ઝાલમુડી એટલે બંગાળી ભેળ. મુડીના મમરા થોડા ચપટા અને અંદરથી ભરેલા હોય એટલે એનો દાણો સહેજ અમસ્તો વજનદાર લાગે
મસ્ટ વિઝિટ
મમરા કેવો ટેસ્ટ બદલી નાખે એનું બેસ્ટ ઉદાહરણ છે ઝાલમુડી
આજે આપણે મુંબઈમાં રહીને પણ બંગાળી સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાનો છે. હા, બંગાળી સ્ટ્રીટ ફૂડ ઝાલમુડી. ઝાલમુડી એટલે બંગાળી ભેળ. આપણે ત્યાં જેમ સૂકી ભેળ પ્રચલિત છે એવી જ રીતે બંગાળમાં ઝાલમુડી બહુ ખવાય. મજાની વાત તો એ કે બન્નેનાં ઇન્ગ્રીડિયન્ટ્સ સરખાં અને બનાવવાની રીત અલગ અને એને લીધે સ્વાદમાં પણ ભારોભાર ફરક. એક સમય હતો ઝાલમુડી માત્ર બંગાળમાં જ મળતી પણ પછી પૉપ્યુલારિટીના કારણે એનો વ્યાપ વધ્યો અને પાડોશી સ્ટેટ એવા બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ એ મળતી થઈ અને હવે તો મુંબઈમાં પણ ઘણીબધી જગ્યાએ મળે છે.
અચાનક આ ઝાલમુડી મને યાદ ક્યાંથી આવી એની વાત કહું તમને. હમણાં હું મેસેન્જરમાંથી નકામી ચૅટ ડિલીટ કરતો હતો. એમાંથી એક ચૅટ નીકળી એન્જસ ડેનુનની. આ એક યુરોપિયન છે. લૉકડાઉન પહેલાં મેં તેની સાથે લાંબો વાર્તાલાપ કર્યો હતો. વાર્તાલાપનો ટૉપિક ફૂડનો જ હતો. એમાં બન્યું એવું કે એન્જસ ડેનુન શેફ, તે બ્રિટનથી કલકત્તા આવ્યો અને બંગાળી સ્ટ્રીટ ફૂડથી ખાસ્સો પ્રભાવિત થયો. એ પછી તેણે પાછા જઈને લંડનમાં ઝાલમુડી, પુચકા અને એવી બીજી વરાઇટીનો ખૂમચો શરૂ કર્યો. લંડનમાં આ પ્રકારના ખૂમચા તમને ખાસ જોવા ન મળે. લંડનમાં તે સમયાંતરે જગ્યાએ બદલતો રહેતો. ત્રણેક વર્ષ પહેલાં જ્યારે હું લંડન શો કરવા ગયો ત્યારે જ હું તેને મળવા માગતો હતો પણ એ સમયે તે સ્કૉટલૅન્ડમાં હતો એટલે મળી શકાયું નહીં અને તેના હાથની ઝાલમુડી પણ ખાવા મળી નહીં. મૉરલ ઑફ ધ સ્ટોરી એ એન્જસ ડેનુનની ચૅટ હાથમાં આવતાં મને ઝાલમુડી યાદ આવી ગઈ.
મેં તો મનોમન ઝાલમુડી શોધવાનું શરૂ કર્યું અને મને યાદ આવ્યું કે જુહુ રોડ પર કલાનિકેતનની બાજુમાં આવેલા વૈશાલી શૉપિંગ સેન્ટરની બહાર ઝાલમુડીવાળો ઊભો રહે છે. એ પોતે જ બંગાળી છે અને નામ કુમાર મંડલ.
હું તો પહોંચી ગયો અને ગાડી સીધી ઊભી રાખી મેં કુમાર મંડલ પાસે. ફટાફટ ઝાલમુડીનો ઑર્ડર કરી હું તેની આખી પ્રક્રિયા જોવા માંડ્યો.
સૌથી પહેલાં તો તેણે મમરા લીધા. ઝાલમુડીના મમરા પણ કલકત્તાના મમરા હતા. આ મમરા આપણા રેગ્યુલર મમરા કરતાં અલગ હોય. આપણા રેગ્યલુર મમરા વજનમાં લાઇટ અને ફૂલેલા હોય પણ મૂડીના કલકત્તાના મમરા થોડા ભરેલા હોય એટલે એનો દાણો વજનદાર હોય અને એ ચપટા હોય. બન્ને મમરાનો ટેસ્ટ જુદો હોય. ઍનીવેઝ, ઝાલમુડીની વાત કરીએ. ઝાલમુડી તમને કાગળના પડિયામાં નહીં પણ કાગળની થેલીમાં આપવામાં આવે. તમે ફોટો ધ્યાનથી જોશો તો તમને એ છ ઇંચની થેલી દેખાશે.
મમરા પછી મંડલે એમાં કાંદા, બાફેલા બટાટા અને બાફેલા કાળા ચણા નાખ્યા. કાંદા અને બટાટા આપણી ભેળમાં હોય પણ આ ચણા આપણે નથી નાખતા. એ પછી મંડલે સિંગ નાખી, ભુજિયા નાખ્યા અને એની ઉપર ગ્રીન મરચાની ચટણી નાખી. આ મરચાની ચટણી આપણી પેલી મરાઠી ચટણી જેને ઠેચા કહે છે એવી વાટેલા મરચાની હતી. ઠેચા પર કોપરાના વાટકામાંથી ચીરી કરીને કોપરું નાખ્યું અને એ પછી એના પર મુડીનો મસાલો નાખ્યો, જે કલકત્તાથી ખાસ મગાવ્યો હતો. આ બધા ઉપર પછી ઑઇલનો આછો છંટકાવ કર્યો. આ સરસવનું તેલ હોય છે. આપણે સિંગતેલ ખાઈએ પણ બંગાળ, યુપી, બિહારમાં રાઈનું તેલ ચલણમાં છે. આ બધું પછી મિક્સ કરવાનું અને એ મિક્સચર પર લીંબુ નાખે અને આછુંસરખું મિક્સ કરી તમને આપે.
મેં કલકતામાં એટલે કે ઝાલમુડીના જનક એવા શહેરમાં પણ ઝાલમુડીનો ટેસ્ટ કર્યો છે. અગાઉ તો કલકત્તા ટ્રેનમાં જતો એટલે જેવાં બિહાર, ઝારખંડ આવે કે તરત ઝાલમુડીવાળા ટ્રેનમાં દેખાવા લાગે. એવો જ ટેસ્ટ. મને તો કલકત્તા યાદ આવી ગયું. હવે જ્યારે બધું સંપૂર્ણ કૅપેસિટી સાથે ખૂલવા માંડ્યું છે ત્યારે કલકત્તા જવાનું પણ બનશે અને ઝાલમુડી ખાવાનું પણ બનશે એ વિચારે જ મારો ઝાલમુડી ખાવાનો ટેસ્ટ બમણો કરી નાખ્યો હતો. એક વાર આ કુમાર મંડલની ઝાલમુડી ટ્રાય કરજો, મસ્ત બનાવે છે.