Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > તાજા-તાજા પોંકની ટેસ્ટી ટ્રીટ

તાજા-તાજા પોંકની ટેસ્ટી ટ્રીટ

Published : 10 January, 2025 12:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોંકની સાથે પણ જો તમારે ગરમાગરમ એક્સપરિમેન્ટ્સ કરવા હોય તો શેફ નેહા ઠક્કર લઈ આવ્યાં છે અવનવી રેસિપીઝ, ટ્રાય કરો અને મોજ કરો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આમ તો જુવાર હોય કે ઘઉંનો કુમળો પોંક, સાદો જ ચાવી-ચાવીને ખાઈએ તો પણ ખૂબ મીઠો લાગે. જોકે હવે જમાનો કંઈક હટકે વાનગીઓ બનાવવાનો  છે. પોંકની સાથે પણ જો તમારે ગરમાગરમ એક્સપરિમેન્ટ્સ કરવા હોય તો શેફ નેહા ઠક્કર લઈ આવ્યાં છે અવનવી રેસિપીઝ, ટ્રાય કરો અને મોજ કરો


પોંક ખીચડી




સામગ્રીઃ ૨ કપ જુવારનો પોંક, ૧ કપ મગની પીળી દાળ, ૧ નંગ સમારેલું બટેટું, ૧ નંગ સમારેલું ગાજર.

૧ નંગ સમારેલી ડુંગળી, ૫-૬  સમારેલી ફણસી, ૧/૨ કપ લીલા વટાણા, બે ચમચી સમારેલું લીલું લસણ, ૧ નંગ સમારેલું ટમેટું, બે ચમચી શિંગદાણા, બે નંગ  સમારેલાં લીલાં મરચાં, ૧ ટુકડો આદું છીણેલું.


વઘાર માટે ઃ ૧ ચમચો તેલ, ૧ ચમચી ઘી, ૨ સૂકાં લાલ મરચાં, ૫ મરી, ૧ નંગ તજનો ટુકડો, ૧ તમાલપત્ર, ૧ ચમચી રાઈ, ૧ ચમચી જીરું, હિંગ, ૧ ચમચી મરચું પાઉડર, ૧ ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરું, ૧/૨ ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદાનુસાર, ૪-૫ કાજુ, ૧ ચમચી ઘી, ૧ ચમચી કોથમીર.

બનાવવાની રીતઃ સૌપ્રથમ કુકરમાં તેલ ને ઘી મિક્સ કરી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, હિંગ, તજ, તમાલપત્ર, શિંગદાણા ઉમેરવાં. હવે ડુંગળી ઉમેરવી. હવે ડુંગળી સંતળાઈ જાય એટલે આદું-મરચાં-લસણ ઉમેરવાં.

હવે એમાં બધાં વેજિટેબલ્સ ઉમેરી સાંતળવાં. પછી એમાં ટમેટાં ઉમેરવાં. સંતળાઈ જાય એટલે મગની દાળ ઉમેરવી. પછી એમાં જુવારનો પોંક ઉમેરવો.

હવે એમાં બધા મસાલા ઉમેરવા. મસાલા મિક્સ થઈ જાય એટલે એમાં પાણી ઉમેરવું.

હવે દાળ અને પોંક ત્રણ કપ લીધેલા છે તો ૫ કપ પાણી ઉમેરવું.

હવે કુકરની પાંચ વ્હિસલ થવા દેવી.

તો તૈયાર છે શિયાળામાં એકદમ ગરમાગરમ પોંક વેજ ખીચડી.

સુરતી પોંક વડાં

સામગ્રીઃ ૧ કપ જુવારનો લીલો પોંક, ૧/૨ કપ ચણાનો લોટ, ૧/૨ કપ ચોખાનો લોટ, ૧ કપ લીલી ડુંગળી, ૧/૨ કપ લીલું લસણ, ૧/૨ કપ લીલા ધાણા, ૧ નંગ કાંદો ઝીણો સમારેલો, ૧ ચમચી સૂકા લસણની પેસ્ટ, ૧ ચમચી લીલાં મરચાં, આદુંની પેસ્ટ, ૧ લીંબુનો રસ, ૧ નાની ચમચી મરી પાઉડર, ૧ ટીસ્પૂન હળદર, ૧ ટીસ્પૂન ખાંડ, ૧ ટીસ્પૂન ગરમ મસાલો, ૧ ટેબલસ્પૂન આખા ધાણા, ૧ ટીસ્પૂન વરિયાળી, મીઠું સ્વાદ અનુસાર, તળવા માટે તેલ.

બનાવવાની રીતઃ સૌપ્રથમ પોંકના બે ભાગ કરી લો. એક ભાગ મિક્સરમાં ક્રશ કરી લો. ડુંગળી, લસણ, ધાણા, મરચાં બધું સમારી તૈયાર રાખો. હવે એક વાસણમાં પોંક, ચોખાનો અને ચણાનો લોટ, બધી સમારેલી સામગ્રી, બધાં જ સૂકા-લીલા મસાલા, લીંબુનો રસ બધું ભેગું કરી લો. હવે સરસ મિક્સ કર્યા પછી એમાં જરૂર મુજબ લગભગ ૧/૪ કપ જેટલું પાણી ઉમેરી સરસ મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ બનાવી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ખીરામાં ૧ ચમચી ગરમ તેલ અને ચપટી સોડા ઉમેરી દો. સરસ મિક્સ કરી લો. ગરમ તેલમાં નાનાં-નાનાં વડાં મૂકી દો. આ વડાં મીડિયમ ગૅસ પર જ તળવાં. વડાં સરસ ક્રિસ્પી થાય એમ તળી લેવાં. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સૉફ્ટ વડાં બનશે. આ વડાં લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમાગરમ સુરતી પોંક વડાં.

જુવારના પોંકની કટલેટ્સ

સામગ્રીઃ ૧ વાટકી જુવારનો પોંક, ૧ વાટકી ચણાની દાળ, ૪ ચમચી ચણાનો લોટ, ૪ ચમચી જુવારનો લોટ, ૧ ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, ૪ ચમચી સમારેલું લીલું લસણ, થોડી સમારેલી કોથમીર, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી મરચું, ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી ધાણાજીરું, ૧ ચમચી ખાંડ, ૧ ઝીણી સમારેલી ડુંગળી, ૧ ચમચી મરી પાઉડર, ૧ વાટકી દહીં, સ્વાદ અનુસાર મીઠું, ૧ વાટકી તેલ.

બનાવવાની રીતઃ  સૌપ્રથમ એક વાટકી જુવારનો પોંક લેવો અને એક વાટકી ચણાની દાળ લેવી. હવે ચણાની દાળને બે કલાક પલાળી રાખવી. બે કલાક પછી એમાં એક વાટકી દહીં નાખી એક આદુંનો ટુકડો અને બે તીખાં મરચાં નાખી પીસી લેવી.

હવે જુવારના પોંકને અધકચરો ક્રશ કરવો. લીલું લસણ સમારવું. આદુંને ક્રશ કરવું. બે લીલાં મરચાં સમારવાં. ૧ ડુંગળી ઝીણી સમારવી.

એક મોટા બાઉલમાં ક્રશ કરેલી ચણાની દાળ લેવી. પછી એમાં અધકચરો ક્રશ કરેલો જુવારનો પોંક ઉમેરવો. એમાં આદું-મરચાં-લસણની પેસ્ટ ઉમેરવી. લીલું લસણ, સમારેલી ડુંગળી, મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મરી પાઉડર, ચાટ મસાલો, ખાંડ, મીઠું, કોથમીર, લીલાં મરચાં, જુવારનો લોટ, ચણાનો લોટ બધું ઉમેરી મિશ્રણ હાથથી મસળી કટલેટ્સ તૈયાર કરવી.

હવે નૉનસ્ટિક પૅનમાં ચાર ચમચી તેલ લઈ એમાં બનાવેલી કટલેટને શૅલો ફ્રાય કરવી. એક બાજુ શેકાઈ જાય પછી એને ઊલટાવી બીજી બાજુ શેકી લેવી. હવે બધી કટલેટને લીલી ચટણી અથવા કેચપ સાથે સર્વ કરવી.

તો તૈયાર છે જુવારના પોંકની કટલેટ્સ.

પોંક ભેળ

સામગ્રીઃ ૧ કપ પોંક, ૧/૪ કપ સમારેલી ડુંગળી, ૧/૪ કપ સમારેલાં ટમેટાં, ૨ ચમચી બારીક સમારેલી કોથમીર, ૨ ચમચી ખજૂર-આમલીની ચટણી, ૧ ચમચી લાલ મરચાંની ચટણી, ૧ ચમચી ધાણા-મરચાંની ચટણી, ૧ ચમચી ચાટ મસાલો, ૧/૨ ચમચી મરી પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, ૧/૨ કપ લીંબુ-મરીની સેવ.

બનાવવાની રીતઃ સૌપ્રથમ એક બાઉલમાં પોંક લઈ એમાં સમારેલી ડુંગળી અને ટમેટાં ઉમેરો. હવે એમાં લીલી, લાલ, મીઠી ચટણી ઉમેરો. હવે ચાટ મસાલો, મરી પાઉડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. હવે ભેળમાં લીંબુ-મરીની સેવ મિક્સ કરી તરત સર્વ કરવી.

પોંક જેટલો કુમળો અને ફ્રેશ હોય એટલી જ એની ભેળ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો તૈયાર છે મસ્ત મજાની પોંક ભેળ.

 

Whatsapp-channel Whatsapp-channel

10 January, 2025 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK