આજે ટ્રાય કરો બાંદરાની સ્પેશિયલ ભેળ
Sunday Snacks
ફ્લેવર્સની ચટપટી ભેળ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
થોડી તીખી, થોડી ખાટી-મીઠી એવી ભેળ (Bhel) ચોક્કસ મુંબઈગરાનો પ્રિય નાસ્તો છે. ભેળ માત્ર એક વાનગી નથી પણ સ્વાદનો ખજાનો છે. મુંબઈના સ્ટ્રીટ ફૂડ સ્ટૉલ્સ પર શરૂ થયેલી આ ભેળ ફેમસ તો ચોપાટી થકી થઈ, પરંતુ તેના થકી કેટ-કેટલાય ગુપ્તાજી મુંબઈમાં ફેમસ થઈ ગયા. દરરોજ આ સ્ટૉલ્સ પોતાના વિસ્તારમાં ચટપટી ભેળથી લોકોનો મૂડ અને દિવસ બંને સુધારે છે. બાંદરા ઈસ્ટના કલાનગરમાં કોઈ ગુપ્તાજી તો નથી, પણ એક ગુજરાતીએ તેની ચટપટી ભેળનો સ્વાદ અમારી દાઢે વળગાડ્યો છે.
ADVERTISEMENT
View this post on Instagram
જી હા! ‘અમારી દાઢે વળગાડ્યો છે.’ બાંદરા ઈસ્ટના કલાનગર સ્થિત RNA કૉર્પોરેટ પાર્કની સામે બરાબર સામે આવેલું છે ફ્લેવર્સ (Flavours), જે આજનું આપણું ડેસ્ટિનેશન છે. ‘મિડ-ડે’ (Mid-Day)ની ઑફિસ પણ આ જ જગ્યાએ છે. અહીં ચાટ આઇટમ્સ સરસ મળે છે અને ભેળ તો અદ્ભુત મળે છે. આ ગુજરાતીનું સાહસ છે, એટલે ટેસ્ટમાં તો ‘નૉ કૉમ્પ્રોમાઇસ’. ભેળનો મેઇન જાદુ તો ઑફકોર્સ તેની ચટણીમાં જ છે. ભેળ ખાશો એટલે ગોળ-આમલીની ચટણીનો ખાટો-મીઠો ટેસ્ટ દરેક ચમચીમાં આવશે.
ખાસ વાત એ છે કે અહીં ભેળમાં બધુ જ દિલથી પડે છે. કાંદા-ટામેટાં તો ખરા જ પણ સાથે-સાથે સિંગ, પૂરીનો ચૂરો, મસાલા દાળ બધી જ આઈટમથી ભરપૂર હોય છે આ ચટપટી ભેળ. અન્ય કરતાં સાવ જ જુદું અહીં ગાર્નિશિંગ માટે સેવ અને કોથમીર સાથે ગાજર અને બીટનું છીણ પણ નખાય છે અને દાડમના દાણા પણ. ક્વોન્ટિટી પણ ઘણી છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં દુકાનના માલિક જિતેન્દ્ર શાહ કહે છે કે, “પહેલાં આ જ જગ્યાએ મારી કટલરીની દુકાન હતી, પણ મને ફૂડ બિઝનેસમાં રસ હતો. એટલે મેં ૨ વર્ષ પહેલાં ‘ફ્લેવર્સ’ શરૂ કર્યું અને હવે તો કહેવાની જરૂર નથી કે લોકોને ટેસ્ટ દાઢે વળગ્યો છે. લોકો અવારનવાર આવે છે.”
આ પણ વાંચો: Sunday Snacks: કોરિયન નૂડલ્સનો સ્વાદ લેવા કોરિયા નહીં જવું પડે, કાંદિવલીમાં જ કામ થઈ જશે
બાંદરાના આ કૉર્પોરેટ વિસ્તારમાં નાસ્તો કરવા માટે ઑપ્શન ખૂબ જ મર્યાદિત છે. તો હવે જો કોઈ કામથી તમે કલાનગર કે BKC આવો તો આ ભેળ નહીં ભૂલતા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.