આજે ટ્રાય કરો બોરીવલીની સ્પેશિયલ કચ્છી દાબેલી
Sunday Snacks
હર ભોલે કચ્છી દાબેલી
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
જો કોઈ કચ્છની વાનગીની વાત કરે તો મગજમાં સૌથી પહેલું નામ કચ્છી દાબેલીનું આવે. દાબેલી એ મહારાષ્ટ્ર અને ગુજરાતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. અન્ય ગુજરાતી વાનગીઓની જેમ જ દાબેલી પણ તીખા અને મીઠા સ્વાદનું મિશ્રણ છે, જે મુંબઈગરાની જીભે ચડી ગયું છે. તો આવો આજે એક એવા જ જોઇન્ટની મુલાકાત લઈએ જ્યાં સાંજ પડે વર્ષોથી લોકો આ કચ્છી વાનગીની જ્યાફત ઉડાવવા પહોંચી જાય છે.
ADVERTISEMENT
બોરીવલી વેસ્ટ (Borivali West)માં ગોકુલ હૉટેલ (Gokul Hotel)ની બરાબર સામે છે હર ભોલે કચ્છી દાબેલી (Har Bhole Kutchi Dabeli). જો તમે બોરીવલીની સમૃદ્ધ ખાણી-પીણીથી વાકેફ છો તો અહીં તમે એકવાર તો દાબેલીનો સ્વાદ માણ્યો જ હશે. દાબેલીનો મૂળ ટેસ્ટ તેના પૂરણમાં જ હોય છે અને અહીંની એ જ ખાસિયત છે એમ સમજો. પૂરણનો ટેસ્ટ એકદમ બેલેન્સડ, પણ કહો એ પ્રમાણે ચટણી નાખી તીખી-મીઠી બનાવી આપે.
પાઉંમાં પહેલાં ચટણી અને દાબેલીનું પૂરણ ભરી એમાં મસાલા સિંગ સાથે દાડમ નાખી બટરમાં દાબેલી શેકાય અને મસાલા સિંગ અને કાંદા સાથે સર્વ થાય. ચીઝ દાબેલીનો વિકલ્પ ઉપલબ્ધ છે. સાથે જ સ્પે. ચીઝ લસણ પાઉં પણ સરસ મળે છે. જૈન દાબેલી પણ તેમની ખાસિયત છે. મૂળ સ્વાદ તો પૂરણ અને મસાલા સિંગમાં છે અને તેનો જાદુ સમજવા તમારે આ દાબેલી ખાવા આવવું રહ્યું. દાબેલીનો અદ્ભુત સ્વાદ તમને કચ્છની યાદ અપાવી દેશે.
હર ભોલે કચ્છી દાબેલીના માલિક વિવેક દિનેશ જોશી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતાં કહે છે કે “લગભગ ૩૫ વર્ષથી અમે આ જ જગ્યાએ ધંધો કરીએ છીએ. મારા પિતા કચ્છમાં દાબેલી વેચતા. કેટલાક કારણોસર અમે કચ્છથી મુંબઈ આવ્યા અને ત્યાંનો સ્વાદ મુંબઈમાં આપવાની શરૂઆત કરી હતી. તેઓ લગભગ ૫૦ વર્ષથી આ બિઝનેસમાં હતા. હાલ તેઓ નિવૃત્ત છે.”
તો હવે રવિવારે આ વિસ્તારમાં દાબેલીનો દબદબો જોવા જવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
આ પણ વાંચો: Sunday Snacks: મુંબઈમાં ઘણી જગ્યાએ મળે છે છતાંય પોપ્યુલર નથી થઈ આ આઈટમ