મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે આવેલા ઇન્દોર ચાટ હાઉસમાં તમને સમોસા અને કચોરી બે જ વરાઇટી મળે અને એ બે માટે પણ લાંબી લાઇન લાગે
સંજય ગોરડિયા
મારું નવું નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ રિલીઝ થઈ ગયું, સુપરહિટ પણ થઈ ગયું અને એના ગુજરાતમાં શો પણ શરૂ થઈ ગયા. નાટકના પોસ્ટરના કારણે વિવાદ કરનારાઓએ નાટકનો બૉયકૉટ કરવાનું સોશ્યલ મીડિયા પર કહ્યું પણ મિત્રો, એ જ બધા મિત્રો અત્યારે નાટક જોવા આવે છે ને પેટ પકડીને હસે છે. ઍનીવેઝ, મારા આ નવા નાટકનો શો અમદાવાદમાં હતો એટલે અમે અમદાવાદ ગયા. અમારી હોટેલ મહાલક્ષ્મી પાંચ રસ્તા પાસે હતી. મારા નાટકમાં કામ કરતા એક કલાકારે મને કહ્યું કે સંજયભાઈ, આપણી હોટેલની બાજુમાં જ ઇન્દોર ચાટ હાઉસ છે ત્યાં સમોસા-કચોરી બહુ સરસ મળે છે. મને થયું કે પોતે ઇન્દોર લખે છે પછી એ વળી શું ત્યાં જેવાં સમોસા-કચોરી બનાવી શકવાનો હતો એટલે હું તો પરીક્ષા કરવાના ભાવથી જ ત્યાં ગયો પણ સાહેબ, તે પરીક્ષામાં પાસ થયો અને હું મારી શંકામાં ફેલ.
વાત આગળ વધારતાં પહેલાં તમને આ ઇન્દોર ચાટ હાઉસનું લોકેશન સમજાવી દઉં. તમે પાલડીથી મહાલક્ષ્મી પાંચ રસ્તા તરફ આગળ વધો કે તરત જ એ જમણી બાજુએ આવે છે. ગૂગલબાબાની પણ હેલ્પ લેવાની છૂટ. હું જ્યારે પણ ગૂગલની હેલ્પ લેવાનું કહું ત્યારે હું પોતે એ વેરિફાય કરી લેતો હોઉં છું કે ગૂગલ પર એ મળે છે કે નહીં. ખાતરી કરી લીધા પછી જ હું તમને એવું સજેસ્ટ કરતો હોઉં છું. ફરી આવી જઈએ સમોસા-કચોરી પર.
ADVERTISEMENT
ઇન્દોર ચાટ હાઉસમાં બે જ વરાઇટી મળે, સમોસા અને કચોરી. એકસાથે સો-સવાસો સમોસાનો ઘાણ ઊતરે અને તમને ગરમાગરમ આપતા જાય. સો-સવાસો સમોસા વેચવામાં એ લોકોને પંદરેક મિનિટ માંડ લાગે છે. પંજા જેટલા મોટા સમોસા અને એની અંદરનું પૂરણ ડિટ્ટો ઇન્દોરમાં હોય છે એવું જ. મેં ઇન્દોરમાં સમોસા બહુ ટેસ્ટ કર્યા છે એટલે હું દાવા સાથે કહું છું કે અમદાવાદમાં મળતા આ સમોસા પણ ડિટ્ટો એવા જ હતા.
ગરમાગરમ સમોસા તમને નંગ પર મળે. એક માગો તો એક પણ મળે. સમોસાને સહેજ દબાવે અને પછી એના પર એકદમ પાણી જેવી ગોળ-આંબલીની ખાટી-મીઠી અને ફુદીના-મરચાંની તીખી ચટણી નાખીને તે આપે. કચોરી પણ એવી જ રીતે આપે. હા, એ કહી દઉં. અહીં જે મળે છે એ ખસ્તા કચોરી છે. મોટી પૂરી હોય એવડી સાઇઝની અને કચોરી પણ ડિટ્ટો ઇન્દોર જેવી જ. સ્વાદમાં અવ્વલ અને ચોખ્ખાઈ પણ એકદમ સરસ. મેં પૂછ્યું તો ખબર પડી કે સમોસા અને કચોરીમાં જે મસાલા નાખે છે એ મસાલા તે ખાસ ઇન્દોરથી મગાવે છે.
સમોસા અને કચોરી બન્નેમાં એક જ સરખી ચટણી નાખે અને એ પછી પણ બન્નેનાં પૂરણ અલગ-અલગ હોવાથી સ્વાદ તમને જુદો આવે. એકદમ કરકરાં થાય ત્યાં સુધી તળાયેલાં એ સમોસા અને કચોરીની બીજી મોટી ખાસિયત એ કે ખાવામાં એ જરા પણ હેવી નહીં. શો હોય એટલે હું હંમેશાં સાંજના સમયે કંઈ પણ નાસ્તો કરવામાં ખાસ ધ્યાન રાખું. જો હેવી નાસ્તો થઈ જાય તો આળસ આવી જાય અને સ્ટેજ પર એ દેખાય. એવું પણ ન ખાવું જોઈએ જે ખાધા પછી તમને ઓડકાર બહુ આવે. સ્ટેજ પર ઍક્ટિંગ કરતાં-કરતાં ઓડકાર ખાવા એ રંગદેવતાનું અપમાન છે. મેં તો મસ્ત રીતે સમોસા-કચોરીનું જમણ કર્યું અને ઑડિટોરિયમ પહોંચ્યાના કલાકમાં તો મારું પેટ ફરી હળવું ફૂલ. મુંબઈના ગુજરાતીઓને ઇન્દોર જવાનું તો ઓછું બનતું હોય, પણ અમદાવાદ જવાનું બનતું હોય અને એટલે જ કહું છું જ્યારે અમદાવાદ જવાનું બને ત્યારે ભૂલ્યા વિના ઇન્દોર ચાટ હાઉસમાં જજો. જલસો પડશે.

