આજે ટ્રાય કરો મલાડના ખાસ `ઈંદોરી પોહા`
પોહા હાઉસ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
એક ખૂબ જ જૂની કહેવત છે ‘રાજાની જેમ નાસ્તો કરો, રાજકુમારની જેમ લંચ કરો અને કંગાળ જેવું ડિનર કરો.’ વાતનો સાર એમ કે સવારનો નાસ્તો પેટ ભરીને કરવો જોઈએ અને તે પણ થોડો હેલ્ધી હોય તો તેના જેવી ઉત્તમ વાત બીજી શું હોય? તેથી જ લોકો સામાન્યપણે નાસ્તામાં પૌંઆ ખાવાનું પસંદ કરતાં હોય છે.
ADVERTISEMENT
જે લોકો મધ્યપ્રદેશને જાણે છે એમને ખ્યાલ હશે કે ત્યાંનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે પોહા એટલે કે પૌંઆ… માટે ઈંદોરી પોહા એટલે કે પૌંઆ તો ખાવા જ રહ્યા. મધ્યપ્રદેશના આ પોહા ગુજરાતીઓના બટેટાં પૌંઆ અને મહારાષ્ટ્રના કાંદા પૌંઆ કરતાં જુદા છે. આ પૌંઆમાં કાંદા સાંતળીંને નખાતા નથી, પણ ઉપર કાંદા, રતલામી સેવ, દાડમ અને બુંદી ગાર્નિનિશિંગ સમયે ભભરાવાય છે. તો ચાલો આજે જઈએ એક આવી જ જગ્યાએ જ્યાં ઈંદોરી પોહા (આપણા માટે પૌંઆ) તો ખૂબ સરસ મળે છે, પણ સાથોસાથ તેની જુદી-જુદી વેરાયટી પણ મળે છે.
મલાડ (Malad) વેસ્ટમાં લિન્ક રોડ પર એવરશાઇન મૉલ નજીક આવેલું છે ‘પોહા હાઉસ’ (Poha House). નામ જેટલું રોમાંચક છે એટલા જ સ્વાદિષ્ટ પૌંઆ અહીં મળે છે. ખાસ વાત એ છે કે રેગ્યુલર ઈંદોરી પોહા સાથે જ અહીં ચીઝ પોહા, પેરી-પેરી પોહા, કૉર્ન પોહા, મિસલ પોહા, પિત્ઝા પોહા જેવી પોહાની કુલ 16 વેરાયટી મળે છે. ઈંદોરી, પેરી-પેરી અને મિસલ પોહા તેમની બેસ્ટ સેલર આઈટમ છે.
અમે અહીં ટ્રાય કર્યા ઈંદોરી અને પેરી-પેરી પોહાની વેરાયટી. ટેસ્ટ તો અદ્ભુત છે જ પણ સાથે ગાર્નિનિશિંગ એવું કે જોતાં જ તમને ખાવાની ઈચ્છા જાગે. પૌંઆનું બાઉલ ભરાય પછી તેની ઉપર કાંદા, રતલામી સેવ, પૌંઆનો ખાસ મસાલો છાંટવામાં આવે. અહીં મળતા પૌંઆની ખાસ વાત એ છે કે તેનો સ્વાદ એકદમ બેલેન્સડ છે, નથી આગળ પડતો તીખો કે નથી ગળ્યો.
હર્ષ પારેખ સાથે દેવેન ગાંધી
પોહા હાઉસ સાળા-જીજાજી દેવેન ગાંધી અને હર્ષ પારેખનું સહિયારું સાહસ છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં પોહા હાઉસના માલિક હર્ષ પારેખ જણાવે છે કે “વર્ષ 2018માં અમે આ આઉટલેટ શરૂ કર્યું હતું. અમારું આઉટલેટ 24x7 ખુલ્લું હોય છે, જે તેને ખાસ બનાવે છે. ગમે તે સમયે તમે આવો ગરમા-ગરમ અને ફ્રેશ પોહા મળશે. અમારું એક આઉટલેટ બોરીવલીમાં પણ છે. સાથે જ ટૂંક સમયમાં વધુ આઉટલેટ શરૂ કરીશું.”
પૌંઆ સાથે જ ઈંદોરી સમોસાં અને બીજા નાસ્તા પણ મળે છે. તો આ રવિવારે પૌંઆનો નાસ્તો જરૂર કરજો. તમે ઘરે બેઠા સ્વીગી અને ઝોમેટો પરથી પણ ઑર્ડર કરી શકો છો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
આ પણ વાંચો: Sunday Snacks: ઇન્ટરનેટ પર છવાયેલા આ ઇડલી સ્ટૉલની શું છે ખાસિયત? જાણો અહીં