Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > Sunday Snacks: સીઝનનો પહેલો રસ ખાવા ક્યાં જવાનો વિચાર છે?

Sunday Snacks: સીઝનનો પહેલો રસ ખાવા ક્યાં જવાનો વિચાર છે?

Published : 23 March, 2024 11:14 AM | IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો આઇકોનિક રેસ્ટોરાં પંચમ પૂરીવાલાની સ્પેશિયલ આમરસ પૂરી

તસવીર: ગૌરવ બાબેલ

Sunday Snacks

તસવીર: ગૌરવ બાબેલ


વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.


ઉનાળો શરૂ થઈ ગયો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈમાં અત્યારથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. આ ગરમીથી બચવાનો સ્વાદિષ્ટ રસ્તો (Sunday Snacks) એટલે પક્કી અને રસાળ હાફૂસ કેરી અને તેનો ઠંડો મીઠો-મધુર રસ. આવી ગરમીમાં ગરમા-ગરમ પૂરી અને ઠંડો-ઠંડો રસ મળી જાય તો પછી બીજું શું જ જોઈએ?



પૂરીનું નામ પડે એટલે પહેલાં યાદ આવે ‘પંચમ પૂરીવાલા’ (Pancham Puriwala). સાઉથ બોમ્બેમાં આવેલી આ રેસ્ટોરાં સીએસએમટી સ્ટેશન કરતાં પણ જૂની છે અને આજે પણ ધમધમે છે. લગભગ 1840ના દાયકામાં પંચમ શર્માએ આગ્રાના પ્રખ્યાત તાજમહેલથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલા તેના મૂળ ગામ ટુંડલા છોડીને મુંબઈ આવવાનું નક્કી કર્યું. પોતાનું ગુજરાન ચલાવવા માટે તેણે પૂરી ભાજી – સૂકી બટેટાની ભાજી અને કોળુ (કડ્ડુ)ના શાક સાથે પીરસવાનું શરૂ કર્યું.


આમ પંચમ પુરીવાલા (Pancham Puriwala)ની શરૂઆત એક નાનકડા સ્ટૉલ તરીકે થયો હતો, જ્યાં પાંચ પૂરીની પ્લેટ પીરસાતી હતી. પહેલેથી જ અહીં શાક અનલિમિટેડ પીરસાય છે, જે પ્રથા આજે પણ ચાલુ છે. આજે તેમની પાંચમી પેઢી સંદીપ શર્મા, અનુપમ અને અક્ષય આ રેસ્ટોરાં ચલાવે છે. તેમના કાકા અમરનાથ આજે પણ અઠવાડિયામાં એકવાર અહીં ચોક્કસ આવે છે. શરૂઆતમાં આ સ્ટૉલ ગીબ્બત તળાવની સામે હતો, જે ફાંસી તળાવ તરીકે પણ જાણીતું છે. વર્ષ 1880ના દાયકાના અંત ભાગમાં અથવા 1890ના દાયકાના પ્રારંભમાં સીએસએમટી સ્ટેશનની બરાબર સામે, પેરીન નરીમન સ્ટ્રીટ પર હાલના સ્થળે આ રેસ્ટોરાં શરૂ થઈ.

અગાઉ વિક્ટોરિયા ટર્મિનસ તરીકે જાણીતું સીએસએમટી સ્ટેશન 1887માં બાંધવામાં આવ્યું હતું. આમ આ રેસ્ટોરાં સીએસએમટી સ્ટેશન કરતાં પણ જૂની છે. નરગીસ દત્ત, રાજેશ ખન્ના, રાજ બબ્બર, આર્ટિસ્ટ એમ એફ હુસૈન અને અશોક ચવ્હાણ જેવા રાજકારણીઓની પણ આ જગ્યા ફેવરેટ હોવાનું મનાય છે. કહેવાય છે કે મહાત્મા ગાંધીએ પણ અહીંનું ભોજન માણ્યું છે અને ઇન્દિરા ગાંધી અહીંથી પૂરી ભાજીની થાળી લાવવા માટે હંમેશા કોઈને મોકલતા, જોકે તેની પુષ્ટિ કરવાનો કોઈ રસ્તો નથી.


વેલ, આ તો ઇતિહાસની વાત થઈ પણ ખાસ વાત એ છે કે આજે પણ તેમણે તે સ્વાદ અને ક્વોલિટી જાળવી રાખ્યા છે. પૂરી ભાજી, છોલે પૂરી અને પંચમ થાળી અહીંની હૉટ સેલિંગ આઇટમ્સ છે. તમારે જો રસ પૂરી માણવા હોય તો આમરસ પૂરી પણ ઑર્ડર કરી શકો છો. અહીં રેગ્યુલર, મસાલા, પાલક અને બીટ જેવી પાંચ વેરાયટીની પૂરી મળે છે. જો તમે ભર બપોરે અહીં જશો તો તમારે લગભગ અડધો કલાક તો રાહ જોવી જ પડશે – આ તો માત્ર જાણ ખાતર.

તો હવે આ રવિવારે સીઝનનૉ પહેલો રસ ખાવા જરૂર જજો પંચમ પૂરીવાલા. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

Whatsapp-channel Whatsapp-channel

23 March, 2024 11:14 AM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK