Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > Sunday Snacks: જાણો દાબેલીનું પારસી કનેક્શન તથા માણો ઠાકુર વિલેજની યુનિક દાબેલી

Sunday Snacks: જાણો દાબેલીનું પારસી કનેક્શન તથા માણો ઠાકુર વિલેજની યુનિક દાબેલી

Published : 17 December, 2022 11:08 AM | Modified : 17 December, 2022 11:09 AM | IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

આજે ટ્રાય કરો ઠાકુર વિલેજની સ્પેશિયલ ચીઝ બાસ્કેટ દાબેલી

ચીઝ બાસ્કેટ દાબેલી

Sunday Snacks

ચીઝ બાસ્કેટ દાબેલી


વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.


સાંજના નાસ્તામાં લોકો દાબેલી (Kutchi Dabeli) ખૂબ પસંદ કરતાં હોય છે. કચ્છની આ વાનગી એક પરફેક્ટ ઇવનિંગ સ્નૅક્સ છે. પણ જો તમને કોઈ કહે કે દાબેલી વાનગી ભલે કચ્છની છે પણ તેને બનાવવા પાછળ પારસીઓનું મહત્ત્વનું યોગદાન છે તો તમે માનો? હા, આ વાત સાચી છે. તો ચાલો આજે જાણીએ દાબેલીનો ઇતિહાસ અને ટ્રાય કરીએ એક યુનિક દાબેલી.
આઝાદીના કેટલાક વર્ષો બાદ ૧૯૬૦ના દાયકામાં જ્યારે માંડવી (Mandvi) એક નાનકડું બંદર હતું ત્યારે પારસીઓએ ત્યાં વસવાટ કર્યો. અહીં તેમણે બેકરી શરૂ કરી ત્યારે કચ્છે પહેલીવાર પાઉંનો સ્વાદ ચાખ્યો.




આ સમયે મોહનભાઈ બાવાજી માંડવીના વિઠ્ઠલવાડી વિસ્તારમાં મસાલાવાળા બટેટા વેચતા. કાગળ પર બાફેલા બટેટાના ચાર ટુકડા કરી વધારામાં મસાલો અને લાલ મરચાની લસણવાળી ચટણી નાખીને આપતા. લોકો આ વસ્તુ હોશે હોશે ખાતા. (ગુજરાતમાં આ જ રીતે મસાલાવાળા બટેટા સાથે ભૂંગળા પણ ચાઉંથી ખવાય છે.)

વિઠ્ઠલવાડી નજીક સાંજીપડી ચોકમાં એક બેકરી હતી. આ બેકરીના માલિક રૂપનભાઈ ભાટિયા. રૂપનભાઈને આ મસાલાવાળા બટેટા બહુ ભાવતા. તે રોજ સાંજે, માણસ મોકલીને મસાલાવાળા બટેટા મગાવતા. રૂપનભાઈ તેમની બેકરીમાંથી પાઉં લઈ, તેના બે ટુકડા કરીને તેની વચ્ચે મસાલાવાળા બટેટા નાખી, હાથ વચ્ચે દબાવીને ખાતા. બાદમાં રૂપનભાઈએ આ વાનગી મોહનભાઈને આપી અને લોકોને તેનો જબરદસ્ત ચસ્કો લાગ્યો. એ રીતે હાથથી દાબેલા આ પાઉંને નામ મળ્યું `દાબેલી`.


કચ્છી દાબેલીના નામે મુંબઈમાં તેના કેટકેટલાય જુદા જ પ્રકારના ટેસ્ટ મળે છે અને ગ્રાહકોનું ધ્યાન ખેંચવા તેના પર પડે છે ચીઝ. જોકે, કાંદિવલીના ઠાકુર વિલેજ (Thakur Village)માં એક જગ્યા એવી છે જ્યાં ખરેખર દાબેલીનું એક ફ્રેન્ચ ફ્યુઝન મળે છે. નામ છે ચીઝ બાસ્કેટ દાબેલી (Cheese Basket Dabeli) પણ ફાયર દાબેલી (Fire Dabeli)ના નામે ખૂબ વખણાય છે. ઠાકુર વિલેજમાં ઠાકુર મૉલ (Thakur Mall)ની બરાબર સામે આવેલું છે શ્રી ગણેશ સ્વીટ્સ ઍન્ડ નમકીન (Shree Ganesh Sweets And Namkeen). આ દુકાનની બહાર છે શ્રી ગણેશ દાબેલી સ્ટૉલ.

અહીં મળતી દાબેલીની જાન છે, તેનો મસાલો/પુરણ માંડવીમાં જે દાબેલીનો મસાલો બને છે તે તીખો હોય છે, જ્યારે અહીં બટેટાનું પુરાણ તીખું નથી. તીખાશ છે ચટણીમાં એટલે તમને જેટલી તીખી દાબેલી ખાવી હોય એ પ્રમાણે લઈ શકો છો. અહીં દાબેલીની ચીઝ દાબેલી, શેઝવાન દાબેલી, પનીર ચીઝ દાબેલી જેવી ઘણી વેરાયટી તો મળે છે. સાથે ખાસ આઇટમ છે ચીઝ બાસ્કેટ દાબેલી.

સૌપ્રથમ બટરમાં પુરણ ગરમ કરી તેમાં ચટણી નાખી લસણનો વધાર કરાય છે. પછી આ પુરણ નાના-નાના બાસ્કેટ જેવા દેખાતા કેનપિઝમાં સ્ટફ કરી તેના ઉપર મસાલા સિંગ અને ઝીણા સમારેલા કાંદા નાખી પછી થાય ચીઝનો વરસાદ. આ ચીઝ મેલ્ટ કરવા માટે તેના ઉપર ફાયર ગનનો ઉપયોગ થાય છેલ્લે ઉપર સેવ સાથે ગાર્નિશ કરી આ યુનિક આઇટમ તમારા માટે તૈયાર.

રાજનભાઈ મારુ

કેનપિઝ દાબેલીના આઇડિયા વિશે વાત કરતાં સ્ટૉલના માલિક રાજનભાઈ મારુ કહે છે કે “કેનપિઝ દાબેલી શરૂ કરવાનો હેતુ એ હતો કે જેઓ પાઉં ન ખાતા હોય તેઓ પણ માંડવીની આ વાનગીનો સ્વાદ માણી શકે. આઇડિયા પણ આ સવાલ પરથી મળ્યો હતો. ખાસ વાત એ છે કે અમારા કેનપિઝ સ્પેશિયલી સુરતથી આવે છે અને કેનપિઝ તળેલી કે રોસ્ટેડ નહીં પણ બેક઼્ડ હોય છે.”

આ પણ વાંચો: Sunday Snacks: મુંબઈના આ વડાપાઉંની તો ગૂગલ પર પણ છે ચર્ચા

અહીં પ્યૉર જૈન દાબેલી પણ મળે છે. તો હવે રવિવારે માણજો આ નવી કેનપિઝ દાબેલી. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.

Whatsapp-channel Whatsapp-channel

17 December, 2022 11:09 AM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK