હમણાં રક્ષાબંધન નિમિત્તે ફોક રેસ્ટોરાંએ એમની સિગ્નેચર ડિશ મેનુમાં ઉમેરી છે
પ્રતીકાત્મક તસવીર
તહેવારોની સીઝન છે ત્યારે કશુંક મીઠું તો બધાના ઘરે બનશે. તમે જો દેશી સ્ટાઇલની અને છતાં કંઈક યુનિક સ્વીટ ડિશ બનાવવા માગતા હો તો કાલા ઘોડા પાસે આવેલી રેસ્ટોરાંની ડિઝર્ટ આઇટમમાંથી ઇન્સ્પિરેશન મેળવી શકો છો. હમણાં રક્ષાબંધન નિમિત્તે ફોક રેસ્ટોરાંએ એમની સિગ્નેચર ડિશ મેનુમાં ઉમેરી છે. આમ તો કાશ્મીરી લોકલ ફૂડ માટે જાણીતી આ રેસ્ટોરાં છે, પણ આ ફોક ડિઝર્ટ ડિશ કદાચ દરેક ઇન્ડિયનને ગમે એવી છે. ડિઝર્ટમાં કંઈ જ નવું કરવાનું નથી. સૉફ્ટ માવા કેક લેવાની. બરાબર ઉકાળીને જાડું રબડી જેવું બનાવેલું કઢિયલ મસાલા મિલ્ક તૈયાર કરવાનું. આ કઢિયલ દૂધને સૉસની જેમ એક પૅનમાં રેડીને એની વચ્ચે માવા કેક સજાવી દેવાની. એના પર ડ્રાય રોસ્ટેડ પિસ્તાં, ગુલાબની પાંખડીઓ અને બીજાં ડ્રાયફ્રૂટ્સ ભાવતાં હોય તો એની કતરી ભભરાવી શકાય.
આ ડિશ અમે ટ્રાય કરી ત્યારે દૂધની રિચ ક્રીમીનેસ બહુ જ ભાવી. તમે પણ ટ્રાય કરી જ શકો છો. ફોકમાં આ ડિશની કિંમત છે માત્ર ૧૯૦ રૂપિયા, જે ડિઝર્ટ તરીકે બે જણને આરામથી ચાલી જાય એવી છે.