હોળીના તહેવારમાં સૌથી વધુ મહત્ત્વ રંગોનું ખરું પરંતુ કોઈ પણ ભારતીય તહેવાર એના સ્પેશ્યલ ફૂડ વગર અધૂરો છે. પારંપરિક રીતે ભારતના જુદા-જુદા પ્રાંતમાં હોળીનું પારંપરિક મેનુ થોડું-થોડું અલગ તો હોવાનું જ. મુંબઈમાં એનો ખરો સ્વાદ તમે ક્યાં-ક્યાં માણી શકો છો
Holi 2023
પ્રતીકાત્મક તસવીર
ગુજિયા
નૉર્થ ઇન્ડિયામાં હોળી પર ખાસ ગુજિયા, જેને ગુજરાતીઓ મીઠા ઘૂઘરા કહે છે એનું મહત્ત્વ ઘણું છે. મહત્ત્વની વાત એ છે કે નૉર્થમાં પણ દરેક જગ્યાના ઘૂઘરા જુદા-જુદા હોય છે. મુંબઈમાં કૉસ્મો કલ્ચરને કારણે દરેક પ્રકારના ઘૂઘરા આપણને મળી રહે છે. આમ તો બહાર મેંદાનું પડ અને અંદર માવો તથા થોડાક રવાનું ડ્રાય ફ્રૂટ સાથેનું મિશ્રણ ભરીને એને ઘીમાં તળાય એનું નામ ગુજિયા.
રમાસ, જુહુ
ADVERTISEMENT
જે આપણે ઘૂઘરાના શેપમાં મળે છે એ પ્રકારની ગુજિયા ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં પ્રચલિત છે, જ્યારે એનો જ એક પ્રકાર કે જુદો આકાર સમજીએ તો ગોળાકારમાં જે ગુજિયા આવે એનું નામ ચંદ્રકલા છે. આ ચંદ્રકલા રાજસ્થાનમાં વધુ લોકપ્રિય હોય છે. અને એવી જ એક પ્રકારની મીઠાઈ, જેને વારાણસીમાં હોળી પર ખાસ ખાવામાં આવે છે એનું નામ છે લોંગ લતા. ગુજિયાના બહારના પડને ચોરસ પૉકેટના શેપમાં વાળીને એક લવિંગ વડે એને સીલ કરવામાં આવે છે. એનું સ્ટફિંગ દેસી ગુજિયા કરતાં વધુ રસાળ હોય છે. આ ત્રણેય પ્રકારની ગુજિયા રમાસમાં મળે છે. છેલ્લાં ૪૫ વર્ષથી વધુ સમયથી તેઓ આ બનાવી રહ્યા છે.
બૉમ્બે મીઠાઈ શૉપ, ભાયખલા
મુંબઈની સૌથી પ્રીમિયમ મીઠાઈઓ માટે જાણીતી બૉમ્બે મીઠાઈ શૉપની પોતાની વેબસાઇટ પર હોળી સંબંધિત ગિફ્ટ હૅમ્પર્સમાં ગુજિયાનાં તૈયાર બૉક્સ મળે છે. જો તમે ત્યાં સુધી ન જઈ શકો તો ઑનલાઇન ખરીદીનો પણ ઑપ્શન છે, જેનું નામ તેમણે નટી ગુજિયા રાખેલું છે. ૫૦૦ રૂપિયાની પાંચ ગુજિયાના એક નાના ગિફ્ટ પૅક અને ૯૦૦ રૂપિયાની ૧૦ ગુજિયાના એક મીડિયમ પૅક સાથે ગુલાલ અને બીજી મીઠાઈઓ પણ તમે ખરીદી શકો છો.
ઠંડાઈ
ઠંડાઈ એક રીતે હોળીનો પર્યાય બની ગઈ છે. હોળીમાં ગુલાલ પછી જો કોઈ વસ્તુ એકદમ મહત્ત્વની હોય તો એ ઠંડાઈ છે. આ સમયે પીવાતો ટેસ્ટી અને હેલ્ધી ઑપ્શન ઠંડાઈ છે. એના મસાલા એક કિક આપે છે એટલું જ નહીં, શરીરને હવે આવનારા ઉનાળા સામે તૈયાર પણ કરે છે.
ગણગૌર, જુહુ
શિવરાત્રિની શરૂઆતથી લઈને હોળી સુધી ગણગૌરમાં એક મસ્ત ઠેલા સેટ-અપમાં ઠંડાઈ મળે છે. માટીના ગ્લાસમાં પીરસાતી, બદામથી લબાલબ ઠંડાઈની મજા અનોખી છે. તેમના શેઠ રાજેન્દ્ર જૈનની વાત માનીએ તો આખો સ્ટોર હોળીમાં શણગારે છે, કારણ કે તેમને ત્યાં ઠંડાઈના રસિકો હોળીના દિવસે ઝુંડ સાથે સ્પેશ્યલી પીવા આવે છે. એક કિલો ઠંડાઈ ૭૪૦ રૂપિયાની અને એક ગ્લાસ ઠંડાઈ ૧૫૦ રૂપિયાની છે. આ ઠંડાઈ ફલેવરમાં તેમણે સ્પેશ્યલ ઠંડાઈ મસ્ત મિલન, ઠંડાઈ રસગુલ્લા અને ઠંડાઈ ગુજિયા બનાવે છે.
બ્રજવાસી, સમગ્ર મુંબઈમાં
આમ તો બ્રિજવાસી નામે મુંબઈના દરેક પરામાં એકાદ દુકાન હશે જ. પરંતુ મુંબઈમાં બ્રિજવાસીની શરૂઆત કરનારા બાંકેલાલ બ્રજવાસી ગ્રુપના બ્રજવાસી સ્વીટ્સ ઓરિજિનલ વરલી, કોલાબા, ઓશિવરા, લોઅર પરેલ, બીકેસી, પવઈ, ચાંદિવલીમાં છે; જે એમની ત્રીજી પેઢી ચલાવી રહી છે. એમની ઠંડાઈ ૪૫૦ રૂપિયા લિટર અને ૨૦૦ મિલીલિટરનો એક ગ્લાસ ૯૦ રૂપિયાનો છે. ઠંડાઈ ફ્લેવરમાં જ એમને ત્યાં કલાકંદ અને રસમલાઈ પણ મળે છે પરંતુ એમનો ઠંડાઈ શ્રીખંડ લાજવાબ છે.
ઠંડાઈ ટ્રિફલ
સોમ રેસ્ટોરાં, ચોપાટી
ઠંડાઈ જેવી વર્સટાઇલ ફ્લેવરમાંથી અઢળક ડિઝર્ટ બને છે. જો તમને હોળી પર સ્પેશ્યલ આવું જ કોઈ મૉડર્ન ડિઝર્ટ ખાવાની ઇચ્છા હોય તો સોમ ચોક્કસ જઈ શકાય. ત્યાં એક એગલેસ સ્પૉન્જ કેકને ઠંડાઈમાં સોક કરીને એના લેયરિંગ પર મલાઈ અને ડ્રાય ફ્રૂટથી સજાવીને પીરસવામાં આવે છે, જેને તેમણે ઠંડાઈ ટ્રિફલ નામ આપ્યું છે. આ સિવાય હોળી સ્પેશ્યલ મેનુમાં ત્યાં પારંપરિક રીતે બનાવવામાં આવેલી ગુજિયા અને ઠંડાઈનો આનંદ પણ માણી શકાય છે.
સબ કુછ એક સાથ
મીઠા બાય રેડિસન, ગોરેગામ
બે વર્ષ પહેલાં જ રેડિસન ગ્રુપ ઑફ હોટેલ્સ દ્વારા એક્સક્લુઝિવ મીઠાઈ માટેનો આઉટલેટ ‘મીઠા’ શરૂ કરવામાં આવ્યો છે. અહીંના શેફ રાઘવેન્દ્ર ખુદ કાનપુરના છે એટલે તેમણે ઉત્તર ભારતની મીઠાઈઓમાં ખૂબ પ્રયોગો કર્યા છે. આ વખતે તેમણે ગુલકંદ, મૅન્ગો, મલાઈ, માવા અને ચૉકલેટ ફ્લેવરના ગુજિયા તૈયાર કર્યા છે. ‘મીઠા’ દ્વારા એક ગિફ્ટ હૅમ્પર પણ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં ચાર ફ્લેવરના ગુજિયા, ઠંડાઈ લડ્ડુના છ પીસ, મસાલા મિલ્ક, લસ્સી, કેસર ઠંડાઈ અને બટરસ્કૉચ ઠંડાઈનું ગિફ્ટ હૅમ્પર ૩૦૦૦ રૂપિયામાં બહાર પડ્યું છે. ધુળેટીના દિવસે અહીં લાઇવ ફાફડા-જલેબીનું કાઉન્ટર પણ હોય છે.
ઘેવર અને જલેબા
કંદોઈ હરિભાઈ દામોદર મીઠાઈવાલા, સમગ્ર મુંબઈમાં
ઘાટકોપર, બોરીવલી, માટુંગા,
સાંતાક્રુઝ અને વાલકેશ્વરમાં દરેક આઉટલેટ પર તેમની હોળીનું મેનુ સરખું જ હોય છે. તેમને ત્યાં પણ ઠંડાઈ, ઘૂઘરા કે ગુજિયા તો મળે જ છે. પરંતુ એની સાથે-સાથે
રાજસ્થાનમાં હોળીમાં ખાસ ખાવામાં આવતી મીઠાઈ ઘેવર અને જલેબા પણ મળે છે. એ વિશે વાત કરતાં એના માલિક જયેશ મકવાણા કહે છે, ‘અમારે ૩૬૫ દિવસ
જલેબી તો મળે જ છે પરંતુ છેલ્લાં દસેક વર્ષથી ગ્રાહકોની ડિમાન્ડને કારણે હોળી પર સ્પેશલ જલેબા અમે બનાવીએ છીએ જે એક મોટી જલેબી સમજી શકો છો. એક જલેબા
વજનમાં ૨૦૦-૨૫૦ ગ્રામ જેટલું હોય છે.’
પૂરણપોળી
ગુંજન ફૂડ્સ, કાંદિવલી
હોળીમાં સ્વીટ તરીકે ગુજરાતીઓમાં પૂરણપોળી પણ બહુ ફેવરિટ રહી છે. ઘરે બનાવવાનો કંટાળો આવતો હોય તો કોઈ પણ પ્રતિષ્ઠિત ગુજરાતી ફરસાણ વેચતી શૉપ્સમાં તમને મળી જશે. લગભગ ૬૦ ટકા દુકાનોમાં જ્યાંથી આ પૂરણપોળી સપ્લાય કરવામાં આવે છે એ ગુંજન ફૂડ્સના સુધીરભાઈ ઊંધિયાવાળાનું કહેવું છે કે હોળીના બે દિવસમાં અમે લગભગ રોજની હજાર પૂરણપોળીઓ વેચતા હોઈએ છીએ.