સિંગતેલમાં બનતાં આ સમોસા અને વડાં એવાં તે અદ્ભુત છે કે તમે ખાધા પછી એનો જમણવાર જ કરી કાઢો
ખાઈપીને જલસા
સંજય ગોરડિયા
હમણાં અમારા નાટકનો શો હતો ચોપાટી પાસે આવેલા ભારતીય વિદ્યા ભવનમાં. ભવનમાં મૅનેજર છે તે અજિંક્ય સંપટ અગાઉથી જ મને ઓળખે. તેણે મારાં ઘણાં નાટકમાં ઍક્ટિંગ પણ કરી છે. મારો તે દોસ્ત પણ ખરો. મારો ખાવાનો શોખ જોઈને તે હંમેશાં મારા માટે કંઈ ને કંઈ નાસ્તો મગાવી રાખે અને અમે સાથે બેસીને બધા નાસ્તો કરીએ. અગાઉ હું ગયો હતો ત્યારે તેણે મારા માટે સમોસા મગાવી રાખ્યા હતા. સમોસા એટલે સમોસા આપણે એવું માનીએ પણ એવું નહોતું સાહેબ. બહુ મસ્ત સમોસા હતા. તમારી તબિયત ખુશ થઈ જાય. સમોસાનું પૅકેટ ખૂલ્યું ને એમાંથી ધુમાડા નીકળવા માંડ્યા અને હથેળી આખી ભરાઈ જાય એવડી મોટી સાઇઝના. સાહેબ, એ દિવસે તો હું ત્રણ સમોસા ઝાપટી ગયો. મને પોતાને અત્યારે પણ અચરજ થાય છે કે એટલા મોટા સમોસા હું એકલો કેવી રીતે ખાઈ ગયો હોઈશ; પણ સાહેબ, ખાઈ ગયો અને મજા-મજા પડી ગઈ.
માંહ્યલા બકાસુરને શાંત કરીને મેં એ દિવસે તેને પૂછ્યું હતું કે ભાઈ, આ સમોસા તેં ક્યાંથી મગાવ્યા તો મને કહે, બાબુલનાથ મંદિરની બાજુમાં દવે ફરસાણ માર્ટ છે ત્યાંથી. આ જે દવે છે એના વિશે અગાઉ પણ મને કોઈએ કહ્યું હતું, પણ એ કોણ હતું એ અત્યારે યાદ નથી આવતું; પણ આ દવેનું નામ મારા માટે સાવ નવું નહીં. મેં નક્કી કર્યું કે ભાઈ હવે આપણે આ દવેમાં જવું જ રહ્યું. બસ, મુદ્દો માત્ર એટલો કે હું જવાની તક ક્યારે ઝડપું.
ADVERTISEMENT
એ પછી ભવન્સમાં એકાંકી કૉમ્પિટિશન આવી એટલે મેં નક્કી કર્યું કે ભાઈ હવે બે પંથ, એક કાજ કરવાં પડે. નાટક જુઓ અને બે નાટક વચ્ચે રિસેસ પડે ત્યારે દવેમાં જઈને એનો આસ્વાદ તમારા સુધી પહોંચાડવો.
મોકો મળી ગયો અને હું તો પહોંચી ગયો દવેમાં. જઈને જોયું તો ત્યાં ગરમાગરમ સમોસા ઊતરતા જાય. મેં તો પહેલાં એને ન્યાય આપ્યો, પણ પછી મેં જોયું તો ત્યાં ગરમાગરમ વડાં મળતાં હતાં. મોટા ટેનિસ બૉલ જેવડી સાઇઝનું વડું. મેં તો એ પણ લીધું અને એ પણ સ્વાદમાં અવ્વલ. માત્ર એટલું જ નહીં, બીજાં જે બધાં ફરસાણ હતાં એ પણ એટલાં જ સરસ, તમને મજા પડી જાય. મેં તો મારી નજર સામે જોયું કે ઑર્ડર આવી ગયા હોય, લોકો લાઇનમાં ઊભા હોય અને માલ ઊતરે કે તરત ખાલી થતો જતો હોય. આવું બહુ ઓછા લોકોને ત્યાં બનતું હોય છે, પણ દવેમાં એવું રોજેરોજ થાય છે. રોજ સાંજે ગરમાગરમ સમોસા અને વડાં ઊતરે અને લોકો એ લેવા માટે પડાપડી કરે. સાહેબ, ખરેખર આ જે પડાપડી થાય છે એનું કારણ બીજું કોઈ નહીં પણ દવે ફરસાણ માર્ટનો સ્વાદ અને એની શુદ્ધતા છે. પ્યૉર સિંગતેલમાં જ એ સમોસા અને વડાં બનાવે છે. સિંગતેલની એક બ્યુટી છે, એ તમારા ફરસાણને વધારે સ્વાદ આપે, જે સ્વાદ પામ તેલમાં કપાઈ જાય. પામ તેલ તેણે વાપરવું પડે જેને માલ સાચવવો પડતો હોય, પણ જેને ત્યાં માલ ચપટી વગાડતાં ખાલી થઈ જતો હોય તેને વળી શું કામ એવું આયાતી તેલ વાપરવું પડે?
બાબુલનાથ અને એની આજુબાજુમાં તો આ દવે બહુ પૉપ્યુલર છે જ પણ મારું કહેવું છે કે જો શક્ય હોય તો ખાસ ત્યાં જઈને એક વાર દર્શન કરી આ દવેમાં અચૂક જજો. મંદિરમાં નહીં જાઓ તો મને જરાય ખોટું નહીં લાગે પણ મિત્રો, જો તમે બાબુલનાથ ગયા અને દવેમાં નથી ગયા તો યાદ રાખજો, હું ને મારો બકાસુર બેય તમારાથી નારાજ થઈશું. ગૅરન્ટી સાથે કહું છું, તમે સમોસા અને વડાંનો નાસ્તો નહીં કરો, એ પેટ ભરીને જમશો.
ગૅરન્ટી.