENT
૭૦ ટકા દરદીઓમાં જે મહત્ત્વનું લક્ષણ છે એ છે છીંકો. એકસામટી આવતી છીંકો. બાકી નાક ગળવું, નાક બ્લૉક થઈ જવું, શરદી જેવું લાગવું, માથું ભારે થવું, ગળામાં ઇન્ફેક્શન જેવું લાગવું, નાક લાલ થઈ જવું, આંખમાંથી પાણી નીકળવું, નાક અને આંખમાં ખંજવાળ આવવી વગેરે લક્ષણો આ ઍલર્જીનાં હોઈ શકે છે. વળી જેમને ઍલર્જિક રાઇનાઇટિસ છે એમાંના ૪૦ ટકા દરદીઓને અસ્થમા હોય છે. અને જેમને અસ્થમા છે એવા ૭૦ ટકા વ્યક્તિઓને ઍલર્જિક રાઇનાઇટિસ છે. આમ આ રોગને અસ્થમા સાથે સીધો સંબંધ છે. જ્યારે વ્યક્તિ આ રોગનો ઇલાજ કરાવતી નથી તો તેની પરિસ્થિતિ ગંભીર થતી જાય છે અને નાકનો પ્રૉબ્લેમ ધીમે-ધીમે ગળા અને ફેફસાં સુધી પહોંચી જાય છે. આ સિવાય ઍલર્જિક રાઇનાઇટિસ ધરાવતા લોકોને સાઇનસની તકલીફ પણ થઈ શકે છે. અ સિવાય આ પ્રૉબ્લેમને કારણે વ્યક્તિની કાર્યશીલતા પર પણ અસર પડે છે. એટલે એનો ઇલાજ ચોક્કસ કરાવો.

