આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો બોરીવલીની સ્પેશિયલ મુંબઈ મસાલા ટોસ્ટ
Sunday Snacks
એલપી સેન્ડવીચ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈમાં ઢગલાબંધ જગ્યાઓ એવી છે કે સ્વાદિષ્ટ સેન્ડવીચ મળે છે. તમે અચૂક એવા ખાવાના શોખીનોના સંપર્કમાં આવ્યા જ હશો, જેમણે તમને કહ્યું હશે કે ફલાણી-ફલાણી જગ્યાની સેન્ડવીચ સરસ છે કે ખાસ આ સેન્ડવીચ તો અફલાતૂન છે. પણ આજે આપણે એક એવી જગ્યાએ જવાનું છે, જ્યાં સેન્ડવીચ કરતાં પણ તેની ચટણી ખાવા લોકો પડાપડી કરે છે. અહીં સેન્ડવીચની બહુ બધી વેરાયટી તો નથી મળતી પણ જે મળે છે એ બેસ્ટ છે.
ADVERTISEMENT
આ સ્ટૉલ આવેલો છે બોરીવલી વેસ્ટ (Borivali)માં સ્ટેશનથી માત્ર ૧૦ મિનિટના અંતરે રોકડિયા લેનમાં – નામ એલપી સેન્ડવીચ (LP Sandwich). અહીં કોઈ ખોટો તામજામ નથી, માત્ર એક બાકડો છે. વરસતા વરસાદમાં બાજુમાંથી પસાર થાઓ તો ટોસ્ટ થતી સેન્ડવીચની સુગંધ તમને એ સ્ટૉલ તરફ ખેંચી જશે. અહીં ત્રણ વસ્તુ ખૂબ વેચાય છે રેગ્યુલર મસાલા ટોસ્ટ, ચીઝ ચીલી ટોસ્ટ અને ચીઝ આલુ સ્લાઇઝ. અમે ત્રણેય વસ્તુ ટેસ્ટ કરી અને ખરેખર મજા પડી ગઈ.
મસાલા ટોસ્ટમાં બટેટાનો માવો ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર છે. હા, અહીં બધી જ આઈટમ ત્રણ ચટણી સાથે સર્વ થાય છે. પહેલી તીખી લીલી ચટણી, કોપરાની સફેદ ચટણી અને લસણની લાલ ચટણી. લીલી ચટણી અને ટોસ્ટનો મસાલો જાલીમ તીખો છે એટલે બંને સાથે ખાશો તો કાનમાંથી ધુમાડો નીકળવા લાગશે. આ જ તીખાસને બેલેન્સ કરવા જ કોપરાની ચટણી પણ સર્વ કરવામાં આવે છે.
હવે વાત ચીઝ ચીલી ટોસ્ટની, મૂળ તો આમાં કેપ્સિકમ, કાંદા અને ટામેટાં જ હોય છે. ત્રણેય વસ્તુઓને ઝીણી-ઝીણી સમારી તેમાં મસાલા અને ચીઝ ખમણી ફિલિંગ તૈયાર કરવામાં આવે છે. અહીં માત્ર અમૂલનું રેગ્યુલર ચીઝ વપરાય છે અને ટોસ્ટ થયા પછી આ ચીઝી સેન્ડવીચના સ્વાદમાં ચાર ચાંદ લાગી જાય છે.
ગુજરાતી મિડ-ડે સાથે વાત કરતાં સ્ટૉલના માલિક એલપી જણાવે છે કે, “મને આ જગ્યાએ ૨૦ વર્ષ થઈ ગયા છે. કોવિડ પહેલા દુકાન પણ શરૂ કરી હતી, પરંતુ બીજી લહેર સમયે છોડી દેવી પડી. હવે અમારો સ્ટૉલ સાંજે ૪ વાગ્યાથી રાત્રે ૧૦.૩૦ સુધી ખુલ્લો હોય છે.”
તમને ખબર છે? મુંબઈ મસાલા ટોસ્ટ કિયારા અડવાણીની ફેવરેટ છે. તો આ રવિવારે મુંબઈ મસાલા ટોસ્ટનો સ્વાદ માણજો અને ચીઝ ચીલી ખાવાનું તો જરાય નહીં ચૂકતા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.