Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ શું છે? વિદ્યા બાલન સ્લિમ-ટ્રિમ કઈ રીતે થઈ એ જાણી લો

ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ શું છે? વિદ્યા બાલન સ્લિમ-ટ્રિમ કઈ રીતે થઈ એ જાણી લો

Published : 07 April, 2025 12:59 PM | Modified : 08 April, 2025 06:52 AM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

આ ડાયટ ફક્ત વજન ઘટાડવા જ નહીં પણ આખી બૉડીને ડીટૉક્સ કરવામાં મદદરૂપ બને છે. એક્સપર્ટ પાસેથી જાણીએ ડાયટના આ કન્સેપ્ટ વિશે અને એને રોજિંદા જીવનમાં કઈ રીતે અપનાવી શકાય એના વિશે

વિદ્યા બાલન

વિદ્યા બાલન


લોકો હેલ્થ-કૉન્શિયસ બની ગયા છે ત્યારે ડાયટ ક્ષેત્રે પણ હેલ્થને મેઇન્ટેન રાખવા અલગ-અલગ પ્રકારના અખતરા થતા રહે છે. એમાં બૉલીવુડ સેલિબ્રિટી મોખરે જ રહે છે. તેમનો ડાયટ-પ્લાન વાઇરલ થાય એટલે લોકો પણ એને અનુસરવા લાગે છે. તાજેતરમાં અભિનેત્રી વિદ્યા બાલને કોઈ પણ જાતની એક્સરસાઇઝ વગર ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ ફૉલો કરીને ચારથી પાંચ મહિનાના સમયગાળામાં ૧૦ કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. અભિનેત્રી સમન્થા રુથ પ્રભુએ પણ તેના માયોસાઇટિસ નામના ઑટોઇમ્યુન ડિસઑર્ડરને નિયંત્રણમાં લાવવા આ ડાયટનું અનુસરણ કર્યું
હતું. બન્ને અભિનેત્રીઓએ વાતચીત દરમિયાન ઉલ્લેખ કરેલી ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ અત્યારે ટ્રેન્ડમાં છે ત્યારે અનુભવી ડાયટિશ્યન પાસેથી એના વિશે વધુ જાણીએ.


મુલુંડમાં બે ક્લિનિકનું સંચાલન કરતાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને સર્ટિફાઇડ ડાયાબેટિક એજ્યુકેટર સલોની ભટ્ટ કોરડિયા આ ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટના કન્સેપ્ટને ડીકોડ કરતાં જણાવે છે, ‘જે ડાયટ વિશે જાણવા માગો છો એનો અર્થ ખબર હોવો પણ જરૂરી છે. તમારી બૉડીમાં બૅક્ટેરિયા, વાઇરસ પ્રવેશ કે પછી તમને ઑટોઇમ્યુન ડિસીઝ થાય એટલે કે તમારી બૉડી પોતાના જ સેલ્સ સામે લડી ન શકતી હોય ત્યારે સોજો અથવા બળતરા થાય છે, ચેપ વધે છે અને આંતરિક અવયવોની આસપાસ સ્વેલિંગ થાય છે. એને ઇન્ફ્લમેશન કહેવાય. ગુજરાતીમાં ઇન્ફ્લમેશન એટલે સોજો જ થાય. એને ઓછો કરવા દવા તરીકે યોગ્ય આહાર લેવો જરૂરી હોય છે. વાતાવરણ અને સ્ટ્રેસને કારણે પણ આવું થઈ શકે. આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી, વજન વધવું, હૃદયરોગ,



બ્લડ-શુગર લેવલની અસ્થિરતા, હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ, સ્થૂળતા અને ગટ-હેલ્થ ઇશ્યુ જેવી સમસ્યા થઈ શકે છે. લાંબા સમય સુધી અનહેલ્ધી ડાયટને લીધે પણ ઇન્ફ્લમેશન થવાના ચાન્સ વધુ હોય છે. એને રોકવા માટે જરૂરી છે ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ. ફાઇબરયુક્ત અને વિટામિન Cથી ભરપૂર ડાયટને અપનાવવામાં આવે તો એ બૉડીને હેલ્ધી રાખે છે અને સ્ફૂર્તિને પણ જાળવી રાખે છે.’


કરો માઇન્ડફુલ ઈટિંગ

ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ બહુ મોટો વિષય છે. સીઝન અને વ્યક્તિના ટેસ્ટના હિસાબે એને ડિઝાઇન કરવી પડે છે. તેથી સરળ ભાષામાં સામાન્ય રીતે ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ કેવી હોવી જોઈએ એ વિશે વાત કરતાં સલોની જણાવે છે, ‘ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ એટલે એવાં વેજિટેબલ, ફ્રૂટ અને મસાલા જે શરીરમાં ઇન્ફ્લમેશન થવા ન દે. એકદમ જ સિમ્પલ ટ્રિક જણાવું તો જે ફ્રૂટ કે વેજિટેબલમાં સૌથી ઘટ્ટ કલર હોય એમાંથી વિટામિન A મળે છે તેથી એમાં


ઍન્ટિ-ઇન્ફ્લમેશન પાવર વધુ હોય છે. એ ફળ કે ફ્રૂટને ખાવાથી કોઈ નુકસાન થતું નથી અને એ ઇન્ફ્લમેશન પણ થવા દેતું નથી. બીટ, ટમેટાં, લીલાં પાંદડાંવાળી શાકભાજી, ગાજર, રેડ બેલ પેપર, લીંબુ, બ્રૉકલી, ફ્લાવર, કોબી અને શક્કરિયાં જેવી શાકભાજી ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી છે. ફળની વાત કરીએ તો પપૈયા, બેરીઝ અને ચેરીઝ, યલો ગૂઝબેરીઝ ખાઈ શકાય. વિટામિન C હોય એવાં ફળો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને જો એ વધશે એટલે ઇન્ફ્લમેશન સામે ફાઇટ કરશે. આ માટે ખાટાં ફળો જેમ કે આમળાં, સંતરાં, મોસંબી, જામફળ, સીતાફળ અને દાડમને ડાયટમાં સામેલ કરી શકાય. ફૅટની વાત કરું તો ઑલિવ ઑઇલ અને ગાયનું ઘી બેસ્ટ છે. એ શરીરમાં બૅડ ફૅટ જમા થવા દેતાં નથી. હર્બ્સ અને મસાલામાં જીરું, ધાણા પાઉડર, સૂંઠ, તજ, કાળાં મરી, આદુંમાં ઇન્ફ્લમેશનને રોકવાના ગુણધર્મો રહેલા હોય છે તેથી એનો ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ-પ્લાનમાં સમાવેશ કરવાનું જરૂરી માનવામાં આવે છે. કુદરત પાસેથી જે શાકભાજી અને ફળો મળે છે એમાં પોટૅશિયમની સાથે ફાઇબરનું પ્રમાણ પણ વધુ હોય છે. એનાથી તમારું પેટ ભરાશે અને વારંવાર લાગતી ભૂખને પણ ઓછી કરશે. આથી ફૅટ વધવાની સમસ્યા પણ નહીં રહે અને તમે હેલ્ધી રહેશો. વિદ્યા બાલનનો વિડિયો વાઇરલ થતાં લોકોમાં આ ડાયટ વિશે વધુ જાણવાની જિજ્ઞાસા જાગી છે. ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટનો કન્સેપ્ટ લોકોને નવો લાગતો હશે, પણ ડાયટિશ્યન તો વર્ષોથી આ જ પ્રકારની ડાયટ સજેક્ટ કરે છે. કોલ્ડ ડ્રિન્ક્સ, રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે એવા ખાદ્યપદાર્થો જેમાં ફાઇબર દૂર કરવામાં આવ્યું હોય, પૅકેજ્ડ ફૂડ, પ્રોસેસ્ડ ફૂડ, વધુપડતું તળેલું ખવાતું હોય એને ડાયટિશ્યન સૌથી પહેલાં બંધ કરાવે છે. માઇન્ડફુલ ઈટર્સ પણ આ ડાયટ વિશે જાણતા હોય કે ન જાણતા હોય, પણ તેઓ હેલ્ધી રહેવા માટે ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટનું જ અનુસરણ કરતા હોય છે.’

ડાયટનું સ્ટ્રક્ચર કેવું હોય?

આખા દિવસની ડાયટ કેવી રીતે ડિઝાઇન કરવી જોઈએ એ વિશે વાત કરતાં સલોની જણાવે છે, ‘ગુજરાતીના ઘરમાં ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ લાંબો સમય ટકે એવી નથી, કારણ કે તેમને ટેસ્ટી અને ચટપટું ખાવાની આદત હોય છે. બધા જ ગુજરાતીઓ એવા નથી હોતા. હેલ્થ-કૉન્શિયસ હોય એવા લોકો આ ડાયટને સિરિયસલી ફૉલો કરે છે. આઇડિયલ ડાયટ-સ્ટ્રક્ચર કેવું હોવું જોઈએ એ વિશે વાત કરું તો સૌથી પહેલાં સવારે ઊઠ્યા બાદ એક ગ્લાસ પાણીમાં એક નાની ચમચી હળદર અને એક ચપટી કાળાં મરી નાખીને પી જવું. એ શરીરને ડીટૉક્સ કરવાનું કામ કરશે અને સાથે વિટામિન Cની ઊણપને પૂરશે. એના અડધા કલાક બાદ કોઈ પણ ડ્રાયફ્રૂટનું સેવન કરવાનું ચાલશે પણ અખરોટ અને બદામ ખાશો તો એ વધુ ફાયદાકારક માનવામાં આવશે. પછી બ્રેકફાસ્ટમાં વિટામિન Cથી ભરપૂર એક ફ્રૂટ અથવા ઍપલ, બીટ, ગાજર અથવા આમળાં અથવા ઍલોવેરાનો જૂસ પી શકાય અને એની સાથે એક વાટકી જેટલાં ફણગાવેલાં કઠોળ અથવા બાફેલા ચણા અને મગ ખાઈ શકાય. શરીરને વિટામિન અને ફાઇબરની સાથે પ્રોટીનની પણ જરૂર હોય છે એ ભૂલવું જોઈએ નહીં. બપોરના ભોજનમાં ટમેટાં, કાકડી, ગાજર, કોબી અને દાડમને મિક્સ કરીને હેલ્ધી સૅલડ બનાવી શકાય. આ સાથે પાંદડાંવાળી ભાજી અથવા ઘરમાં બનેલાં કોઈ પણ શાક સાથે રોટલો અને કોથમીર-ફુદીનાની ચટણી ખાવી. સાંજના સમયે દૂધવાળી ચા પીવા કરતાં ગ્રીન ટી પીવાનો આગ્રહ રાખવો અને એની સાથે કોઈ પણ એક ફ્રૂટ ખાવું. રાતના ભોજનમાં પાલકનું શાક, ટમેટાનું સૂપ, સરગવાની શિંગનું સૂપ અથવા એનું શાક ખીચડી અથવા દાળભાત સાથે લઈ શકાય. આ ડાયટમાં લીલાં પાંદડાંવાળી શાકભાજીનો સમાવેશ પણ કરી શકાય. આ રીતે તમારા ટેસ્ટના હિસાબે ડાયટ- પ્લાન કરીને શરીરમાં થતા ઇન્ફ્લમેશનને અટકાવી શકાય છે. બસ, એટલું ધ્યાન રાખવું કે દિવસ દરમિયાન ડ્રાયફ્રૂટ એક મુઠ્ઠીમાં સમાય એટલાં હોય, શાકનું પ્રમાણ ૪૦૦થી ૫૦૦ ગ્રામ અને ફ્રૂટ બે નંગ હોય.’

આ ડાયટના છે ઘણા ફાયદા

ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટમાંથી મળતાં ગુડ ફૅટ અને ફાઇબરને લીધે એ વેઇટ-મૅનેજમેન્ટ કરતા લોકો માટે આઇડિયલ માનવામાં આવે છે. કોઈ પણ જાતની કસરત વગર વજનને ઓછું કરવાની તાકાત આ ડાયટમાં છે.

આ ડાયટને અપનાવવાથી કાર્ડિયોવૅસ્ક્યુલર સિસ્ટમ સુધરે છે; પરિણામે હૃદયરોગ, સ્ટ્રોક કે શ્વસનસંબંધિત સમસ્યાઓ થવાની શક્યતા ઘટે છે.

ડાયાબિટીઝના દરદીઓને ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ ફળે છે. તેમને જે ફળોમાંથી નૅચરલ શુગર મળે છે એ ખાવાને બદલે ખાટાં ફળો આરોગવાની સલાહ અપાય છે.
એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને ઓછી કરીને ડાયાબિટીઝને કન્ટ્રોલમાં રાખવાનું કામ કરે છે.

એ બ્લડ-પ્રેશર અને શુગર-લેવલને નિયંત્રણમાં રાખવાની સાથે ક્રૉનિક એટલે કે લાંબા સમયથી થયેલા ઇશ્યુને પણ જડમૂળથી કાઢવાની કોશિશ કરે છે.

ઑટોઇમ્યુન ડિસઑર્ડર અને રોગમાં પણ આ ડાયટ કારગત સાબિત થાય છે.

એ શરીરને અંદરથી ડીટૉક્સ કરતું હોવાથી સ્કિન-હેલ્થ પણ ઇમ્પ્રૂવ થાય છે. કોઈને ખીલ, એક્ઝિમા અને સોરાયસિસની સમસ્યા હોય એ લોકો માટે આ ડાયટ મેડિસિનનું કામ કરશે.

ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ ઍન્ટિ-એજિંગ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એ સ્કિનને યંગ રાખવામાં મદદરૂપ થાય છે.

સાઇડ-ઇફેક્ટ્સ પણ જાણી લેજો

ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટમાં પ્રોટીનનું મહત્ત્વ છે. એના વગર આ ડાયટને લેવાથી પેટમાં બ્લોટિંગ અને ગૅસની સમસ્યા સર્જાઈ શકે છે.

આ ડાયટમાં ફાઇબરનું મર્યાદિત સેવન બહુ જરૂરી છે. સ્ત્રીના ડાયટ-પ્લાનમાં ૨૫-૩૦ ગ્રામ અને પુરુષો માટે ૩૦-૩૪ ગ્રામ જેટલું ફાઇબર પૂરતું છે. કોઈ પણ ચીજનો ઉપયોગ અતિ થશે તો એ નુકસાનકર્તા સાબિત થશે. ડાયટમાં ફાઇબરનું પ્રમાણ વધી જશે તો પાચનને સુધારનારું ફાઇબર એના ફંક્શનિંગમાં સમસ્યા ઊભી કરશે. કોઈને ફાઇબરના વધુ ઇન્ટેકની આદત ન હોય તોય આવું થશે. તેથી મર્યાદિત માત્રામાં સેવન ફાયદો આપશે.

કોઈને ડેરી-પ્રોડક્ટ્સ કે નટ્સની ઍલર્જી હોય તો તેમને આ ડાયટને ફૉલો કરવાની સલાહ અપાતી નથી, નહીં તો નજીકના ભવિષ્યમાં એની સમસ્યા વકરી શકે છે.

ઘણા લોકોને આ પ્રકારની ડાયટ સૂટ ન થાય તો થાક લાગવો, સતત માથુ દુખવું, નબળાઈ જેવાં લક્ષણો દેખાઈ શકે છે. આવું થાય તો ડાયટને અનુસરવાનું બંધ કરવું જોઈએ.

જે લોકોએ ક્યારેય કાચું ન ખાધું હોય અથવા કાચું ન પચતું હોય એવા લોકોને ગૅસની સમસ્યા થઈ શકે છે. તેથી આવા લોકોએ વેજિટેબલ્સ બાફીને ખાવાં જોઈએ.

ડાયટની સાથે ૩૦ મિનિટ સુધી વર્કઆઉટ અને પૂરતી ઊંઘ કરવી પણ જરૂરી છે. આ બન્ને ચીજો ન થઈ શકે તો પણ ઇન્ફ્લમેશનની સમસ્યા સર્જાઈ શકે છે.

આ ડાયટથી શરીરમાં પૂરતા પ્રમાણમાં એનર્જી જળવાઈ રહે છે અને મેન્ટલ હેલ્થને સુધારે છે.

ઍન્ટિ-ઇન્ફ્લૅમેટરી ડાયટ પ્રીબાયોટિક હોવાથી એ પેટમાં ગુડ બૅક્ટેરિયા પ્રોડ્યુસ કરે છે અને પાચનતંત્રની સાથે ઓવરઑલ ગટ-હેલ્થને સુધારે છે.

Whatsapp-channel Whatsapp-channel

08 April, 2025 06:52 AM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK