Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > એ દિવસે મેં કેક નહીં, જાણે ઈંટ બનાવી

એ દિવસે મેં કેક નહીં, જાણે ઈંટ બનાવી

Published : 03 October, 2023 02:33 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અનુષા મિશ્રાએ એ દિવસથી લઈને આજ સુધી ફરી ક્યારેય બેક્ડ વરાઇટી બનાવવાનો પ્રયાસ નથી કર્યો

અનુષા મિશ્રા

કુક વિથ મી

અનુષા મિશ્રા


મમ્મીના બર્થ-ડે પર કેક બનાવવાનો અખતરો એવો તો ખરાબ રહ્યો કે ‘તેરા ક્યા હોગા આલિયા’, ‘ડ્રીમગર્લ-2’, ‘બિલ્ડર્સ’ જેવી સિરિયલ, ફિલ્મ અને વેબ સિરીઝ કરી ચૂકેલી અનુષા મિશ્રાએ એ દિવસથી લઈને આજ સુધી ફરી ક્યારેય બેક્ડ વરાઇટી બનાવવાનો પ્રયાસ નથી કર્યો. હા, બાકીની વરાઇટીનું નામ બોલો, અનુષા એમાં ચપટી વગાડતાં માસ્ટરી મેળવી લેશે


હું વિના સંકોચે કહીશ કે હું બહુ લકી છું. હા, આમ તો ઘણીબધી બાબતોમાં હું લકી છું પણ વાત જો ફૂડની આવે તો હું કહીશ કે મારા લક સાથે આ દુનિયામાં કોઈની કમ્પૅરિઝન ન થઈ શકે. તમને અતિશયોક્તિ લાગે પણ હકીકત છે કે મારાં મમ્મી દુનિયાનાં બેસ્ટ કુક છે. તેમનાં જેટલાં પણ વખાણ કરું એ સહેજ પણ વધારે નહીં કહેવાય. જો મારાં મમ્મીએ પ્રોફેશનલી કુકિંગ વિશે વિચાર્યું હોત તો તે આજે બ્રિલિયન્ટ શેફ તરીકે દુનિયાભરમાં પૉપ્યુલર હોત. હું ભગવાનને પ્રાર્થના કરું કે મમ્મીના હાથની ગરમ મસાલાની રેસિપી મને વારસામાં મળે. સાચે જ, એ જે પ્રકારના ગરમ મસાલા ઘરમાં બનાવે છે એવા મસાલા માર્કેટમાં ક્યાંય મળતા નથી. મને ફૂડ પ્રત્યે જે લગાવ છે, જે પ્રેમ છે એ મમ્મીને કારણે જ આવ્યો છે. હું વિના સંકોચે એવું કહું કે મારે મન ફૂડ એ લવ લૅન્ગ્વેજ છે. જો મને સારું ખાવાનું મળતું હોય તો હું મારું આખું બૅન્ક અકાઉન્ટ ખાલી કરી નાખતાં સહેજે નહીં ખચકાઉં.



બહુ ઓછા લોકો હોય છે જેમને વર્લ્ડનું બેસ્ટ ફૂડ ખાવા મળે. હું એ ઓછા લોકોમાં એક છું એવું કહું તો એ વધારે પડતું નહીં કહેવાય અને એ જ કારણે હું કહેતી હોઉં છું કે સારું ખાવા માટે તમે નસીબદાર હો એ બહુ જરૂરી છે.


મારું ફેવરિટ ફૂડ | મને દેશી ફૂડ પ્રત્યે જેટલો પ્રેમ છે એટલો જ લગાવ મને એશિયન અને ઇટાલિયન ફૂડ પ્રત્યે પણ છે. હું આઠેક વર્ષની હોઈશ ત્યારે મેં મારી લાઇફમાં પહેલી વાર ચા બનાવી હતી. એ ચા બનાવતી વખતે મમ્મી મારી સાથે જ હતાં અને એ પછી પણ હું કહીશ કે અમારાં સદનસીબ કે મેં કિચનમાં આગ નહોતી લગાવી. અફકોર્સ, રસોડું આખું ઊથલપાથલ થઈ ગયું હતું પણ જે કામ મારે કરવાનું હતું એ એટલે કે ચા, બહુ જ સરસ બની હતી. આજે પણ મારા ઘરમાં મેં બનાવેલી એ પહેલી ચાને યાદ કરીને બધા પેટ પકડીને હસે.

દરેક ફૂડમાં ટ્વિસ્ટ લાવું તો જ મને ફૂડ બનાવ્યાની ખુશી મળે. સિમ્પલ દાલ-રાઇસમાં પણ હું કોઈક ટ્વિસ્ટ તો આપી જ દઉં અને મારા એ ટ્વિસ્ટને લીધે એ સિમ્પલ દાલ-રાઇસ પણ નવા લેવલ પર પહોંચે છે. દાલ-રાઇસ જ નહીં, હું આપણો સાદો ભાત, શાક, સાદી રોટી, પુલાવ, મૅગી બનાવવાની બાબતમાં ત્યાં સુધી ચૅલેન્જ આપું કે મારી આંખે પટ્ટી બાંધી હોય તો પણ હું એ બધું પર્ફેક્ટ જ બનાવું. બીજી વાત, રોટલીમાં પણ હું નવો ટ્વિસ્ટ લાવી શકું અને સાદા ભાતને પણ હું નવા જ રંગરૂપ સાથે બનાવી શકું તો મૅગીમાં તો મેં એટએટલાં ઇન્વેશન કર્યાં છે કે જેની કલ્પના તો ખુદ મૅગીવાળાઓએ પણ નહીં કરી હોય.


એ ઈંટ હતી કે કેક? | હું ડેફિનેટલી કહીશ કે કુકિંગનો એ અખતરો તો મારી બાયોગ્રાફીમાં પણ લખાશે એટલો યાદગાર છે. માત્ર મારા માટે જ નહીં, અમારી આખી ફૅમિલી માટે.

પહેલાં લૉકડાઉનમાં મારી મમ્મી માટે મેં કેક બનાવવાનું નક્કી કર્યું. તેનો બર્થ-ડે હતો અને હું મારા તરફથી તેમને કંઈક સ્પેશ્યલ ફીલ કરાવવા માગતી હતી. તમને યાદ હોય તો પહેલાં લૉકડાઉનમાં ફૂડની વરાઇટીઓ પણ બહુ સિલેક્ટિવ એરિયામાં જ ચાલતી હતી એટલે મારે જ કેક બનાવવાની હતી.

મેં કેક બનાવવાની શરૂ કરી અને બન્યું એવું કે બેકિંગ પાઉડરની ક્વૉન્ટિટી અને બેક કરવાના ટાઇમમાં કંઈક ગોટાળો થઈ ગયો અને પછી તો એવી હાલત કે તૈયાર કરેલી ચૉકલેટ કેક ચાકુ વડે કટ કરવાનું તો ભૂલી જ જાઓ, તમે એને દીવાલ સાથે પછાડો તો પણ એ ન તૂટે. મેં બનાવેલી એ ચૉકલેટ કેક જાણે કે બિલ્ડિંગ બનાવવાની ઈંટ બની ગઈ હતી.

એ દિવસે વિડિયો કૉલ પર જ્યારે અમારી આખી ફૅમિલી ભેગી થઈ ત્યારે આ અખતરા પર અમે બધાં જ પેટ ભરીને હસ્યાં. એ દિવસે મમ્મીને ભલે કેક ન મળી પણ મેં કરેલા પ્રયાસોથી તેને હૅપીનેસ ખૂબ મળી. એ દિવસ પછી મેં ક્યારેય બેકિંગ માટે કિચનમાં પગ નથી મૂક્યો. હા, કપ કેક હું બનાવી લઉં અને એ સારી બને પણ પેલી મોટી કેક, ના ભાઈ ના. નેવર.

છોટી ભૂખ અને ગુજરાતી

મને ગુજરાતીઓના બધા નાસ્તા પ્રિય છે, પણ ખાંડવી સૌથી પ્રિય. જમવામાં મને માત્ર ખાંડવી આપો તો પણ હું ખાઈ લઉં. હું કહીશ કે ખાંડવી, થેપલાં અને ખાખરા ગુજરાતીઓનું બેસ્ટ ઇન્વેન્શન છે. પેલી જે ‘છોટી ભૂખ’ની વાત છે એ દૂર કરવાનો શ્રેષ્ઠ ઑપ્શન જો કોઈ હોય તો મારે મન થેપલાં અને ખાખરા.

ગોલ્ડન વર્ડ્‍સ

પાસ્તા કે નૂડલ્સ બૉઇલ કરતાં પહેલાં પાણીમાં સહેજ મીઠું નાખવું અને પૅકેટ પર લખેલા સમય કરતાં બે મિનિટ ઓછું કુક કરવું, એનાથી તમારા નૂડલ્સ કે પાસ્તાનો કલર અને ટેક્સ્ચર બન્ને અફલાતૂન આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2023 02:33 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK