એક સમયે માંડ ડઝનેક લોકોને બેસાડી શકતી ચેમ્બુરની ‘દિલ્લી સે’ના છોલે-ભટૂરે કિંગ કોહલીને એવા ભાવ્યા કે રેસ્ટોરાંની કિસ્મતમાં પલટો આવી ગયો : ચેમ્બુરમાં મોટી જગ્યામાં શિફ્ટ થયા પછી હવે મુલુંડમાં પણ શરૂ થઈ છે
ખાઈપીને જલસા
મુલુંડની ‘દિલ્લી સે’ (તસવીર : અદિતિ હરલકર)
દિલ્હી-બૉય વિરાટ કોહલી માટે અસલ દિલ્હી જેવા છોલે-ભટૂરે મુંબઈમાં લાંબી શોધ પછી મળી ગયા એને પગલે અનુષ્કા શર્માએ ચેમ્બુરની ‘દિલ્લી સે’ નામની જે નાનકડી રેસ્ટોરાંને સોશ્યલ મીડિયા પર ગજાવી મૂકેલી એ હવે હરણફાળ ભરી રહી છે. આ રેસ્ટોરાં પહેલાં ચેમ્બુરમાં નાનીમાંથી મોટી થઈ, આ મહિનાની શરૂઆતમાં મુલુંડમાં ખૂલી છે અને ભવિષ્યમાં અંધેરીમાં પણ શરૂ થવાની છે.
વાત લગભગ પોણાબે વર્ષ પહેલાંની છે. ચેમ્બુર કૅમ્પમાં ઝામા સ્વીટ્સની બાજુમાં આવેલી, માંડ ડઝનેક લોકોને બેસાડી શકતી રેસ્ટોરાં ‘દિલ્લી સે’ના છોલે-ભટૂરે વિરાટ કોહલી સુધી પહોંચ્યા અને તેને બહુ ભાવ્યા એ પછી અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એનાં ગુણગાન ગાઈને રેસ્ટોરાંનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. એને લીધે થયું એવું કે વિરાટ કોહલીના ફેવરિટ છોલે-ભટૂરે પીરસતી રેસ્ટોરાં તરીકે સોશ્યલ મીડિયા પર, છાપાંઓમાં, ન્યુઝ-ચૅનલોમાં ‘દિલ્લી સે’ છવાઈ ગઈ અને એની કિસ્મતમાં રાતોરાત પલટો આવી ગયો. લોકોનો એવો ધસારો થવા માંડ્યો કે એના ઓનર જસપાલ સિંહે એક્સપાન્શન વિશે વિચારવું જ પડ્યું.
ADVERTISEMENT
238 - ‘દિલ્લી સે’ના છોલે-ભટૂરેની કિંમત
‘દિલ્લી સે’નો વિસ્તાર ચેમ્બુરથી જ થયો. જસપાલ સિંહે પહેલી રેસ્ટોરાંની સામે જ નવી ૪૦ બેઠકોવાળી રેસ્ટોરાં શરૂ કરી અને હવે મુલુંડમાં ૬૦ બેઠકોવાળી રેસ્ટોરાં શરૂ કરી છે. આ બન્ને રેસ્ટોરાંમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના ફોટો, અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર ‘દિલ્લી સે’ના છોલે-ભટૂરે માટે લખેલી પોસ્ટ, ‘દિલ્લી સે’ વિશે વિવિધ માધ્યમોમાં આવેલા સમાચાર, સારા અલી ખાને મૂકેલી ‘દિલ્લી સે’ વિશેની પોસ્ટ ટીવી-સ્ક્રીન પર અને ફોટોફ્રેમ તરીકે ડિસ્પ્લે કરવામાં આવ્યાં છે. જસપાલ સિંહે આ બધું વિરાટ-અનુષ્કાની પરમિશન સાથે જ કર્યું છે.
‘દિલ્લી સે’માં છોલે-ભટૂરે ઉપરાંત વિવિધ પ્રકારના કુલચા, રાજમા ચાવલ, કડી પકોડેવાલી, અલગ-અલગ પ્રકાની ટિક્કી અને ચાપ, પનીરની વિવિધ વાનગીઓ અને બીજું ઘણું પંજાબી ફૂડ મળે છે; પણ વિરાટ કોહલીને લીધે છોલે-ભટૂરે અહીંની સિગ્નેચર ડિશ બની ગઈ છે. એવું શું ખાસ છે ‘દિલ્લી સે’ના છોલે-ભટૂરેમાં? ૪૩ વર્ષના જસપાલ સિંહ ‘મિડ-ડે’ને કહે છે, ‘મારાં મમ્મીની રેસિપીથી અમે છોલે બનાવીએ છીએ, સારા મસાલા વાપરીએ છીએ, ભટૂરે માટે સારું તેલ વાપરીએ છીએ; બાકી કંઈ એમાં એક્સ્ટ્રાઑર્ડિનરી નથી.’
ચેમ્બુરનિવાસી જસપાલ સિંહ એક સમયે ઇવેન્ટ્સ, લગ્નો વગેરેમાં સાઉન્ડ, લાઇટ્સ વગેરે પૂરું પાડતા વેન્ડર હતા. ફૂડના પૅશનને પગલે ૨૦૨૧ની ૧૫ ઑક્ટોબરે તેમણે ‘દિલ્લી સે’ શરૂ કરી એના એક વર્ષ પછી તેમને વિરાટ કોહલી નામની લૉટરી લાગી જે સતત વળતર આપી રહી છે.
ચેમ્બુર : ચેમ્બુર કૅમ્પ, ઝામા સ્વીટ્સની સામે
મુલુંડ : રત્ના સુપર માર્કેટની બાજુમાં, મદન મોહન માલવીય રોડ, વેસ્ટ
વિરાટના ઘરે ઘણી વાર ગરમાગરમ છોલે-ભટૂરે ખવડાવવા જઈ આવ્યા છે જસપાલ સિંહ
જસપાલ સિંહ
અભિષેક ઉપમન્યુ નામના એક કૉમેડિયને ‘દિલ્લી સે’ના છોલે-ભટૂરે ખાઈને ઇન્સ્ટાગ્રામ પર એના વિશે લખ્યું જે અનુષ્કા શર્માના ધ્યાન પર આવ્યું. અનુષ્કા-વિરાટની ટીમમાંથી ‘દિલ્લી સે’નો સંપર્ક કરવામાં આવ્યો અને જસપાલ સિંહ ૨૦૨૨ની પાંચમી ઑક્ટોબરે પહોંચ્યા સ્ટાર કપલ પાસે છોલે-ભટૂરેનું પાર્સલ લઈને. ત્યાર પછી ફરી ૧૨ નવેમ્બરે તેમને તેડાવવામાં આવ્યા ત્યારે જસપાલ સિંહ છોલે બનાવીને લઈ ગયા પણ ભટૂરે ત્યાં જઈને ગરમાગરમ બનાવ્યા. નવાઈની વાત એ છે કે એ દિવસે જસપાલ સિંહના ભાઈનાં લગ્ન હતાં અને એમાં તેઓ ફેરાના સમયે જ પહોંચી શક્યા હતા. ત્યાર પછી તો જસપાલ સિંહ ઘણી વાર વિરાટ-અનુષ્કાને છોલે-ભટૂરે ખવડાવવા તેમના ઘરે જઈ આવ્યા છે.
અનુષ્કાએ ૨૦૨૨ની પાંચમી આૅક્ટોબરે ઇન્સ્ટાગ્રામ પર શું લખેલું?
આજે અમારા ઘરમાં મોટો દિવસ છે. એકદમ દિલ્લી જેવા છોલે-ભટૂરે મુંબઈમાં શોધવાનું અભિયાન ક્યારેય સમાપ્ત નહીં થાય એવું લાગતું હતું, પણ મને એ જાહેરાત કરતાં અત્યંત ખુશી થાય છે કે આ તલાશ પૂરી થઈ છે અને મેં મારા હસબન્ડને અત્યંત આનંદ આપ્યો છે. જે લોકો તેને ઓળખે છે તેઓ છોલે-ભટૂરે માટેના તેના પ્રેમને જાણે છે. આ એક એવું ચીટ-મીલ છે જે ખાઈને તેને ડાયટનો નિયમ ભંગ કર્યાનો અફસોસ નથી થતો. તે ફ્રી હોય છે ત્યારે દિલ્લીના છોલે-ભટૂરેના વિડિયો જોતો હોય છે. અને ફાઇનલી આજે તેને લાગી રહ્યું છે કે મુંબઈએ કરી દેખાડ્યું છે. આજે અમારા ઘરમાં અપાર ખુશી અને સંતુષ્ટિનો માહોલ છે.