આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો દિલ્હી સ્ટાઇલ છોલે ભટુરે
Sunday Snacks
ઓય પાજીના છોલે ભટુરે
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈગરાને જેમ વડપાઉંનું વળગણ છે, તેમ જ દિલ્હીવાસીઓને છોલે ભટુરેનું વળગણ છે. ખોટું લાગે તો વિરાટ કોહલીને પુછી જુઓ, પૂર્વ ભારતીય કેપ્ટનનો છોલે ભટુરે પ્રેમ કોઈનાથી છુપો નથી. દિલ્હીના છોલેમાં ભેળવવામાં આવતા મસાલાની જોડ નહીં જ મળે. કહેવાય છે કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી, તે જ રીતે મુંબઈમાં સંખ્યાબંધ જગ્યાએ મળતા ‘દિલ્હીના છોલે ભટૂરે’ (Delhi Style Chhole Bhature) દિલ્હી જેવા બિલકુલ નથી હોતા.
ADVERTISEMENT
પણ જો તમારે દિલ્હીવાળા ઑથેન્ટિક અથવા એમ કહો કે દિલ્હીમાં મળે છે લગભગ એવા જ છોલે ખાવા હોય તો અમે ખરેખર સ્વાદિષ્ટ જગ્યા શોધી છે – હા એટલે એમ જ કે જગ્યા શોધી છે, જ્યાં સ્વાદિષ્ટ છોલે ભટુરે મળે છે. ગોરેગાંવ ઈસ્ટ (Goregaon)માં સોનાવાલા રોડ પર, બ્રિજવાસી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલું છે ‘ઓય પાજી’ (Oye Paaji)નું આઉટલેટ. આ જગ્યા ગોરેગાંવ સ્ટેશનથી પાંચ જ મિનિટના અંતરે છે. સ્ટેશનથી ગૂગલ મેપ પર લોકેશન શરૂ કરીને ચાલવાનું શરૂ કરશો તો ક્યારે પહોંચી ગયા ખબર નહીં પડે.
View this post on Instagram
અહીં તમને છોલે ભટુરે, છોલે ચાવલ, રાજમા ચાવલ, પનીર ભૂરજી અને પરાઠા સહિત દિલ્હી ચાટ પણ મળી જશે. સવારે ૧૧ વાગ્યે આ આઉટલેટ ખૂલે છે. અમે તો ખૂલતાની સાથે જ ધામો નાખ્યો. કિચનમાંથી ગરમા-ગરમ છોલે અને રાજમાની સુગંધ આવતી હતી. ઝટપટ છોલે ભટુરેનો ઑર્ડર આપ્યો. તેમણે પણ તરત લુઆમાં તૈયાર પનીરનું સ્ટફિંગ ભર્યું અને હાથેથી જ રોટલા ઘડે એમ ભટુરા તૈયાર કરીને ઉકળતા તેલમાં માત્ર ગણતરીની સેકન્ડ માટે નાખ્યા અને આંખના બે પલકારામાં તો તે સરસ ફૂલીને તૈયાર થઈ ગયા.
બીજી બાજુ એક પડિયામાં ગરમા-ગરમ છોલે કાઢી એમાં શીંગદાણાવાળી લીલી ચટણી નાખી – બીજા પડિયામાં કાંદા, આથેલા મરચાં અને આથેલી કેરી સાથે છલોછલ ભરાય અને પરફેક્ટ છોલે ભટુરેની પ્લેટ તૈયાર. આ પ્લેટની ૨-૩ ખાસ વાત છે. મેઇન તો છોલેમાં ચટણી નાખ્યા પછી ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. બીજું ભટુરા એકદમ પરફેક્ટ છે, જરાય ચવળ નહીં કે જરાય તેલ રહી ગયું હોય એવા નથી અને ત્રીજું મરચાં અને ખાસમખાસ તો આથેલી કેરી અત્યંત સ્વાદિષ્ટ છે. આવી કેરી તમે ભાગ્યે જ ખાધી હશે.
અમે ત્યાં પહોંચ્યા ત્યારે અમને માલિક સાથે તો મુલાકાતનો લાહવો ન મળ્યો પણ કેશિયર રિતેશે માહિતી આપી કે આઉટલેટ ખૂલ્યાને માંડ હજી અઢી મહિના થયા છે. સવારે ૧૧થી રાત્રે ૧૦.૩૦ સુધી આ આઉટલેટ ખુલ્લુ હોય છે.
તો હવે આ રવિવારે જરૂર જજો - ઓય પાજી. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.