આજે ટ્રાય કરો સ્પેશિયલ સુરતી વાટીદાળના ખમણ બોરીવલીમાં
Sunday Snacks
બાપા સીતારામ ખમણના સુરતી વાટીદાળના ખમણ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
એક ખૂબ જ જાણીતી કહેવત છે કે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ - નસીબદારને જ મળે’ છે અને વાત જ્યારે સુરતના જમણની હોય તો ખમણ અને ખમણી પહેલાં યાદ આવે. આજે પણ રોજ વહેલી સવારે ફ્લાઇંગ રાણીમાં હજારો કિલો ખમણ સુરતથી મુંબઈ આવે છે અને તમારી નજીકની ફરસાણની દુકાનોમાં સપ્લાય થાય છે, પરંતુ બોરીવલીમાં એક સ્ટૉલ એવો પણ છે કે જ્યાં મુંબઈમાં જ તૈયાર કરેલા ગરમા-ગરમ ખમણ મળે છે અને સ્વાદ પણ સુરતી ખમણને ટક્કર આપે એવો છે.
ADVERTISEMENT
View this post on Instagram
બોરીવલી વેસ્ટ (Borivali West)માં બરાબર સિંપોલી સિગ્નલ નજીક વર્ષોથી આ સ્ટૉલ લોકોની ભીડથી ધમધમી રહ્યો છે. નામ છે ‘બાપા સીતારામ ખમણ’ (Bapa Sitaram Khaman), પણ તમને આ નામ ક્યાંય દેખાશે નહીં. જોકે, તાજા સ્વાદિષ્ટ ખમણની સુગંધથી આ સ્ટૉલ શોધવામાં તમને જરાય અગવડ પણ નહીં પડે. છેલ્લાં ૨૩ વર્ષથી વિપુલભાઈ કચ્છી આ સ્ટૉલ ચલાવે છે.
અહીં તમને ખમણ, વાટીદાળના ખમણ (Vati Dal Khaman), ઢોકળા, પાતરા અને ખાંડવી બધુ જ ફ્રેશ મળશે. રવિવારે તો સ્પેશિયલ ખમણી પણ મળે છે. અમે પહોંચ્યા ત્યારે તેમણે ગરમા-ગરમ વાટીદાળના ખમણ વઘાર્યા હતા. એટલે અમે તો જટપટ એક પ્લેટ લઈ લીધી. વાટીદાળના ખમણ પર સેવ ભભરાવી, તળેલા મરચાં મૂકી અને લીલી ચટણી સાથે તૈયાર કરેલી પ્લેટ તેમણે પણ હસતાં મોઢે આપી દીધી. એક ખમણ લઈ તેને ચટણીમાં ઝબોળીને તમે પણ જ્યારે આ ખમણનું પહેલું બાઇટ લેશો તો એવું જ થશે કે જાણે ખરેખર સુરતમાં જ ઊભા છો.
વિપુલભાઈ કચ્છી સાથે વાત કરતાં ખબર પડી કે ૪૦ વર્ષથી તેમની દુકાન અને કારખાનું દહિસર ઈસ્ટમાં છે અને બોરીવલીમાં આ એક જ સ્ટૉલ છે. શરૂઆતના ૧૧ વર્ષ તો તેઓ પણ સુરતથી જ ખમણ મગાવતા હતા, પણ રોજની આ ઝંઝટથી છુટકારો મેળવવા તેમણે પોતે જ આ સ્વાદિષ્ટ વાનગી બનાવવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં તો ભારે નુકસાન થયું, માલ પણ બગાડ્યો. જોકે, ધીમે-ધીમે તેમણે પરફેક્ટ રેસિપી ડેવલપ કરી લીધી અને ટેસ્ટ લોકોની દાઢે એવો વળગી ગયો કે સવાર-સવારમાં અહીં લોકોની લાઈનો લાગવા લાગી.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં વિપુલભાઈ કચ્છીએ જણાવ્યું કે, “બોરીવલીમાં અમારો સ્ટૉલ સવારે ૮.૩૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી ચાલુ છે. ઘણીવાર ૧૨.૩૦ સુધીમાં પણ બધો જ માલ પૂરો થઈ જાય છે. અમારા ખમણ લોકોને એ હદે ગમી ગયા છે કે લોકો વઘાર્યા વગરના ખમણ પણ લઈ જાય છે અને ફ્રિજમાં ૨-૨ દિવસ સુધી સ્ટોર કરે છે.”
તો હવે આ રવિવારે પહોંચી જજો સિંપોલી ખમણ ખાવા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.