આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો થાણેના સ્પેશિયલ ગજાનનના વડાપાઉં, જે ફેમસ છે તેની પીળી ચટણી માટે
Sunday Snacks
તસવીર: ગજાનન વડાપાઉં
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈમાં બેસ્ટ વડાપાઉં ક્યાં મળે છે? એનું લિસ્ટ બનાવો તો દહિસરના ચંગુ-મંગુના વડાપાઉંથી ચર્ચગેટના આરમના વડાપાઉં સુધી મુંબઈના દરેક સબર્બમાં કોઈને કોઈ ફેમસ વડાપાઉં વાળો મળી જ જશે. આ તો થઈ મુંબઈ (Sunday Snacks)ની વાત, પણ વાત જ્યારે વડાપાઉંની હોય ત્યારે મુંબઈની આજુબાજુના જિલ્લાઓ સહિત સંપૂર્ણ મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં કંઈક જુદી, નવું અને વધારે સ્વાદિષ્ટ મળી રહેશે.
ADVERTISEMENT
આજે વાત કરવી છે થાણે જિલ્લાની. થાણેમાં પણ એક એવો ફૂડ જોઇન્ટ છે, જ્યાં વડાપાઉં ખાવા માટે લોકો પડાપડી કરે છે. નવાઈની વાત એ છે કે અહીં લોકો વડાપાઉંના સ્વાદને કારણે નહીં, પરંતુ અહીં વડાપાઉં સાથે સર્વ થતી ખાસ ચટણી ખાવા આવે છે. થાણેના ‘ગજાનન વડાપાઉં’માં વડાપાઉં સાથે સર્વ થાય છે ખાસ પીળી ચટણી. હા, લાલ-લીલી નહીં પણ પીળી ચટણી અને આ ચટણી જ તેમની યુએસપી છે.
થાણે વેસ્ટમાં છત્રપતિ સંભાજી રોડ પર આવેલા ‘ગજાનન વડાપાઉં’ (Gajanan Vada Pav)ને આમ તો કોઈ એડ્રેસની જરૂર નથી. થાણે સ્ટેશનથી બહાર નીકળીને કોઈને પણ થાણેકરને પૂછશો તો એ એક સેકેન્ડનો પણ વિરામ લીધા વિના રસ્તો બતાવી દેશે અને બાકી ગૂગલ બાબા જિંદાબાદ તો છે જ. આ જગ્યા સવારે ૭.૩૦થી રાત્રે ૯.૩૦ વાગ્યા સુધી અહીં ધમધમે છે. દુકાન ખૂલે ત્યારથી જ લોકો ગરમા-ગરમ વડાપાઉં લેવા માટે લોકો પડાપડી કરે છે. એટલે તમે ગમે તે સમયે જાઓ પણ તમારે ૨-૫ મિનિટ લાઇનમાં ઊભા રહેવાની તૈયારી રાખવી પડશે.
મૂળ ૧૯૭૮માં શરૂ થયેલા ‘ગજાનન વડાપાઉં’ના સ્વાદની વાત કરીએ તો ખરેખર મુંબઈમાં મળતાં વડાપાઉંને ટક્કર મારે એવો સ્વાદ છે. વડાના માવામાં લસણનો વઘાર અને મસાલો એકદમ પરફેક્ટ છે. હા, થોડું તીખું જરૂર હોય છે, પણ ચટણી સાથે તેનો સ્વાદ થોડો બેલેન્સ થઈ જાય છે. અગાઉ કહ્યું એમ અહીં વડાપાઉં મહારાષ્ટ્રીયન ઠેચા અને ચણાના લોટની મરચાંવાળી ચટણી સાથે સર્વ થાય છે.
ગજાનનના વડાપાઉં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને કિરણ કરમરકર જેવા મરાઠી કલાકારોને પણ પ્રિય હોવાનું ઈન્ટરનેટ સૂચવે છે. બોલિવૂડ કે ઢોલિવૂડની તો અમને ખબર નથી, પણ એટલું તો ચોક્કસ કે અહીંના વડાપાઉં ખાવા સ્પેશિયલ થાણેનો ધક્કો ખાવો પણ વર્થ છે.
તો હવે આ રવિવારે મેગા બ્લોકનું શેડ્યૂલ જોઈને જરૂર જજો થાણેના આ અદ્ભુત વડાપાઉં અને ચટણી ટ્રાય કરવા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.