આજે માણો ઠાકુર વિલેજની વિવિધ ફ્લેવર્સ વાળી પાણી પુરી
Sunday Snacks
અભિષેક ફ્લેવર્સ પાણી પુરી
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
કોઈ વ્યક્તિને તમે એવું પૂછો કે તમારા વિસ્તારમાં સૌથી સરસ ચાટ આઈટમ કઈ મળે છે? તો તે જવાબમાં તમને ઘણી આઈટમના નામ મળી જશે, પણ વાત જ્યારે ચાટની હોય તો એ શરૂ અને પૂરી તો પાણી પુરી સાથે જ થાય. ‘નારીઓને પાણી પુરી બહુ પ્રિય’ એવી સ્ટીરિયોટાઈપ વાતો કરનારા પુરુષોના મોઢા પણ પાણી પુરીનું નામ સાંભળીને એવા હરખથી ફૂલી જતાં હોય છે કે જાણે સાચે જ કોઈએ અંદર પાણી પુરી મૂકી દીધી હોય.
ADVERTISEMENT
તો ચાલો આજે આ નાસ્તા-પાણીની ગાડીને આગળ વધારીએ અને ટ્રાય કરીએ પાણી પુરીની કેટલીક નવી અને ચટપટી ફ્લેવર્સ. આજે આપણે જવાનું છે કાંદિવલી ઇસ્ટમાં ઠાકુર વિલેજ (Thakur). કાંદિવલીનો આ વિસ્તાર ખાણી-પીણીની દૃષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ છે. અહીં દરેક ગલીમાં કોઈ ને કોઈ ફૂડ જોઇન્ટ છે, જે કંઈક ને કંઈક નવું અને સ્વાદિષ્ટ પીરસે છે. આપણે જવાનું છે બરાબર ઠાકુર સિનેમાની સામે – અભિષેક ફ્લેવર્સ પાણી પુરીના સ્ટૉલ પર.
હવે તમને પ્રશ્ન થશે કે ફ્લેવર્ડ પાણી પુરી તો બધે જ મળે છે એમાં નવીનતા શું છે? તો સાંભળો – વાંચો અહીં જીરા, મરચા-ફુદી, ગોળ-આમલીનું મીઠુ પાણી જેવી ફ્લેવર્સ મળતી નથી. અહીં જે ફ્લેવર્સ મળે છે એ એમાંની કેટલીક ફ્લેવર્સ એવી છે કે જે કદાચ જ તમે બીજી ક્યાંય સાંભળી કે ટેસ્ટ કરી હશે.
અહીં કુલ છ ચટપટા સ્વાદના પાણી મળે છે. કલકતા ચાટ, કચ્ચી કૈરી, પિન્ક ગ્વાવા, ગાર્લિક, હાજમાહજમ અને ફૂદીના. કલકતા ચાટ ફ્લેવર તીખું ભાવતું હોય તેના માટે ખાસ છે. આ મરચાંની ફ્લેવર છે, મરચાંની તીખી અને ચાટની ચટપટી ફ્લેવર ટ્રાય કરશો તો જ તેનો જાદુ સમજાશે. પિન્ક ગ્વાવા પણ મસ્ટ ટ્રાય ફ્લેવર છે. જામફળની ફ્લેવરનો મીઠો-ચટપટો ટેસ્ટ માણવો રહ્યો.
એક ખાસ વાત એ પણ છે કે અહીં પાણી પુરીમાં બાફેલા ચણા કે રગડો મળતો નથી. માત્ર બાફેલા બટેટાનું મસાલાવાળું પૂરણ અને બૂંદી જ વપરાય છે. એટલે પાણીનો ટેસ્ટ બરાબર મેળવી શકાય. એક પ્લેટમાં તમને બધી જ ફ્લેવર્સ ટેસ્ટ કરવા મળી જશે, પછી તમને ભાવે એનો જામો પાડજો.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતાં અભિષેક ફ્લેવર્સ પાણી પુરીના અભિષેકજી કહે છે કે “છેલ્લાં ૧૨ વર્ષોથી હું અહીં ધંધો કરું છું. અગાઉ હું હૉટેલમાં નોકરી હતો પછી પાણી પુરીનો સ્ટૉલ શરૂ કર્યો. તે દરમિયાન મેં ફ્લેવર્ડ પાણી પુરી પહેલી વાર ચાખી અને પછી પોતે બનવવાનું શરૂ કર્યું.
તો હવે રવિવારે ફલેફર્ડ પાણી પુરીની ફ્લેવર લેવા અચૂક જજો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
આ પણ વાંચો: Sunday Snacks: રાજસ્થાની કઢી કચોરીનો સ્વાદ માણવો હોય તો પધારો બોરીવલી