હવામાનું પ્રદૂષણ જો આપણી અંદર તકલીફો ઊભી કરી રહ્યું હોય, આપણા મગજને અસર કરીને અટેન્શન ઘટાડતું હોય
પ્રતીકાત્મક તસવીર
હવામાં પ્રદૂષણ હોય તો ફેફસાં અને હૃદય પર એની અસર થાય છે એ વિજ્ઞાન સાબિત કરી ચૂક્યું છે, પરંતુ હાલમાં પ્રકાશિત સ્ટડી જણાવે છે કે હવાનું પ્રદૂષણ એના એક્સપોઝરના એક જ કલાકની અંદર વ્યક્તિની કૉગ્નિટિવ ક્ષમતા જેમ કે અટેન્શન અને લાગણીઓને સમજવાની શક્તિ પર સીધી અસર કરે છે, જેને લીધે કામની પ્રોડક્ટિવિટી ઘટે છે. એને ટાળી શકવાનો આમ તો કોઈ ઉપાય નથી એટલે એની અસર ઓછી કરવી હોય તો તમે બની શકે એટલું આ પ્રદૂષણથી બચો
હવામાં પ્રદૂષણ વધે ત્યારે પહેલી અસર ફેફસાં પર થાય એ સહજ છે. આ સિવાય વિજ્ઞાન એ સાબિત કરી ચૂક્યું છે કે એની વધુ અસર હૃદય પર પણ થાય છે. ફેફસાંની કામગીરી ખોરવાય એટલે હૃદય પર તો અસર થવાની જ છે. પરંતુ જો એવું કહેવામાં આવે કે હવાના પ્રદૂષણની અસર મગજ પર પણ થાય છે તો? હવાના પ્રદૂષણની અસર પરંતુ તાજેતરમાં બર્મિંગહૅમ યુનિવર્સિટી, UKમાં થયેલો નવો સ્ટડી જણાવે છે કે શૉર્ટ-ટર્મમાં પણ હવાના પ્રદૂષણની અસર મગજ પર થાય જ છે. આ સ્ટડી જણાવે છે કે માનસિક કાર્યક્ષમતા, અટેન્શન પ્રૉબ્લેમ અને ઇમોશનલ રેગ્યુલેશન બધાં પર એની અસર પડે છે. અટેન્શન પ્રૉબ્લેમ એટલે કે કોઈ એક જગ્યાએ ધ્યાન આપવામાં વ્યક્તિને તકલીફ પડે છે. પણ આ તકલીફ પણ સિલેક્ટિવ બની જાય છે એટલેકે અમુક જગ્યાએ જ્યાં ધ્યાન આપવાનું હોય ત્યાં જ ધ્યાન રહે છે, પરંતુ બધી જગ્યાએ એ ધ્યાન રહેતું નથી. એક જગ્યાએ સારું ધ્યાન રહે એટલે વ્યક્તિને અહીં સમજાતું નથી કે કોઈ ખાસ પ્રૉબ્લેમ છે. પણ મગજ એકસાથે ઘણી જગ્યાએ એકસરખું ધ્યાન આપી શકવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતા પર અસર પડે છે.
ADVERTISEMENT
રિસર્ચ
વૈજ્ઞાનિકોએ આ રિસર્ચમાં હવાના પ્રદૂષણનું સૌથી સામાન્ય ફૉર્મ જોયું જેમાં PM2.5 એટલે કે પાર્ટિક્યુલેટ મૅટર ૨.૫નો ઉપયોગ કર્યો હતો જે વાળથી પણ બારીક હોય છે અને વાહનોના ધુમાડામાંથી, કારખાનાના ધુમાડામાંથી કે દાવાનળના ધુમાડામાંથી પણ મળી આવે છે. રસપ્રદ વાત એ છે કે આ રિસર્ચમાં ૨૬ હેલ્ધી વયસ્કોને લેવામાં આવ્યા હતા. એમાંથી અડધાને રૂમમાં મીણબત્તીઓના ધુમાડા સાથે ૧ કલાક રાખવામાં આવ્યા જ્યાં PM2.5 જેટલું હતું. બાકીના લોકોને ફ્રેશ ઍર આપવામાં આવી હતી જેમાં પ્રદૂષણ નહોતું. એ એક કલાકના એક્સપોઝર પછી ૪ કલાક રાહ જોઈને અમુક જરૂરી ટેસ્ટ કરવામાં આવી હતી, જેના પરથી સમજાયું કે જેમને કૅન્ડલ સ્મોકની અંદર રાખેલા તેઓ એક જગ્યા પર ફોકસ કરી શકવામાં નબળા પડી રહ્યા હતા. આ સિવાય લાગણીને ઓળખી અને સમજી શકવામાં પણ તેઓ અસમર્થ હતા. બાળકોમાં આ જ ચિહનો એટલે કે કોઈ એક જગ્યાએ ફોકસ ન કરી શકવું એ ADHD-અટેન્શન ડેફિસિટ અને હાઇપર ઍક્ટિવિટી ડિસઑર્ડરનું મુખ્ય લક્ષણ છે અને ઇમોશન્સ સમજી ન શકવાં ઑટિઝમનું. આ પહેલાંનાં અમુક રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે કે હવાના પ્રદૂષણનો આ બન્ને રોગો સાથે પણ સંબંધ છે. પરંતુ તાજેતરનો આ સ્ટડી બાળકો માટેનો નથી, વયસ્કો વિશે છે. જોકે વૈજ્ઞાનિકોએ આ રિસર્ચમાં લખ્યું છે કે બાળકોનું મગજ વિકાસ થઈ રહ્યું હોય છે તો એના પર હવાના પ્રદૂષણની અસર ઘણી વધુ થાય છે. ૨૦૨૪ના ઑક્ટોબરમાં યુરોપમાં થયેલું એક રિસર્ચ જણાવે જ છે કે હવાના પ્રદૂષણને લીધે બાળકોના મગજના વિકસ પર અસર થાય છે.
પ્રોડક્ટિવિટી પર અસર
અહીં સમજવા જેવું શું છે એ જણાવતાં ગ્લેનિગલ્સ હૉસ્પિટલ, પરેલના ન્યુરોલૉજિસ્ટ ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘જ્યારે વ્યક્તિ કામ માટે ટ્રાવેલ કરે છે ત્યારે રસ્તામાં વાહનોના ધુમાડામાં PM2.5નું એક્સપોઝર વધુ જ રહેવાનું છે. મુંબઈ જેવા શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ૧ કલાકનો સમય તો લાગે જ છે. આ પરિસ્થિતિમાં આટલા એક્સપોઝર પછી જો વ્યક્તિ કામ પર પહોંચે તો તેની પ્રોડક્ટિવિટી ઘણી ઘટી જાય છે. આ ખરેખર ચિંતાજનક પરિસ્થિતિ છે. વ્યક્તિ કોઈ પણ રીતે એને કોપ-અપ કરવાની કોશિશ કરે પણ જે તેની ક્ષમતા છે એના કરતાં તે ઓછું જ પર્ફોર્મ કરી શકશે એ જાણી શકાય છે.’
લાંબા ગાળાની અસર
હવાના પ્રદૂષણની મગજ પર અસર થાય છે એવું ભૂતકાળમાં ઘણાં રિસર્ચ સાબિત કરી ચૂક્યાં છે. ખાસ કરીને હવાના પ્રદૂષણને ઑલ્ઝાઇમર્સ ડિસીઝ, પાર્કિન્સન્સ ડિસીઝ અને મલ્ટિપલ સ્ક્લેરોસિસ જેવા રોગો સાથે સાંકળવામાં આવ્યું છે. જેમ પ્રદૂષણ વધુ એમ આ રોગો થવાની સંભાવના વધુ એટલે કે જે શહેરોમાં હવાનું પ્રદૂષણ વધુ છે એ શહેરોમાં લોકોના મગજને તપાસવામાં આવ્યાં તો સમજાયું કે આ પ્રદૂષણની ઘણી ઘેરી અસર તેમના મગજ પર જોવા મળી છે. એ વિશે વાત કરતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘મેક્સિકોમાં આ પ્રકારનું એક રિસર્ચ થયું હતું. મુંબઈની જેમ મેક્સિકોમાં પણ ખૂબ જ પ્રદૂષિત હવા જોવા મળે છે. એ રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ જોયું કે મેક્સિકોની બહાર રહેતા લોકો કરતાં આ શહેરમાં રહેતા લોકોમાં મગજને સંબંધિત તકલીફો વધુ છે. ખાસ કરીને તેમને ઑલ્ઝાઇમર્સ ડિસીઝ કે પાર્કિન્સન્સ ડિસીઝ થવાની શક્યતા ઘણી વધારે રહે છે. આ પ્રકારનું એક રિસર્ચ ચીનમાં પણ થયું છે. આ વાત વિજ્ઞાને સાબિત કરી દીધી છે કે હવાનું પ્રદૂષણ જેટલું વધુ એટલી મગજ પર અસર થાય જ છે, પણ આ વાત લાંબા એક્સપોઝરની છે. એટલે કે આ અસર એક-બે દિવસ કે ૧-૨ વર્ષમાં દેખાતી નથી પરંતુ લાંબા ગાળે દેખાય છે. વર્ષોનાં વર્ષો જ્યારે તમે આ રીતે વિતાવો તો દેખાય છે.’
બચાવ કઈ રીતે?
હવામાનું પ્રદૂષણ જો આપણી અંદર તકલીફો ઊભી કરી રહ્યું હોય, આપણા મગજને અસર કરીને અટેન્શન ઘટાડતું હોય અને લાગણીઓને સમજવામાં તકલીફ કરતું હોય તો એનાથી બચવા આપણે શું કરી શકીએ? એ પ્રશ્નના જવાબમાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘આપણે જે કરી શકીએ એમાં બહારનું હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે બને એટલો પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. નજીકનાં બધાં અંતરો પાર કરવા પગપાળા કે સાઇકલ વાપરીએ. કાર-પુલિંગ કરીએ. રિક્ષા પણ શૅરિંગ જ વાપરીએ. આ બધાં નાના સ્ટેપનાં રિઝલ્ટ મોટાં છે. અત્યારે મુંબઈમાં અંધાધૂંધ કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. એને કન્ટ્રોલમાં રાખવું. આજથી ૧૦ વર્ષ પહેલાં સિંગાપોરની આ હાલત હતી જેવી અત્યારે મુંબઈની છે. આ ઉપરાંત ઇન્ડોર ઍર પૉલ્યુશન પર પણ ધ્યાન આપો. એને ઓછું કરવું તો આપણા જ હાથમાં છે. આ રિસર્ચમાં મીણબત્તીથી ઉત્પન્ન થયેલા હવાના પ્રદૂષણની વાત છે. એટલે સમજો કે ઘર કે ઑફિસની અંદર જે પૉલ્યુશન છે એ પણ આપણને એટલું જ અસરકર્તા છે.’
સપ્લિમેન્ટ કામ લાગતાં નથી
હવાનું પ્રદૂષણ તો વધતું જ રહેવાનું. જો આપણે આપણી જાતને બચાવવી હોય તો શું કરવું? એ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. શિરીષ હસ્તક કહે છે, ‘વિટામિન અને એનાં સપ્લિમેન્ટ મગજને સારી રીતે કામ કરવામાં મદદરૂપ છે પણ મગજ પર કોઈ બહારી અસરથી બચાવવા માટે એ ઉપયોગી નથી. એટલે જો આપણે મુંબઈમાં રહેતા હોઈએ તો બને એટલું હવાના પ્રદૂષણથી બચવાનું છે. બાકી મગજને એની અસરથી બચાવવા માટેનો કોઈ ઉપાય નથી. હવાના પ્રદૂષણથી જેટલો અટેન્શન પ્રૉબ્લેમ થાય છે એના કરતાં વધુ પ્રૉબ્લેમ ગૅજેટ્સ અને સતત જોવામાં આવતી ૩૦ સેકન્ડની રીલ્સથી પણ થાય જ છે. જો હવાનું પ્રદૂષણ ફક્ત તમારા હાથમાં નથી તો ગૅજેટનો ઉપયોગ તો તમારા હાથમાં જ છે. એટલે ખુદને બચાવવા માટે પહેલો પ્રયત્ન એ કરો કે ગૅજેટ છોડો અને પર્યાવરણની નજીક જવાનો પ્રયત્ન કરો. આપોઆપ હવાના પ્રદૂષણ પ્રત્યે જાગૃતિ આવશે અને એને ઓછું કરવા તમે પ્રયત્નશીલ બનશો.’
૨૦૨૪માં એન્વાયર્નમેન્ટલ હેલ્થ જર્નલમાં છપાયેલા એક રિસર્ચ મુજબ જો હવાના પ્રદૂષણમાં PM 2.5નું પ્રમાણ એક માઇક્રોગ્રામ જેટલું પણ વધે તો વ્યક્તિના IQ- ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટમાં ૦.૪ પૉઇન્ટ જેટલો ઘટાડો જોવા મળે છે જે ખૂબ જ ચિંતાજનક આંકડો છે. દિવસે-દિવસે વધતું જતું હવાનું પ્રદૂષણ ઘટાડી શકવાની ગુંજાઈશ દેખાતી નથી ત્યારે આ પ્રકારનાં રિસર્ચ આપણને જણાવી રહ્યાં છે કે સ્વચ્છ હવાનું મૂલ્ય ઘણું છે.

