આજે ટ્રાય કરો ચર્ની રોડનો સ્પેશિયલ લોચો
Sunday Snacks
વિદેશી લોચો
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
સુરત (Surat) વિશ્વનું એકમાત્ર એવું શહેર છે, જ્યાં લોચો કામમાં નહીં પણ પેટમાં પડે છે. પણ લગભગ આઠ દાયકા પહેલાં તો અહીં પણ કામમાં જ લોચો પડ્યો હતો, જેને કારણે ગુજરાતીઓને મળ્યો ‘લોચા’ (Locho). તમને જાણીને નવાઈ લાગશે સુરતની આ પ્રખ્યાત વાનગી કારીગરથી થયેલી ભૂલનું પ્રતાપ છે. સુરતમાં જાનીના ખમણ ખૂબ વખાણતા, એક દિવસ ઉતાવળમાં કારીગરે ખીરામાં પાણી વધારે પાણી નાખી દીધું. તેણે આ લોચાની જાણ શેઠને કરી અને શેઠે આ જ ખીરું બાફી, તેમાં ઉપરથી સીંગતેલ અને કાંદા નાખી લોકોને પીરસ્યો આ તાજો ગરમા-ગરમ ‘લોચો’. બસ, રેસ્ટ ઈઝ હિસ્ટ્રી. હવે આ જગ્યા જાનીના લોચા તરીકે પ્રખ્યાત છે.
ADVERTISEMENT
View this post on Instagram
હવે ‘લોચા’ની વાર્તા જાણીને તમે સમજી તો ગયા જ હશો કે આજે આપણે ‘લોચા’ની વાત કરવાના છીએ. તો ચાલો તમને લઈ જઈએ એવી જગ્યાએ જ્યાં બહુ સરસ લોચો પડે છે, વી મીન મળે છે. મુંબઈ (Mumbai)માં ગુજરાતીઓની પુષ્કળ વસ્તી હોવા છતાં સુરતની આ પ્રખ્યાત વાનગી આંગળીને વેઢે ગણી શકાય એટલી જ જગ્યાએ મળે છે. તમારા સુધી નવી-નવી જગ્યાઓ પહોંચાડવાના ક્રમમાં લોચો ન મારતા અમે પહોંચી ગયા ચર્ની રોડ (Charni Road). ચર્ચગેટ તરફ જતી લોકલ ટ્રેનના છેલ્લા ડબામાં ચઢશો તો ગરમીમાં ચાલવાની જફા નહીં ખેડવી પડે. અહીં ઈસ્ટમાં બહાર નીકળીને સામે જતાં મેઇન રોડ પર તમે ૨-૩ મિનિટ ચાલશો કે આવી ગયું આપણું ડેસ્ટિનેશન ‘વિદેશી લોચો’ (Videshi Locho).
અહીં તમને ઑથેન્ટિક સુરતના સ્વાદનો લોચો મળશે. તેમની પાસે લોચામાં કુલ સાત વેરાયટી છે. ઑઈલ લોચો, બટર લોચો, ઑલિવ ઑઈલ લોચો, ગાર્લિક લોચો, ચીઝ લોચો, ગાર્લિક ચીઝ લોચો, પેરી-પેરી ચીઝ લોચો. હવે તમારે જો લોચાનો ઑથેન્ટિક સ્વાદ માણવો હોય તો ચીઝ વગરની કોઈપણ વેરાયટી ટ્રાય કરી શકો છો. અમે તો તમારા માટે ગાર્લિક લોચો અને પેરી-પેરી ચીઝ લોચો બંને વેરાયટી ચાખી, ખરેખર જલશો પડી ગયો.
અહીં લોચાની ખાસ વાત છે તેની સૉફ્ટનેસ. ખીરું તૈયાર કરી તેને સ્ટીમરમાં બાફી અને તમે ઑડર આપો એ પ્રમાણે તમારી પ્લેટ બને. લોચા પર પહેલાં અમૂલનું બટર પછી એકદમ ઝીણું સમારેલું લસણ-લોચાનો મસાલો-પેરીપેરી મસાલો-મેલ્ટિંગ ચીઝ જે તમારો ઑડર હોય એ પ્રમાણે નાખી અને છેલ્લે સેવ અને ચટણી સાથે સર્વ થાય.
નાની જગ્યામાં પણ તેમણે ૬-૭ લોકો બેસી શકે એટલી જગ્યા ફાળવી છે. એમ્બિયન્સ પણ સરસ છે એટલો રિલેશનશિપનો લોચો સોલ્વ કરવા ‘લોચો ડેટ’ પર આવશો તો પણ ચાલશે. બાકી ટેસ્ટ તો મજેદાર જ છે.
ચેતન ડાભી
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં વિદેશી લોચોના ઑનર ચેતન ડાભી કહે છે કે “મને નાનપણથી જ લોચો બહુ ભાવે છે. હું અને મારા ફ્રેન્ડ્સ એવા ફૂડી છીએ કે ઘણીવાર મુંબઈથી સુરત ખાસ લોચો ખાવા જતાં, ત્યારે એક વાતનો વસવસો હંમેશા થતો કે મુંબઈમાં સુરત જેવો લોચો ક્યાંય નથી મળતો. હું ગ્રાફિક ડિઝાઇનર તરીકે કામ કરતો હતો, પ્રિન્ટિંગનું કામ પણ શરૂ કર્યું. કોરોનામાં આ કામ બંધ થઈ ગયું પછી આ સાહસ ખેડ્યું.”
આ પણ વાંચો: Sunday Snacks: આ છે મુંબઈના વન ઑફ ધ બેસ્ટ ચીઝ પરાઠા
જો તમે પણ લોચો ખાવા સુરત ધક્કો ખાઓ છો, તો હવે એક્સપ્રેસ નહીં લોકલ પકડો અને પહોંચી જાઓ ચર્ની રોડ. દરરોજ સાંજે સાંજે ચાર વાગ્યાથી અહીં લોચો મળે છે. રવિવારે સવારે ૮થી ૧૧માં પણ મળે છે. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.