માત્ર ખમણ જ નહીં, સુરતના જય જલારામમાં મળતી તમામ વરાઇટીમાં એ રસો ભળે અને ગેમ ચેન્જ
ફૂડ ડ્રાઇવ
દાળનો રસો ખમણના સ્વાદને નવી ઊંચાઈ પર લઈ જાય છે
સંજય ગોરડિયા
sangofeedback@mid-day.com
અમેરિકાની ફૂડ ડ્રાઇવ પછી હવે ફરી પાછા આપણે આવી જઈએ ઇન્ડિયાની ફૂડ ડ્રાઇવ, પણ આગળ વધતાં પહેલાં મને એક વાત ખાસ કહેવા દો કે અમેરિકાની બધી જ ફૂડ ડ્રાઇવમાં લોકોને બહુ મજા આવી છે. ઇન્ડિયા આવીને તરત જ નાટકની ટૂર શરૂ થઈ ગઈ એટલે જ્યાં પણ ગયો હોઉં ત્યાં વાચકો મારી સાથે એની જ વાત કરે છે અને મને પણ એ ગમે છે. આપણી ફૂડ ડ્રાઇવ કૉલમ આટલી પૉપ્યુલર થશે એનો અંદાજ મને નહોતો. ઍનીવેઝ, આવી જઈએ આપણે મુદ્દા પર.
ADVERTISEMENT
મારા નાટક ‘દે તાળી કોના બાપની દિવાળી’નો શો સુરતમાં હતો અને આગલા દિવસોમાં નાટકના શો વડોદરામાં એટલે અમે વડોદરાથી સુરત બાય રોડ આવવાનું નક્કી કર્યું, જે હકીકતે અમારી ભૂલ હતી. વડોદરાથી સુરતનો હાઇવે એવો તો ખરાબ છે કે તમે કલ્પના ન કરી શકો. બહુ તકલીફ પડે છે અને બિસમાર રસ્તા પર ગાડી પણ ધીમે ચલાવવી પડે એટલે વાર પણ બહુ લાગે. અમે બપોરે ત્રણ વાગ્યે વડોદરાથી નીકળ્યા અને છેક સાંજે સાત વાગ્યે સુરત પહોંચ્યા. હકીકતમાં આ રસ્તો અઢી જ કલાકનો છે પણ... વાર બહુ લાગી એટલે રસ્તામાં હોલ્ટ કરી નાસ્તો કરવાનો વિચાર પડતો જ મૂક્યો અને સુરત પહોંચીને પણ અમારે સીધા જ થિયેટર પહોંચવું પડ્યું. થિયેટર પર જઈ બધી ફૉર્માલિટી પૂરી કરી મેં મારા સાથી ઍક્ટર અચલેશ પંડ્યાને સાથે લીધો અને પહોંચ્યા કંઈક ખાવા ચોક બજાર. ઑડિટોરિયમથી ચોક બજાર બહુ નજીક છે. ચોક બજારમાં જય જલારામ રસાવાળા ખમણ. હવે તમને કહું કે હું ત્યાં જ કેમ ગયો?
જ્યારે પણ સુરતની ટૂર દરમ્યાન અહીંથી પસાર થવાનું બને ત્યારે હું ત્યાં પારાવાર ભીડ જોઉં. એ ભીડ જોઈને મને થયું હતું કે એક દિવસ આપણે જય જલારામ રસાવાળા ખમણનો ટેસ્ટ કરવાનો થાય છે. મનમાં આ વિચાર આવ્યો ત્યારે તમારા માટે ફૂડ ડ્રાઇવ કરવાનો વિચાર મનમાં નહોતો જ નહોતો. મેં ફૂડ ડ્રાઇવની એક સિસ્ટમ રાખી છે.
પહેલેથી જગ્યા નક્કી નહીં રાખવાની. જગ્યા પર જવાનું, ત્યાં જઈને ટેસ્ટ કરવાનું અને એ ટેસ્ટિંગના તમામ માપદંડમાં એ ખરી ઊતરે તો જ મોબાઇલમાં ફોટો લેવાનો અને એ પછી એનો આસ્વાદ વાચકો સુધી પહોંચાડવાનો. ફરી પાછા આવી જઈએ સુરતમાં.
જય જલારામ રસાવાળા ખમણવાળાને ત્યાં હું પહોંચ્યો અને મેં રસાવાળા ખમણનો ઑર્ડર આપ્યો. થર્મોકોલના એક પ્રૉપર બાઉલમાં ખૂબ બધાં ખમણ નાખી એના ઉપર ગરમાગરમ રસો અને એની ઉપર સેવ અને કાંદા-ટમેટાં નાખીને મને આપ્યાં. આ જે રસો છે એની તમને વાત કરું. ત્રણ ભાગ દાળ લેવાની, જેમાં બે ભાગ ચણાની દાળ અને એક ભાગ તુવેરની દાળ. પછી આ દાળને શેકી એમાં બધી જાતના મસાલા નાખી એને ગ્રાઇન્ડ કરવાની અને પછી એનો રસો બનાવવાનો. આ જે દાળનો થિક રસો છે એ તમારાં ખમણ ઉપર નાખે. રસો બહુ સરસ હતો. સ્વાદિષ્ટ અને તીખો, પણ આ રસાની ખાસિયત એ હતી કે એ ખમણના સ્વાદની પણ ગેમ ચેન્જ કરી નાખતો હતો. અદ્ભુત.
સાઠ વર્ષથી ચાલતી જય જલારામ રસાવાળા ખમણમાં માત્ર ખમણ જ નથી મળતાં, અહીં રસા સાથે ઘણી વરાઇટી બનાવવામાં આવે છે. રસાવાળું સુરતી ભૂસું, રસાવાળાં ઇદડાં, રસાવાળી પાતૂડી. આ પાતૂડી એટલે આપણે જેને ખાંડવી કહીએ એ જ. સુરતમાં એને પાતૂડી કહે. આ ઉપરાંત રસાવાળાં પંજાબી સમોસા, રસાવાળી કચોરી, રસાવાળાં સુરતી સમોસા. બધામાં મેં કહ્યો એ જ રસો નાખવાનો અને એ રસો દરેક આઇટમના ઓરિજિનલ સ્વાદને નવી ઊંચાઈ પર લઈ જાય.
ગુજરાતમાં અને ઈવન મુંબઈમાં એવી માન્યતા છે કે ભેળ, ચાટ, સેવપૂરી કે વડાપાંઉ જેવી વરાઇટીઓ ફેરિયા પાસે જ વધારે સારી મળે. આ જ માન્યતાના કારણે ગુજરાતમાં એક પ્રથા થઈ ગઈ છે. દરેક જણ દુકાનની બહાર એક રેંકડી રાખે અને એમાં જ ગરમાગરમ બધું બનાવીને આપે, જેથી તમને સ્ટ્રીટ ફૂડનો જ માનસિક આનંદ મળે. જય જલારામમાં પણ એવું જ છે. એ બહાર બેસીને વરાઇટીઓ આપતા હતા. પાછળ મોટી દુકાન ખરીદી પણ છતાંય બધું લઈને બેસવાનું બહાર જ. બધી વરાઇટીની કિંમત પણ સ્ટ્રીટ ફૂડ જેટલી જ, ફક્ત ત્રીસ રૂપિયા. ઍનીવેઝ, જ્યાં બેસવું હોય ત્યાં બેસે. આપણી તો ત્રણ જ વાત છે. ફૂડની ક્વૉલિટી અવ્વલ હોય, ભાવ રીઝનેબલ હોય અને ક્વૉન્ટિટી પણ વાજબી હોય. ત્રણેત્રણ માપદંડમાં જય જલારામ ફુલ માર્કે પાસ. તમે પણ સુરત જાઓ ત્યારે પરીક્ષા લઈ જો-જો. તમને પણ ખબર પડશે, આ ગોરડિયો એમ ને એમ કંઈ ડ્રાઇવ ભગાવ-ભગાવ નથી કરતો.