Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઍક્ટ્રેસ જ્યારે વીગન શેફ બની જાય

ઍક્ટ્રેસ જ્યારે વીગન શેફ બની જાય

Published : 14 July, 2022 03:23 PM | IST | Mumbai
Sejal Patel | sejal@mid-day.com

તમે વીગન ન હો તો પણ તમને અહીં જલસો પડશે કેમ કે અહીં ગ્લુટન ફ્રી અને વીગનના નામે સ્વાદ સાથે કોઈ કૉમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવ્યું

ટ્રફલ મશરૂમ પીત્ઝા

ફૂડ રિવ્યુ

ટ્રફલ મશરૂમ પીત્ઝા


ત્યારે યોગીસત્ત્વ કૅફેનો જન્મ થાય. ઇન્ડિયાની પહેલવહેલી પ્લાન્ટ બેઝ્ડ કલિનરી શેફ રવીના તૌરાણીનું આ નવું વેન્ચર સેલિબ્રિટીઓને તો ઘેલું લગાડી ચૂક્યું છે. તમે વીગન ન હો તો પણ તમને અહીં જલસો પડશે કેમ કે અહીં ગ્લુટન ફ્રી અને વીગનના નામે સ્વાદ સાથે કોઈ કૉમ્પ્રોમાઇઝ કરવામાં નથી આવ્યું


હવે તો કોઈ પણ સારી રેસ્ટોરાંમાં જઈએ તો વીગન, ગ્લુટન-ફ્રી, શુગર-ફ્રી અલગ મેનુ જોવા મળવું બહુ સ્વાભાવિક થઈ ગયું છે, પણ આજથી સાત-આઠ વર્ષ પહેલાં જ્યારે આ બાબતે બહુ ખાસ અવેરનેસ નહોતી ત્યારે જસ્ટ વીસીમાં પ્રવેશેલી એક યુવતીએ પર્સનલ પૅશનને ફૉલો કરીને હેલ્ધી ફૂડ પીરસતી રેસ્ટોરાંઓ માટે એક માઇલસ્ટોન સેટ કર્યો અને ઇન્ડિયાના ફર્સ્ટ પ્લાન્ટ બેઝ્ડ કલિનરી ક્લાસિસ અને કૅફેની શરૂઆત કરેલી. એક્સપરિમેન્ટલ ધોરણે શરૂ થયેલી આ કૅફે થોડા સમય પહેલાં જ ફુલફ્લેજ્ડ કૅફેનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આપણે વાત કરી રહ્યા છીએ શેફ રવીના તૌરાણીની યોગીસત્વ કૅફેની. 
હેલ્ધી ફૂડ અને કૉન્શિયસ લિવિંગ બાબતે જાગ્રત હોય એવા લોકો માટે ખાર પાલી રોડ પર આવેલી આ કૅફે જન્નત છે. એક સમયે ઍક્ટ્રેસ બનવાની ખેવના ધરાવતી રવીનાની આ કૅફેમાં હવે ફિલ્મી સિતારાઓનો આવરોજાવરો બરાબરનો રહે છે. મજાકમાં રવીના કહે છે કે ઍક્ટ્રેસ બનવા માટે ઑડિશન લેવા માટે જે લોકોની પાછળ હું પડતી હતી અને તેઓ મારો ફોન પણ નહોતા ઉપાડતા એ લોકો હવે મારી પ્લાન્ટ બેઝ્ડ કલિનરી ક્લાસિસમાં પૈસા આપીને રજિસ્ટ્રેશન કરાવે છે. ઍક્ટિંગમાંથી કઈ રીતે રવીના શેફ બની એની વાત પણ ખૂબ રસપ્રદ છે. વીસ-બાવીસ વર્ષની વયે બૅકની ઇન્જરીને કારણે ત્રણ-ચાર મહિના બેડ-રેસ્ટ લેવાનો વારો આવ્યો ત્યારે એ પેઇનફુલ કન્ડિશનના કાયમી ઉકેલ તરીકે શું થઈ શકે એ એક્સપ્લોર કરતાં-કરતાં તેને પ્લાન્ટ બેઝ્ડ ફૂડ ડાયટમાં રસ જાગ્યો. વીગન બન્યા પછી પણ સ્વાદમાં કોઈ કૉમ્પ્રોમાઇઝ ન કરવા માગતી રવીનાએ જાતે જ કિચનના પ્રયોગો શરૂ કર્યા અને વિદેશોમાં થતા પ્લાન્ટ બેઝ્ડ કલિનરી આર્ટના કોર્સ કરીને જાતને સજ્જ કરી. એમાં પોતાના તરફથી ટ્વીક્સ ઉમેર્યા પછી તો તેનું મિશન જ જાણે બદલાઈ ગયું. ૨૦૧૯ના અંતમાં ફુલફ્લેજ્ડ કૅફે ખોલવાનું નક્કી કર્યું અને થોડા જ મહિનામાં લૉકડાઉને બધું ઠપ્પ કરી દીધું. જોકે પહેલા બે-ત્રણ મહિનાને બાદ કરતાં યોગીસત્ત્વની વીગન અને ગ્લુટન-ફ્રી વાનગીઓની હોમ ડિલિવરીએ બાંદરામાં રહેતી સેલિબ્રિટીઓને જલસા કરાવી દીધા. 
પંદરમા પાલી રોડ પર પિનૅકલ હાઉસના સાતમા માળે હરિયાળા ટેરેસ ગાર્ડન સાથેની કૅફેનું વાતાવરણ એટલું કુદરતી અને ઇન્ફૉર્મલ છે કે અહીં હેલ્ધી જૂસની ચુસકીઓ લેતાં-લેતાં નિરાંતનો સમય માણવાનું મન થાય. કાચના પારદર્શક ઓપન કિચન પાસેથી પસાર થઈને જ તમે અંદર એન્ટર થાઓ છો એટલે કિચનની ચોખ્ખાઈ અને હોમલી વાતાવરણ મનને ગમે એવું છે. શેફ રવીના પણ વ્યસ્ત શેડ્યુલની વચ્ચે કસ્ટમર્સ સાથે ચૅટ કરવાનો સમય કાઢી લે છે. તમે પહેલી વાર આવ્યા હો તો વાત-વાતમાં તમને શું ભાવે છે એ જાણી લે અને કેટલાક રેગ્યુલર કસ્ટમર તો આવીને શું ઑર્ડર કરશે એ પણ તેને યાદ હોય. આગળ કહ્યું એમ આ કૉન્શિયસ લિવિંગમાં માનનારા લોકો માટે બેસ્ટ છે. એનું કારણ એ છે કે રવીના પ્લાન્ટ બેઝ્ડ અવનવી ડિશિસ તૈયાર કરવામાં જેટલાં ઉત્સાહિત છે એટલાં જ કાળજીસભર અહીં પેદા થતા વેસ્ટ મૅનેજમેન્ટ માટે પણ છે. 
એક વરસાદી બપોરે લંચ માટે અમે જ્યારે યોગીસત્વ કૅફે ગયા ત્યારે ઝરમર વરસાદ સાથેના ખુશનુમા વાતાવરણે લંચની મજા બેવડાઈ ગઈ. અહીંનું મેનુ ખૂબ જ ઇલાબરેટેડ છે. દરેક વાનગીમાં શું વપરાયું છે એના ઉપરાંત ઑર્ગેનિક, વીગન અને ગ્લુટન-ફ્રી એટલે શું અને એ કેમ જરૂરી છે એનું થોડુંક જ્ઞાન પણ તમને વાંચવા મળશે. સીઝન મુજબ અમે પહેલાં મૅન્ગોવાળું ડ્રિન્ક ટ્રાય કર્યું. ઑર્ગેનિક કેરીના ગાઢા રસમાં આદું અને મિન્ટનો ટચ આપ્યો હતો એટલે કેરીની મીઠાશની સાથે જિંજરનો તીખો સ્વાદ મજાનો લાગ્યો. આપણે ત્યાં ટ્રેડિશનલી આમેય કેરીનો રસ સૂંઠ સાથે ખાવાનું કહેવામાં આવે છે. કદાચ એવો જ કન્સેપ્ટ અહીં છે જે કેરીને વધુ સુપાચ્ય બનાવતો હશે. બીજું ડ્રિન્ક હતું સ્ટ્રૉબેરી અકાઈ રિફ્રેશર. ઑર્ગેનિક ગ્રીન ટીની સાથે સ્ટ્રૉબેરીનો જૂસ મિક્સ કરવામાં આવ્યો હતો અને એમાં નૅચરલ કોકોનટ શુગરની મીઠાશ પણ હતી એટલે ગ્રીન ટીના સહેજ કડછા સ્વાદ સાથેનું રિયલ રિફ્રેશર ડ્રિન્ક કહેવાય.
વરસાદની સીઝન હોય અને પકોડા જેવું કંઈક ખાવું હોય તો અહીં એનો મજાનો ઑપ્શન છે. વેજિટેબલ ગિયોઝા. આપણા જામનગરના તીખા ઘૂઘરાની યાદ અપાવે એવી આ વાનગી છે. અલબત્ત, એમાં વપરાયેલી તમામ ચીજો ઑર્ગેનિક અને બનાવવાની સ્ટાઇલ એકદમ યુનિક છે. બહારનું આવરણ, ઑર્ગેનિક રાઇસ અને ટેપિઓકા ફ્લોર એટલે કે સાબુદાણાના લોટનું બનેલું છે અને અંદર સીઝનલ મિક્સ્ડ વેજિટેબલ્સ છે. સ્વાદ પરથી એવું લાગે છે કે પહેલાં આ ઘૂઘરા જેવું તૈયાર કરીને બૉઇલ કરવામાં આવ્યું છે અને પછી એને તવા પર ખૂબ જ મિનિમમ ઑઇલ સાથે શૅલો ફ્રાય કરવામાં આવ્યું છે. ચિલી ઑઇલની સાથે સર્વ થયેલા આ ગિયોઝા વરસાદી સીઝનમાં બેસ્ટ સ્ટાર્ટર છે. 
અહીંના મેનુમાં આમ તો તમને અલગ-અલગ ડિશિસ પણ ઘણી મળે છે, પણ એકસાથે વરાઇટી ટ્રાય કરી શકાય અને છતાં ખોરાકનો બગાડ ન થાય એ માટે અમે પ્લૅટર ટ્રાય કરવાનું નક્કી કર્યું. લેબનીઝ પ્લૅટર જેનું નામ છે ડોન્ટ મેઝ વિથ મી. એમાં બીટરૂટ કીન્વાના ફલાફલ છે, મશરૂમ બૂરેકાઝ છે, કાબુલી ચણાનું હમસ અને મુહમ્મરા ડિપ છે. સામાન્ય રીતે આવા પ્લૅટરની સાથે પીતા બ્રેડ સર્વ કરવામાં આવે પણ અહીં ગ્લુટન-ફ્રી ક્રૅકર્સ આપવામાં આવ્યા હતા. એની પર ઝાતરનો પાઉડર છાંટેલો હતો જે જુવારની પૂરી જેવાં ક્રૅકર્સને પણ લેબનીઝ ફ્લેવર આપતો હતો. મુહમ્મરામાં અખરોટ અને બેલપેપરની પેસ્ટ હોય છે. સામાન્ય રીતે હમસ અને મુહમ્મરા એવાં ડિપ છે જેની બે-ચાર ચમચી પણ પેટમાં જાય તો પેટ ભરાઈ જાય, પણ આ ડિપ ખાતી વખતે પણ હલકું વર્તાતું હતું અને ખાધા પછી પણ પેટ હલકુંફૂલ હતું. ફલાફલમાં પણ બીટ અને કીન્વાનું ફાઇબર સારુંએવું હતું જે ડિશને વધુ હેલ્ધી બનાવે છે. 
વીગન, ગ્લુટન-ફ્રી વાનગીઓ હંમેશાં ટેસ્ટલેસ જ હોય અથવા તો જન્ક ફૂડનું ક્રેવિંગ સંતોષી ન શકે એવું માનતા હો તો અહીંના પીત્ઝાના સેક્શનને પણ ટ્રાય કરવા જેવું છે. અમે ટ્રફલ મશરૂમ પીત્ઝા ટ્રાય કર્યા જેમાં ઇનહાઉસ બનાવેલું વીગન મોઝરેલા ચીઝ વપરાયું છે. પીત્ઝા માટેનો રોસ્ટેડ ટમૅટો સૉસ પણ ઇનહાઉસ છે અને ઑર્ગેનિક ટમેટાંની મીઠાશ તમને એ સૉસમાં પણ જણાય છે. ચીઝની સાથે ક્રીમી ફીલ માટે વૉલનટ્સનો ક્રન્ચ પણ ઉમેરવામાં આવ્યો છે જે મશરૂમ અને ટ્રફલની ફ્લેવર સાથે ખૂબ સરસ રીતે મૅચ થાય છે.



કુછ મીઠા હો જાએ 
દૂધ વિનાની વાનગી હોય એટલે ડિઝર્ટમાં તો દુકાળ જ હોય એવું માનવું અહીં ભૂલભરેલું છે. રાધર અહીંનાં ડિઝર્ટ્સ મસ્ટ ટ્રાય છે. અહીં આઇસક્રીમ પણ છે, મૂસ પણ છે, ચૉકલેટ પણ છે અને બ્રાઉની પણ છે. અમે હેઝલનટ મૂસ ટ્રાય કર્યું જેમાં રૉ કેકાઓ, કોકોનટ ક્રીમ, હેઝલનટ બટર વાપરવામાં આવ્યું છે. બીજું, ડિઝર્ટ અમે વૉલનટ બ્રાઉની વિથ આઇસક્રીમ ટ્રાય કર્યું. બ્રાઉની રાઇસ અને આમન્ડ ફ્લોરમાંથી બનેલી. એમાં હાઉસમેડ વીગન વૅનિલા આઇસક્રીમનું ટૉપિંગ હતું. અહીં મોટા ભાગે ૧૦૦ ટકા નૅચરલ અનરિફાઇન્ડ કોકોનટ શુગરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે દરેક ડિઝર્ટમાં કોકોનટનો આફ્ટરટેસ્ટ આવે છે. અલબત્ત, એ જીભને ગમે એવો હોય છે. 


Whatsapp-channel Whatsapp-channel

14 July, 2022 03:23 PM IST | Mumbai | Sejal Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK