સન્ડે સ્નૅક્સમાં આજે ટ્રાય કરો મહાવીર નગરના સ્પેશિયલ ઢોકળા
Sunday Snacks
પૂજા ખમણ હાઉસના બાર્બીક્યૂ ઢોકળા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ફિલ્મ ‘૩ ઈડિયટ્સ’માં કરીના કપૂરનો એક ડાયલોગ ખૂબ જ ફેમસ છે – ‘તુમ ગુજરાતી લોગ ઇતને ક્યૂટ હોતે હો; પર તુમ લોગોં કા ખાના ઇતના ખતરનાક ક્યું હોતા હૈ? ઢોકલા, ફાફડા, હાંડવા, થેપલા; ઐસા લગતા હૈ જૈસે મિસાઇલ્સ હૈ.’ આ ડાયલોગમાં હજી ૫-૨૫ વનગીઓના નામ ઉમેરી દઈએ તો પણ ગુજરાતીઓનું જમણ પૂરું નહીં થાય. બસ, આ તો માહિતી ખાતર.
ADVERTISEMENT
આ ડાયલોગ સાથે વાત શરૂ કરવાનું કારણ એટલું જ કે આજે આપણે વાત કરવાની ખમણ અને ઢોકળાની – ‘ખમણ ઢોકળા’ની નહીં. બંને જ વાનગીઓ જુદી છે, પણ આપણે ગુજરાતીઓ સ્વભાવે મળતાવળા એટલે ખમણ અને ઢોકળાને આપણે એકમેકમાં ભેળવી જ દીધા છે. સીધી અને સ્પષ્ટ વાત કરીએ તો આપણી પાસે મૂળ તો બે ખમણ અને બે ઢોકળા છે. નાયલૉન (ચણાના લોટના) અને વાટીદાર (ચણાની દાળ)ના ખમણ – સફેદ (ચોખા અને અળદની દાળ) અને પીળા (ચોખા અને ચણાની દાળ)ના ઢોકળા. હવે જાત-જાતના અને ભાત-ભાતના ઢોકળા મળે છે એટલે તમે કેવી ભેળસેળ કરી છે એ જરા ચકાસીને તેના નામકરણ વિશે વિચારી લેવું.
View this post on Instagram
હવે તમે સમજી જ ગયા જ હશો કે આજે આપણે ઢોકળાની જ વાત કરવી છે, પણ હા પણ અને ના પણ – કારણ કે વાત ખાલી ઢોકળાની જ નહીં પણ સાથેસાથે એવા મિસાઇલ મેનની પણ કરીશું, જેમણે ઢોકળાને ખૂબ જ યુનિક અને નવો સ્વાદ આપ્યો છે. બસ, પછી શું અમને જેવી આ સ્ટૉલ ખબર પડી અમે તો પહોંચી ગયા, પણ ત્યાં પહોંચીને ખબર એ પણ પડીને ઢોકળાની સ્પેશિયલ વેરાયટી માત્ર રવિવારે જ મળે છે. અરે હા... સ્ટૉલનું નામ છે ‘પૂજા ખમણ હાઉસ’ (Pooja Khaman House) અને આ આવેલો છે મહાવીર નગર (Mahavir Nagar)માં સારસ્વત બૅન્કની બરાબર સામે.
અહીં રવિવારે સ્પેશિયલ દાબેલી ઢોકળા, મેયોનિઝ ઢોકળા, સિઝલર ઢોકળા અને બાર્બીક્યુ ઢોકળા પણ મળે છે. રીલમાં તમે તેનું મમેકિંગ તો જોઈ જ લીધું હશે. જોકે, તેમનું મેન્યૂ અહીં પૂરું થતું નથી. અહીં બંને ખમણ અને ગરમા-ગરમ સેવ ખમણી તો મળે જ છે, પણ સાથેસાથે કૉઇન ઇડલી પણ મળે છે. એમાં પણ ત્રણ વેરાયટી છે મસાલા, પાલક અને દાળની હેલ્ધી ઇડલી. અમે તો બધુ જ ચાખ્યું અને ખરેખર મજા પડી ગઈ.
પૂજા ખમણ હાઉસના માલિક કૌશિક પટેલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવ્યું કે, “વર્ષોથી અમારી જગ્યા અને ગ્રાહકો ફિક્સ છે. સામાન્ય દિવસોમાં તો ખમણ અને ખમણી જ મળે છે, પણ રવિવારે ઢોકળાની બધી જ વેરાયટી મળે છે અને દાલ પકવાન પણ મળેછે. રવિવારે સવારે ૬ વાગ્યાથીઅમારો સ્ટૉલ શરૂ થઈ જાય છે.”
તો આ રવિવારે જરૂર જજો આ નવી વેરાયટીના ઢોકળા ટ્રાય કરવા અને નામકરણનું પણ જરા જોઈ જ લેજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.