આજે ટ્રાય કરો બોરીવલીની આ ખાસ ચા
Sunday Snacks
પંચાયત
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
સામાન્યપણે આપણી સવાર ચાથી જ થતી હોય છે. ચા જ તો છે જે સુસ્તી ભગાડી સ્ફૂર્તિનો સંચાર કરે છે. એટલે જ તો કહેવાય છે કે `જેની ચા બગડી એની સવાર બગડી`. હવે જો વાત રવિવારના દિવસની હોય તો સવાર બગડે એ કેમ ચાલે? રજાની આ સવારને સુમધુર બનાવવા સરસ કડક-મીઠી, આદુ-મસાલા વાળી ચા તો જોઈએ જ. એમાં પણ ચાની ચુસકી સાથે મિત્રોનો સાથ મળે અને ગપ્પા-ગોષ્ઠિની મહેફિલ જામે તો બીજું શું જોઈએ? તો ચાલો આજે આવી જ એક જગ્યાની મુલાકાત લઈએ જ્યાં તમારી ચાની ચાહને ન્યાય મળે.
ADVERTISEMENT
બોરીવલી વેસ્ટના શિમ્પોલી વિસ્તારમાં આવેલી છે પંચાયત જ્યાં ખરેખર તમે મિત્રો સાથે `પંચાયત` જમાવી શકો છો. પંચાયતના કોઝી સિટિંગમાં બેસીને આખા ગામની `પંચાત` કરી લેશો તો પણ કોઈ રોકટોક નહીં કરે, બસ શરત એટલી છે કે બહાર વેટિંગ ન હોય. અહીં એમ તો પિત્ઝા-બર્ગર-પાસ્તા મળે જ છે પણ ખાસ આઇટમ છે ચા, જી હા ચા. ચામાં આદુ, ઇલાયચી, મસાલા અને કેસર જેવી અદ્ભુત ફ્લેવર્સ પણ ઉપલબ્ધ છે જે તેને ખાસ બનાવે છે. અહીં ચા માટીના કુલ્હડમાં આપવામાં આવે છે જે અહીંયાના અનુભવને વધુ જાનદાર અને શાનદાર બનાવે છે.
ચા સાથે તમારે કંઈક ખાવું હોય તો બન મસ્કા અચૂક ટ્રાય કરજો. બટરમાં ગ્રીલ કરેલું આ બન મસ્કા કદાચ તમને બીજે ક્યાંય મળે. બટર લગાડેલા બનને ગ્રિલ કરવાનું જે પ્રમાણ છે તે જ આ વસ્તુને ખાસ બનાવે છે. ચાની ચૂસ્કી સાથે બન મસ્કા પેફેક્ટ કોમ્બિનેશન છે. જો બીજું કંઈક ખાવાનું મન થાય તો મેન્યુ તો સામે જ છે. ઓવરઓલ ફૂડ પણ સારું છે એટલે બેઝીઝક કંઈ પણ મગાવી શકો છો.
નામ વિશે વાત કરતાં પંચાયતના મેનેજર રાહુલ કબીરપંથી કહે છે કે “અમે પહેલાં બીજી એક બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી લીધી, પરંતુ સદંતર પોતાનું કંઈક નવું કરવાનું ઈચ્છાને વશ થઈ એ બંધ કરી. આખરે ‘પંચાયત’ નામ પસંદ કરી એ જ જગ્યાએ પોતાની બ્રાન્ડ શરૂ કરી. હવે અમે અમારી બ્રાન્ડની ફ્રેન્ચાઇઝી આપીએ છીએ. હાલ કાંદિવલી અને બોરીવલી ઈસ્ટમાં એક-એક ફ્રેન્ચાઇઝી છે.”
સવારે લગભગ ૧૧.૩૦થી રાત્રે ૧ વાગ્યા સુધી આ આઉટલેટ ખુલ્લું હોય છે. ટાઈમપાસ સાથે બજેટ ફ્રેન્ડલી મિટિંગ્સ માટે પણ આ જગ્યા સરસ છે. તો આ રવિવારે ભૂલતા નહીં પંચાયતની ચા પીવાનું. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
આ પણ વાંચો: Sunday Snacks: સુરતની સેવખમણી મુંબઈમાં ખાવી છે તો પહોંચી જાઓ અહીં