આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો બોરીવલી અને કાંદિવલીનું સ્પેશિયલ એવું જગતાપનું કોલ્હાપુરી મિસળ
Sunday Snacks
જગતાપ મિસ્સલનું સ્પેશિયલ કોલ્હાપુરી મિસળ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
કવિ નિરંજન ભગતે જે શહેરને ‘પુચ્છ વિનાની નગરી’ કહી છે એવી આપણી મુંબઈ નગરી સપનાઓનું શહેર કહેવાય છે. આવા જ એક સપના સાથે શરૂ થાય છે જગતાપ મિસળની વાર્તા. વર્ષો પહેલાં કંઈક કરવાના હેતુ સાથે સતારાથી એક યુવાન (વિકાસ મહાદેવ જગતાપ) મુંબઈ આવ્યો, શરૂઆતમાં રિક્ષા ચલાવી અને ગુજરાન ચલાવ્યું. આ સમયે તેમણે જોયું કે મુંબઈમાં પ્રોપર-ઑથેન્ટિક કોલ્હાપુરી મિસળ બહુ ઓછી જગ્યાએ મળે છે. આ કારણે તેણે મુંબઈગરાંને અસલ કોલ્હાપુરી મિસળનો સ્વાદ ચખાડવાનું નક્કી કર્યું.
ADVERTISEMENT
ઠાકુર વિલેજ (Thakur Village)ના ૧૨૦ ફીટ રોડ પર તેમણે ૧૫ વર્ષ પહેલાં એક બાકળાથી શરૂઆત કરી. જોત-જોતામાં જ લોકોની જીભે તેમના કોલ્હાપુરી મિસળ (Puneri Misal)નો સ્વાદ એવો વળગ્યો કે અહીં બપોરે અને રાત્રે ભીડ થવા લાગી. આજે બાજુમાં જ તેમનું આઉટલેટ છે અને સ્ટૉલ તો આજે પણ ચાલુ જ છે. ઠાકુર વિલેજ ઉપરાંત બોરીવલી અને મહાવીરનગરમાં પણ ‘જગતાપ મિસ્સલ’ (Jagtap Missal)ના ફ્રેન્ચાઇઝી આઉટલેટ પણ છે.
જો તમે ન જાણતા હો કે કોલ્હાપુરી-પુણેરી-નાગપુરી મિસળ વચ્ચે શું તફાવત છે તો પહેલાં તો એ જ જાણી લો. કોલ્હાપુરી મિસળને ખાસ બનાવે છે તેને તૈયાર કરવા માટે વપરાયેલા મસાલા અને કાંદા-લસણનો સ્પેશિયલ મસાલો. આ મિસળમાં વપરાતો મસાલો અન્ય મિસળમાં વપરાતા મિસળ કરતાં જુદો હોય છે.
ઑથેન્ટિક પુણેરી મિસળ મગ સાથે ઓછી મસાલેદાર લાલ તરી સાથે બનાવવામાં આવે છે. તેમાં બટેટાની સ્લાઇઝ અને સેવ-ચેવડા સાથે પોહા પણ ઉપયોગ થાય છે. જ્યારે નાગપુરી મિસળમાં મગ નહીં, પરંતુ મઠ હોય છે અને તે તરી, ફરસાણ અને કાંદે પોહા સાથે સર્વ થાય છે.
સેવ બટાટા મિસળ, વડા અને મસાલા છાસ
હવે વાત જગતાપમાં મળતાં મિસળની વાત. બોરીવલી (Borivali)માં દેવીદાસ લેન પર સેન્ટ લૉરેન્સ સ્કૂલની બરાબર સામે તેમનું આઉટલેટ છે. અમે તો આ જ આઉટલેટ પર ધામો નાખ્યો હતો. અહીં જગતાપ મિસળ (કોલ્હાપુરી મિસળ), સેવ બટાટા મિસળ, વડા મિસળ, ચીઝ મિસળ, મલાઈ પનીર મિસળ અને દહીં મિસળ મળે છે, સાથે જ વડાપાઉં અને ભજિયાં પણ મળે છે.
અમે અહીં ટ્રાય કર્યું સેવ-બટાટા મિસળ. પહેલાં વડાનો મસાલો લઈ તેના પર મિસળ સેવ અને ફરસાણ નાખી ઉપરથી તરી નાખી સાથે જ કોથીર સાથે ગાર્નિશ કરી એક ટ્રેમાં એકદમ ઝીણાં સમારેલા કાંદા બે પાઉં સાથે પ્લેટ તૈયાર. ‘આહા...!’ પ્લેટ જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને પહેલો ઉદગાર આવો જ નીકળે. પાઉંનો ટુકડો લઈ તેના પ ચમચીથી મિસળ ચડાવીને આ બાઇટ તમે મોઢામાં મૂકો એટલે જલસો પડી જાય. તીખું તમતમતું આ મિસળ તમે ખાઓ એટલે ઑથેન્ટિક કોલ્હાપુરી વાનગીની ફ્લેવર તરત ખબર પડી આવે. આ તીખા મિસળ સાથે તમે અહીંની મસાલા છાસ પણ ટ્રાય કરી શકો છો.
મલાઈ પનીર મિસળ
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં આ ફ્રેન્ચાઇઝીના માલિક તૃપ્તિ ચાંદીવાલ કહે છે કે, “સવારે સાત વાગ્યે અમારું આ આઉટલેટ ખૂલે છે અને રાત્રે ૧૧ વાગ્યા સુધી ખુલ્લુ હોય છે. સ્વીગી અને ઝૉમેટો પરથી પણ લોકો ઑર્ડર કરી શકે છે.”
View this post on Instagram
તો આ રવિવારે કોલ્હાપુરી મિસળની મજા માણજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.