મુંબઈ સ્ટ્રીટ સ્ટાઇલ જીની ઢોસા કઈ રીતે બનાવવા તેની તમામ વિગતો અહીં છે
જીની ઢોસા
આ રેસિપી આપણે ૪ સ્ટેપમાં બનાવીશું.
સ્ટેપ 1 : ઢોસાનું ખીરું - સામગ્રી – ૧ કપ અડદની દાળ, ૩ કપ ચોખા અને મીઠું સ્વાદ મુજબ.
રીત ઃ અડદની દાળ અને ચોખાને અલગ-અલગ ધોઈ અને બેત્રણ કલાક માટે પલાળી મિક્સરમાં અલગ-અલગ જરૂર મુજબ પાણી ઉમેરીને પીસી લો. ત્યાર બાદ એને એક વાસણમાં મિક્સ કરીને ચાર-પાંચ કલાક માટે આથો આવવા મૂકી દો. આથો આવ્યા બાદ એમાં જરૂર મુજબ પાણી અને મીઠું નાખી દો.
(આ સ્ટેપ ન કરવું હોય તો બજારનું તૈયાર ખીરું પણ વાપરી શકો.)
સ્ટેપ 2 : સૉસ - સામગ્રી ઃ ૨ ચમચી શેઝવાન સૉસ, ૪ ચમચી ટમૅટો કેચપ, ૨ ચમચી મેયોનીઝ,
૧ ચમચી પાંઉભાજી મસાલો, ૧ ચમચી ચાટ મસાલો.
રીત ઃ એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરી લો.
સ્ટેપ 3 : ટૉપિંગ - સામગ્રી ઃ ૧/૨ કપ ઝીણો સુધારેલો કાંદો, ૧/૨ કપ ઝીણી સુધારેલી કોબી, ૧/૨ કપ ઝીણું સુધારેલું કૅપ્સિકમ, ૧/૨ કપ ઝીણું સુધારેલુ ગાજર અને બીટ, ૨ ક્યુબ ચીઝ.
સ્ટેપ 4 : રીત ઃ એક નૉનસ્ટિક તવાને ગૅસ પર ગરમ કરવો. તવો ગરમ થાય એટલે ગૅસ સ્લો કરી તવા પર ઢોસાનું ખીરું નાખી એને બરાબર ફેલાવી દો. હવે એના પર ૧ ચમચી બટર લગાવો. પછી એના પર ૧ ચમચી તૈયાર કરેલો સૉસ પાથરવો. ત્યાર બાદ એના પર ટૉપિંગ માટેનાં વેજિટેબલ્સ પાથરવાં અને છેલ્લે ચીઝ ખમણી લેવું. ઢોસો નીચેથી બ્રાઉન થાય ત્યારે એને ફોલ્ડ કરી તવી પરથી ઉતારી કોપરાની ચટણી અને સૉસ સાથે ગરમાગરમ સર્વ કરવા.
ADVERTISEMENT
- કાજલ ડોડિયા


