આજે ટ્રાય કરો થાણેનું ફેમસ મામલેદારનું મિસળ
સન્ડે સ્નૅક્સ
મામલેદાર મિસળ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
ખાવાના શોખીન મુંબઈગરાં માટે વડા-સમોસાં સિવાય બીજા નંબરનું ઇન્સ્ટન્ટ સ્નૅક્સ હોય તો તે મિસળ છે અને વાત જ્યારે મિસળની હોય ત્યારે અચૂક પહેલું નામ જે મગજમાં આવે એ છે ‘મામલેદાર મિસળ’ (Mamledar Misal). તો ચાલો આજે મુલાકાત લઈએ છેલ્લાં લગભગ ૭૦ વર્ષથી મુંબઈ અને થાણેના નિવાસીઓને મિસળનો ચટાકો કરાવનાર આ જોઇન્ટની.
ADVERTISEMENT
મામલેદાર નામ પાછળની વાર્તા પણ રસપ્રદ છે. મામલેદાર મિસળની શરૂઆત ૭૦ વર્ષ પહેલાં તહેસીલદારની ઑફિસ કેન્ટીનથી થઈ હતી. તે સમયે તહેસીલદાર, મામલેદાર તરીકે પણ ઓળખાતા. ગવર્મેન્ટ ઑફિસનું આ મિસળ ધીમે-ધીમે તેના સ્વાદને લીધે એટલું બધું ફેમસ થઈ ગયું કે લોકોએ જ તેને ‘મામલેદાર મિસળ’નું નામ આપ્યું.
આમ તો ‘મામલેદાર મિસળ’ના વેસ્ટર્ન અને સેન્ટ્રલ લાઇનમાં કુલ લગભગ ૨૦ જેટલા આઉટલેટ્સ છે, પરંતુ તેની શરૂઆત દાયકાઓ પહેલાં થાણેમાં થઈ હતી. થાણે સ્ટેશનથી વેસ્ટમાં બહાર આવી બેથી ત્રણ મિનિટ ચાલીને પહેલો લેફ્ટ લેશો કે તમે પહોંચી ગયા આ ફેમસ મામલેદાર મિસળના આઉટલેટ પર. આ આઉટલેટ પર નીચે તો માત્ર પાર્સલ કાઉન્ટર જ છે, પરંતુ ઉપર આવેલી છે હોટલ આમંત્રણ જે તેમના ફૂડ બિઝનેસનો જ એક ભાગ છે. અહીં શાંતિથી બેસીને તમે તીખા-તમતમતા મિસળની જ્યાફત ઉડાવી શકો છો.
અહીં પહોંચો અને તમને તરત ખાલી ટેબલ મળી જાય તો તમારા નસીબ સમજો બાકી આ સ્વાદિષ્ટ મિસળનો ચટકારો કરવા તમારે થોડીવાર તો લાઇનમાં ઊભું રહેવું જ પડશે. ભારે મને થોડીક રાહ જોયા બાદ તમે અંદર પ્રવેશ લેશો એટલે ત્યાંનો કૉઝી સિટિંગ એરિયા જોઈને તમારી મિસળ ખાવાની આતુરતા વધી જશે. વૅલ અહીં તમને દહીં મિસળ સિવાય બીજી કોઈ વેરાયટી મળવાની નથી એટલે મેન્યૂ જોયા વગર જ મિસળ મગાવી લેશો તો કોઈ વાંધો નથી.
પણ હા તમારા સ્વાદ મુજબ તીખું, મીડિયમ અથવા એકદમ ઓછું તીખું કેવું મિસળ જોઈએ છે તે જરૂર જણાવી દેજો. જોકે ઑર્ડર આપ્યા બાદ તમારે મોઢામાં આવતા પાણીને વધુ વાર અટકાવવાની જરૂર નહીં પડે કારણ કે જેટલું મોટું નામ એટલી જ ફાસ્ટ સર્વિસ પણ છે. તરત જ મિસળની પ્લેટ તમારા ટેબલ પણ હાજર થઈ જશે, લાલ-ચટક તરીવાળું મિસળ અને સાથે જ ઝીણાં સમારેલા કાંદા, બે પાઉં અને લીંબુનો નાનકડો ટુકડો.
પાઉંના એક બાઇટ સાથે તમે જેવો મિસળનો સ્વાદ માણશો કે તરત જ તમે જાણી જશો કે તમારો આ થાણે ફેરો સફળ થયો. અહિયાં મળતા મિસળની ખાસ વાત એ છે કે મિસળ અને તરીની કન્સિટન્સી એકદમ પરફેક્ટ છે, જે તેને એક પરફેક્ટ બ્રન્ચ બનાવે છે. આખી પ્લેટ મિસળની આરોગી લીધા બાદ જો તેની અસર સ્વાદેન્દ્રિય સાથે બીજી ઇન્દ્રિયો પર પણ થઈ હોય, કાનમાંથી ધુમાળો અને મોઢામાંથી પાણી નીકળતું હોય તો છેલ્લે એક મસાલા છાસ પણ મગાવી જ લેજો. તેનો સ્વાદ પણ તમને અહીં ફરી આવવા પર મજબૂર કરી દેશે.
આ પણ વાંચો: Sunday Snacks: માટુંગા આમ તો સાઉથ ઇન્ડિય ફૂડનો અડ્ડો છે પણ રામાશ્રય ખાસ છે
જો તમે અહીં પહોંચવાની જફા ખેડવા માગતા ન હો તો તમે આ નજીકના આઉટલેટમાંથી ઓનલાઈન પણ ઑર્ડર કરી શકો છો. તો હજી જો તમે આ મિસળ ટ્રાય ન કટયું હોય તો રવિવારે આ ખોટ પૂરી કરી લેજો. ફરી મળીશું આવતા શનિવારે અને તમને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.