આજે સન્ડે સ્નેક્સમાં ટ્રાય કરો અંધેરીનું સ્પેશિયલ સલાડ
Sunday Snacks
મેવાલાલ પાસ્તા ઍન્ડ સલાડ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈમાં મોડો-મોડો પણ શિયાળો બેઠો ખરો અને શિયાળાની ઋતુ એટલે તાજા શાકભાજી ખાઈને તાજામાજા રહેવાની ઋતુ. આ ફૂલ ગુલાબી ઠંડીમાં જો ફ્રેશ અને સ્વાદિષ્ટ સલાડ (Sunday Snacks)મળી જાય તો બીજું શું જોઈએ. આજે આપણે વાત કરવાની છે એક એવી જ જગ્યાની જ્યાં જાત-જાતના અને ભાત-ભાતના સ્વાદિષ્ટ સલાડ મળે છે.
ADVERTISEMENT
અંધેરી સ્ટેશન (Andheri)થી માત્ર ૧૦ મિનિટના અંતરે આવેલી આ જગ્યાએ તમને કૉર્ન, ચણા અને સોયા જેવા વિવિધ સલાડ તો મળશે સાથે જ વેજિટેબલ સલાડ પણ મળશે. અંધેરી ઇસ્ટમાં ઑલ્ડ નાગરદાસ રોડ પર આવેલું છે ‘મેવાલાલ પાસ્તા ઍન્ડ સલાડ’ (Mewalal Pasta and Salad). વર્ષ ૧૯૬૫માં શરૂ થયેલી આ દુકાન દાયકાઓથી ટેસ્ટી અને હેલ્ધી સલાડ પીરસી રહી છે. આમ તો અહીંનું મેન્યૂ નાનું છે, પણ વેરાયટી અઢળક છે. તમે કૉર્ન, ચણા, સોયા અને વેજિટેબલમાંથી કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો અને તમને ભાવતા સૉસ અને ચીઝ સાથે તેને માણી શકો છો.
અમે અહીં અમે અહીં ટ્રાય કર્યું તેમનું પનીર એક્ઝોટિક સોયા કૉર્ન. નામ પ્રમાણે જ તેમાં સોયા ચંક્સ, પનીર, કૉર્ન, ચણા અને એક્ઝોટિક વેજિટેબલ્સ હોય છે. પહેલાં બટરમાં સોયા ચંક્સ, કૉર્ન, ચણા, રેડ કેબેજ અને ત્રણેય કલરના કેપ્સિકમ, પનીર, બ્રોકલી, મશરૂમ અને બીજા મસાલા નાખી, તેને બરાબર સૉતે કરવામાં આવે છે. ઉપર ઑરેગેનો-ચીલીફલેક્સ, મેક્સિક ચીઝ સૉસ, તંદૂરી સૉસ, મિન્ટ સૉસ નાખી ઉપરથી ચીઝ ખમણીને ગાર્નિશ કરવામાં આવે છે. ટેસ્ટમાં આનો કોઈ તોડ નથી. તમારા ફેવરેટ સૉસ સાથે તમે આ સલાડ માણી શકો છો.
View this post on Instagram
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં દુકાનના માલિક વિશાલ ગુપ્તાએ જણાવ્યું કે, “મારા પિતાએ પહેલા આ બિઝનેસ સ્ટૉલથી શરૂ કર્યો હતો. બે વર્ષ પહેલા અમે આ દુકાનમાં આવ્યા. હવે હું અને મારો ભાઈ વિકાસ આ દુકાન સંભાળીએ છીએ. બપોરે ૨ વાગ્યાથી લગભગ રાત્રે ૧૨ વાગ્યા સુધી અમે વિવિધ સલાડ સર્વ કરીએ છીએ.”
તો હવે આ રવિવારે કે એ તરફ આવતા-જતા જરા સલાડ ચખતા જજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.