ગોરેગામ સ્ટેશનની નજીક આવેલી ૫૪ વર્ષ જૂની સપ્રે ઍન્ડ સન્સમાં માત્ર ને માત્ર મહારાષ્ટ્રિયન ફૂડ જ મળે છે, જેમાંના અડધાનાં નામ પણ તમે સાંભળ્યાં નહીં હોય
ખાઈપીને જલસા
શ્રીખંડવડી (ડાબે નીચે), માલવણી ખાજા (ડાબે ઉપર), મિસળ-પાંઉ (જમણે)
મુંબઈ જ નહીં પણ દેશના કોઈ પણ મોટા શહેરમાં અસ્સલ દેશી ફૂડ મળવું મુશ્કેલ છે. એમાં પણ વિસરાઈ ગયેલી ઑથેન્ટિક વાનગીને શોધવી લગભગ અશક્ય જ હોય છે. દરેક રાજ્યની પોતપોતાની પરંપરાગત વાનગી હોય છે એમ મહારાષ્ટ્રની પણ છે. ઘણી વાનગી વિશે બધા જાણતાં હશે પણ ઑથેન્ટિક સ્વીટ ડિશ કોઈકે ખાધી છે? પૂરણપોળી નહીં પણ શ્રીખંડ પોળી, દૂધી પોળી વગેરે.. નહીંને? તો પછી ગોરેગામ-વેસ્ટમાં આવેલા આ સ્થાને તમારે એક વખત આવવું જોઈએ જ્યાં તમને એકથી એક ભુલાઈ ગયેલી મહારાષ્ટ્રિયન મીઠાઈનો આસ્વાદ માણવા મળશે.
૧૯૭૦ની સાલમાં ગોરેગામ સ્ટેશનની નજીક સપ્રે નામનો નાનકડો ફૂડ સ્ટૉલ શરૂ કરવામાં આવ્યો હતો. જેમણે આ સ્ટૉલ ચાલુ કર્યો હતો તેઓ તો આજે નથી પણ આજે તેમનાં સંતાનો આ આઉટલેટ સંભાળી રહ્યાં છે જ્યાં વિસરાઈ ગયેલી મહારાષ્ટ્રિયન સ્વીટ્સ પણ મળે છે... જેમ કે પૂરણપોળી તો આપણને ખબર છે પણ તેલપોળી, ગોળપોળી, ફણસપોળી, આંબાપોળી વગેરે જેના વિશે મોટા ભાગના લોકોને ખબર નથી એ પણ અહીં મળે છે. આ સિવાય અન્ય ઑથેન્ટિક સ્વીટમાં દૂધીવડી, શ્રીખંડવડી મળે છે. શ્રીખંડવડી અહીંની પાયોનિયર ગણાય છે. મુંબઈમાં આ જ એકમાત્ર જગ્યા છે જ્યાં શ્રીખંડવડી મળે છે જે અચૂક ટ્રાય કરવા જેવી છે. આ ઉપરાંત કંઈક નવું ટ્રાય કરવું હોય તો માલવણી ખાજા ટેસ્ટ કરી શકાય જે લુકમાં તમને થોડા ફૅમિલિયર જેવા લાગશે. એ બેસન, આદું અને ગોળમાંથી બને છે. જાણીતી સ્વીટ આઇટમમાં રવા લાડુ, ઘઉંના લાડુ, મેથીના લાડુ, મોદક અને જાયફળના પેંડા વગેરે પણ મળે છે. આ સિવાય ઑથેન્ટિક પીણાં પણ અહીં મળી રહે છે.
આ તો થઈ સ્વીટ ડિશની વાત, અહીં ઉપવાસની પણ અઢળક વાનગીઓ મળે છે. જેમ કે સાબુદાણાનાં વડાં, સાબુદાણાની ખીચડી, બટાટાપૂરી, ચેવડો, ફ્રાઇસ વગેરે. સ્વીટ જ નહીં, અહીંના ગરમ-ગરમ નાસ્તા પણ ખાવાની મજા પડશે. ખાસ કરીને વડા સંભાર જે અહીંની હૉટ-સેલિંગ આઇટમ છે. કાંદા પોહા, આલૂવડી, કોથિમ્બીર વડી મસ્ટ ટ્રાય કરવા જેવી છે. આ બધી ડિશની વાત ચાલતી હોય ત્યારે મિસળને કેમ કરીને ભુલાય. મિસળ-પાંઉ અહીં સૌથી વધુ ડિમાન્ડમાં હોય છે. તેની તિખટ તરી આંખમાં પાણી લાવી દેશે. જો તમને ઓછું તીખું જોઈતું હોય તો તમે એની ડિમાન્ડ પણ અહીં કરી શકો છો. આ સાથે સૂકા નાસ્તા પણ અહીં છે. ઇન શૉર્ટ, આખા મહારાષ્ટ્રની ટ્રેડિશનલ વાનગીને અહીં એક જગ્યાએ રજૂ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ક્યાં મળશે? : સપ્રે ઍન્ડ સન્સ, પિરામલનગર, આરે રોડ, ગોરેગામ (વેસ્ટ)
સમય : સવારે ૮.૩૦થી રાત્રે ૯ સુધી