આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો એ-૧ સમોસાના સ્પેશિયલ ચટપટા સમોસા
Sunday Snacks
તસવીર: એ-૧ સમોસાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
આમ તો મુંબઈ (Sunday Snacks)નું ગો ટુ ફૂડ વડાપાંઉ છે અને એનો મોભો બીજું કોઈ છીનવી શકે એમ નથી. છતાં વડાપાંઉ પછી સૌથી વધુ ખવાતું સ્ટ્રીટ ફૂડ જો કોઈ હોય તો એ સમોસા છે. મુંબઈમાં દર ૧૦૦ મીટરના અંતરે તમને કોઈક ને કોઈક ફેમસ વડાં-સમોસાવાળો મળી જ રહેશે. વળી સમોસા એટલા વર્સેટાઇલ છે કે એ તમને ૧૦ રૂપિયાથી લઈને ૫૦૦ રૂપિયા સુધીની રેન્જમાં મળે છે. મૂળ પર્શિયન એવી આ વાનગી ભારતીયો એટલા ચાઉંથી ખાય છે કે જાણે વાસ્કો ડી ગામાને ભારત જળ્યું એની પહેલાંથી સમોસા અહીં બનતા હોય.
ADVERTISEMENT
ઇન્ટરનેટ ફંફોસશો ખબર પડે છે કે સમોસા મૂળ પર્શિયાના હતા. ફૂડ-હિસ્ટોરિયન તરીકે જાણીતા જ્ઞાની વ્યક્તિ કુરુશ દલાલના મતે એ જમાનામાં પર્શિયા અને ટર્કી જુદાં નહોતાં એટલે સમોસા ટર્કીશ અને પર્શિયન દેણ છે એમ કહેવાય. એ સમ્બુસાક અથવા તો સમ્બુસા તરીકે ઓળખાતા અને એના પરથી અપભ્રંશ થઈને આપણા માટે એ સમોસા બની ગયા. જોકે અત્યારે જે સમોસા મળે છે એમાં અને ઓરિજિનલ ટર્કીશ ડિશમાં બહુ ફરક છે. એમાં બીફ અને નૉન-વેજ જ વપરાતું. ખીમામાં ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવતાં અને બૅક કરીને ખવાતા. સમયાંતરે એને શૅલો ફ્રાય અને પછી ફ્રાય કરવામાં આવ્યા. એ વખતે પણ સમ્બુસાક ઘીમાં જ ફ્રાય થતા. હા, એ વખતે પણ ત્યાં ઘી વપરાતું જ હતું.
સમોસાની ઐતિહાસિક વાર્તામાં ઊંડા ન ઉતરતા હવે વાત મુંબઈના એ-૧ સમોસા (A-1 Samosa) સ્પૉટની. સાયન (Sion)માં આવેલા ગુરુકૃપા રેસ્ટોરન્ટની બરાબર સામે આવેલી છે એક એવી દુકાન, જ્યાં માત્ર ને માત્ર સમોસા મળે છે. અહીં એક નહીં અનેક પ્રકારના જુદા-જુદા ફિલિંગવાળા સમોસા મળે છે. જાણે કોઈએ સમોસાનું એક્ઝિબિશન લગાવ્યું હોય એ રીતે લાઇનથી અહીં અનેક વેરાયટીના ગરમા-ગરમ સમોસા મૂકેલા હોય છે.
આ વાત છે વર્ષોથી તેના સમોસા માટે જાણીતી બ્રાન્ડ ‘એ-૧’ સમોસાની. આ જગ્યાએ ૨૦થી વધુ વેરાયટીના સમોસા મળે છે. અહીંના ખાસ તો પંજાબી સમોસા, પનીર સમોસા, પાસ્તા સમોસા, ચીઝ કોર્ન સમોસા, અને પનીર ચીલી સમોસા ખૂબ જ જાણીતા છે.
અહીં લગભગ બધા જ સમોસા ૧૫થી ૨૦ રૂપિયા નંગને ભાવે મળે છે, પણ અહીં આવનાર લોકો ૪-૫ વેરાયટીના સમોસા તો હસતાં-હસ્ત ચાખે છે. અહીં સમોસાંની એટલી બધી વેરાયટી મળે છે કે કોઇપણ વ્યક્તિ એકવારમાં બધી ચાખી શકે નહીં. એટલે જો તમારે બધા સમોસા ચાખવા હોય તો તમારે ઓછામાં ઓછા ચાર ફેરા કરવા રહ્યા. એ વાત જાણીતી છે કે થિયેટરમાં જ્યારે પોપકોર્નની જગ્યાએ સમોસા વધુ પ્રચલિત હતા, ત્યારે આ જ બ્રાન્ડ મુંબઈના અનેક થિયેટર્સમાં તેમના સ્વાદિષ્ટ સમોસા પહોંચાડતી હતી.
તો હવે આ રવિવારે જરૂર મણજો એ-૧ સમોસાનો સ્વાદ. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.