અમદાવાદમાં શો પછી જમવાનું ભાવ્યું નહીં અને મને થયું કે આજે ભૂખ્યા સૂવું પડશે, પણ હરિને એ મંજૂર નહોતું એટલે તેણે મને ધ પીત્ઝા સ્ટોનનું ઍડ્રેસ સુઝાડી દીધું
ખાઈપીને જલસા
સંજય ગોરડિયા
નાટક કરતા હોય તેમને રાતના શો પછી ક્યાં જમવા જવું એનો બહુ મોટો પ્રશ્ન નડતો હોય અને એમાં પણ બહારગામના શોમાં તો ખાસ. એવું ન હોય કે રાતે જમવાની અરેન્જમેન્ટ ન થઈ હોય. સામાન્ય રીતે શો પહેલાં પણ નાસ્તાની અરેન્જમેન્ટ હોય અને શો પૂરો થયા પછી પણ જમવાનું આવ્યું હોય, પણ નાટક પહેલાં ઍક્ટર ક્યારેય ભરપેટ નાસ્તો કરે નહીં. સ્ટેજ પર ઓડકાર આવવા કે પછી વાછૂટની તકલીફ ઊભી થાય તો એ ઑડિયન્સનું અપમાન કહેવાય એટલે અમે સાંજે માત્ર નામપૂરતો કે કહો કે ભૂખ ભાંગવા પૂરતું જ ખાઈએ. વાત રહી રાતના જમણની, તો જમવાનું અગિયારેક વાગ્યે આવી ગયું હોય. શો રાતના બારેક વાગ્યે પતે. પછી ઑડિયન્સ મળવા આવે, ફોટો-બોટો પડાવે, થોડું હાઇ-હેલો થાય એટલે નિરાંતે મળતાં સુધીમાં સહેજે સાડાબાર, એક વાગી જાય. ત્યાં સુધીમાં જમવાનું ઠંડું થઈ ગયું હોય એટલે એમ ભાવે નહીં તો ઘણી વાર એવું બને કે જે શાક કે દાળ આવ્યાં હોય એ ભાવે એવાં ન હોય કે પછી એનો સ્વાદ ભાવે એવો ન હોય એટલે રાતના શો પછી નાટકના કલાકારોમાં હંમેશાં મૂંઝવણ રહે.
મારી સાથે અમદાવાદમાં એવું જ થાય. હમણાં મારું નાટક ‘ત્રંબક ત્રણ બાયડીવાળો’ના શો અમદાવાદમાં ચાલે છે. નાટકનો શો પૂરો કરીને બુધવારે હું હોટેલ પર પહોંચ્યો. પેટમાં ઉંદરડા ને માંહ્યલો બકાસુર દેકારા કરે અને મનમાં મૂંઝવણ કે ક્યાં જમવા જાઉં અને ત્યાં જ અમારા નાટકના ઑર્ગેનાઇઝર મને મળવા આવ્યા. મેં તેમને પૂછ્યું કે ભાઈ અત્યારે ક્યાંય કંઈ ખાવા મળશે? બહુ ભૂખ લાગી છે. મને કહે કે ચાલો અને એ ભાઈ તો મને લઈ ગયા અમદાવાદના પાલડી વિસ્તારમાં. આ પાલડી વિસ્તાર બહુ પૉપ્યુલર છે. એક સમયે એ ગામ હતું પણ શહેરની હદ વધતાં એ પાલડી ગામ હવે અમદાવાદમાં આવી ગયું છે. અમે પહોંચ્યા પાલડી ગામ, ત્યાં એક રેસ્ટોરાં પાસે તેમણે ગાડી ઊભી રાખી ને મેં નામ વાંચ્યુંઃ ધ પીત્ઝા સ્ટોન.
ADVERTISEMENT
આ જે રેસ્ટોરાં છે ત્યાં બધા પ્રકારનાં ફાસ્ટ ફૂડ અને પંજાબી-કાઠિયાવાડી ફૂડ મળે છે અને એ પણ ચારસો જેટલી વરાઇટીમાં. વાતચીત કરતાં મને ખબર પડી કે એ વહેલી સવારે પાંચ વાગ્યે બંધ થાય છે ને નવરાત્રિ કે દિવાળીના દિવસોમાં તો સાંજે સાત વાગ્યે સ્ટાર્ટ થાય તો છેક બીજા દિવસે સવારે આઠ વાગ્યા સુધી ચાલુ હોય.
ટ્રાફિક પણ એવો જ. મેં તો પુલઆઉટ બ્રેડ નામની સૅન્ડવિચની એક વરાઇટી મગાવી. એમાં દસ ઇંચની લાંબી બ્રેડ હતી. બે બ્રેડ વચ્ચે ચીઝ, વેજિટેબલ્સ અને કટલેટ મૂકીને અવનમાં ગરમ કરીને તમને સર્વ કરે. ઠંડીના દિવસોમાં ગરમ ખાવાનું મળે એટલે મજા આવી જાય અને એમાં પણ જો સ્વાદ અવ્વલ દરજ્જાનો હોય તો જલસો પડી જાય. મારું પણ એવું જ થયું. મને હતું કે કદાચ હું આખી સૅન્ડવિચ ખાઈ નહીં શકું પણ મિત્રો, હું ખોટું નહીં બોલું, હું તો આખેઆખી પુલઆઉટ ગપચાવી ગયો. મજા પડી ગઈ અને પેટમાં રહેલા પેલા ઉંદરડા અને બકાસુરને પણ શાંતિ મળી.
એ પછી મેં મેનુમાં નજર નાખતાં-નાખતાં વાતો જાણવાની કોશિશ કરી તો મને ખબર પડી કે અહીં ટૂરિસ્ટ લોકો ખૂબ આવે છે. નૅચરલી, તમે રાતે બેત્રણ વાગ્યે અમદાવાદ પહોંચો પછી કોઈના ઘરે જઈને થોડું કહેવાય છે કે કિચન ખોલો? તમારે બહાર જ પેટપૂજા પતાવી લેવી જોઈએ. યંગસ્ટર્સમાં પણ આ જગ્યા બહુ પૉપ્યુલર છે. બધેબધું ગરમ બનતું જાય અને તમને સર્વ થતું જાય. ચારસો આઇટમોમાંથી મોટા ભાગની આઇટમોમાં જૈન ફૂડ પણ અવેલેબલ છે. જો ક્યારેક કટાણે અમદાવાદ પહોંચો અને ભૂખ લાગી હોય તો-તો આ ઑપ્શન તમારા માટે બેસ્ટ છે જ, પણ ધારો કે એવું ન હોય અને સમયસર જ અમદાવાદ પહોંચ્યા હો તો પણ ત્યાં જઈને તમને ભાવે એ વરાઇટીનો ટેસ્ટ કરવા જેવો છે. મેં પુલઆઉટ બ્રેડ ટ્રાય કરી છે, સુપર્બ હતી અને ભાવ પણ એકદમ રીઝનેબલ હતો.