આજે ટ્રાય કરો ઠાકુર વિલેજના આ ટેસ્ટી પનીર બ્રેડ પકોડા
સન્ડે સ્નૅક્સ
પનીર બ્રેડ પકોડા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ઉત્તર ભારતમાં ભજિયાંની વાત આવે ત્યારે લોકોના મોઢે સૌથી પહેલું નામ આવે એ છે ‘પનીર પકોડા’ પણ મુંબઈમાં જો આ પનીર પકોડા શોધવા હોય તો તે ધૂળ ધોવા જેવું અઘરું કામ છે. વડાપાઉંના સ્વાદ સાથે ટેવાયેલા મુંબઈગરા આમ તો ‘પકોડા’ શબ્દનો ઉપયોગ માત્ર બ્રેડ પકોડા માટે જ કરે છે બાકી બધું જે મળે છે એ આપણા માટે ‘ભજિયાં’ જ છે.
ADVERTISEMENT
મુંબઈમાં વરસતા ઝરમર વરસાદ વચ્ચે તમે જો ઠાકુર વિલેજ (Thakur Village)માં હો અને તમારી સ્વાદેન્દ્રિય ભજિયાં ખાવાની જીદ કરે તો ત્યાંની સાંકડી ગલીઓમાંની એક ગલીમાં ‘ચટોરે – ધ ટેસ્ટ ઑફ નૉર્ધન ઇન્ડિયા’ (Chatore – The Taste of Northern India) પર બેઝિઝક પહોંચી જજો. અહીં તમને મળશે ગરમાગરમ પનીર બ્રેડ પકોડા.
નામ સાંભળીને તો આ વાનગી તમને ઉત્તર ભારતના પનીર પકોડા અને મુંબઈના બ્રેડ પકોડાનું મિશ્રણ લાગશે, પણ દોસ્ત એવું છે નહીં. અહીંયાં બ્રેડ પકોડમાં જે બટેટાનો માવો ભરવામાં આવે છે એમાં મુંબઈ સ્ટાઇલ લસણનો વઘાર નથી. ખૂબ સામાન્ય મસાલા સાથે પૂરણ તૈયાર થાય છે અને ખાસ વાત એ છે કે અહીંયાં જે મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે એ મુંબઈમાં મળતાં જ નથી. આ તમામ મસાલા તેઓ ખાસ આગ્રાથી મગાવે છે.
પનીર પકોડાનો ઑર્ડર આપીને તમે જરાક મેન્યૂ પર નજર કરશો તો તમને એ બધી જ આઇટમ દેખાઈ આવશે જેના માટે દિલ્હી ખૂબ જાણીતું છે. શનિ-રવિમાં સવારે અહીયાં ખાસ પહાડગંજ સ્ટાઇલ છોલે ભટુરે પણ મળે છે. એક મજાની વાત એ છે કે દુકાનના માલિક મૂળ મેરઠના છે અને ત્યાંનો જ ચટકારો મુંબઈમાં કરાવી રહ્યા છે.
ગરમા-ગરમ બ્રેડ પકોડા અને સાથે સ્ટાન્ડર્ડ લીલી-લાલ ચટણી! સોફ્ટ પનીર અને આગળ પડતો ન હોય તેવો મસાલાવાળો બટેટાનો માવો - એ કોમ્બિનિશન મુંબઈમાં બીજે મળવું મુશ્કેલ છે. અહીંની ચટણીનો સ્વાદ જરા જુદો છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ચટોરેના માલિક રાજન અગ્રવાલે કહ્યું કે “મુંબઈમાં સાઉથ ઇન્ડિયન ફૂડ તો ઘણી જગ્યાએ મળે છે, પરંતુ ઑથેન્ટિક નોર્થ ઇન્ડિયન ફૂડ મળતી હોય એવી જગ્યાઓ ખૂબ જ ઓછી છે. લોકોને ત્યાંની વાનગીઓની પણ જ્યાફત ઉડાવવા મળે એ હેતુ સાથે જ અમે ‘ચટોરે’ની શરૂઆત કરી હતી. અમારી ખાસ વાત એ છે કે અમે કાંદા-લસણનો ઉપયોગ કરતાં નથી, તમે જે સ્વાદ માણો છે તે માત્ર મસાલાની કમાલ છે."
આ પણ વાંચો: Sunday Snacks: આખા મુંબઈમાં માત્ર બે જ જગ્યાએ મળે છે આવા દાલવડા, જાણો શું છે USP
શોપ નં. 62 E.M.P. 55, કેશ ઍન્ડ કેરીની સામે, ઠાકુર વિલેજ, કાંદિવલી પૂર્વમાં આવેલી આ જગ્યાએ સ્વાદ તો મજાનો છે જ પણ તેનો ભાવ પણ વાજબી છે. ફરી મળીશું આવતા શનિવારે અને તમને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.