આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો ઘાટકોપરની સ્પેશિયલ બ્રેડ વગરની સેન્ડવીચ
Sunday Snacks
તસવીર: ઇન્સ્ટાગ્રામ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
કોરોના પછી લોકોએ પોતાના સ્વાસ્થ્યને વધુ ગંભીરતાથી લેવાનું શરૂ કર્યું. લોકોએ જીવનમાં ખાણી-પીણી (Sunday Snacks) અને રહેણીકરણી સુધીમાં બદલાવ કર્યા. જોત-જોતામાં ચા અને કૉફીમાંથી દૂધ અને સાકર ગાયબ થવા લાગ્યા. નૉ-ઑઈલી ફૂડનું કલ્ચર વધ્યું એમાં ચિપ્સ વેચતી કંપનીઓએ નવી-નવી ટેકનોલોજી સાથે ગ્રાહકોને રિઝવ્યા અને નૉન-ફ્રાઈડ અને નૉન-બેક્ડ વાળી ચિપ્સ માર્કેટમાં આવી. હેલ્થી ફૂડના નામે લોકોએ જીવનમાંથી કેટલીક ખાવાની વાનગીઓ એવી રીતે દૂર કરી જેમ ૨૦૧૪માં... ઓહ! સૉરી નૉ પોલિટિકલ ટૉક્સ.
ADVERTISEMENT
આ બધી વાતો એટલે કારણ કે હવે માર્કેટમાં મળતી સેન્ડવીચમાંથી બ્રેડ પણ ગાયબ થઈ ગઈ છે. ભારે અચરજની વાત છે કે સેન્ડવીચ શોધનારે પણ વેજિટેબલ્સ (ત્યારના સમયમાં મીટ)ની ઉપર નીચે બ્રેડનું લેયર એટલે મૂક્યું હતું કે તેના હાથ ન બગડે, પણ આપણે તો એ આખું લૉજિક જ ઇગ્નોર કરી નાખ્યું. ઈંગ્લેન્ડમાં સેન્ડવીચ નામનું શહેર છે, બે સૈકા અગાઉ જ્યારે જોહ્ન મોંટાગુ અહીંના રાજા હતા, ત્યારે સેન્ડવીચ શોધે હોવાનું ઇતિહાસકારો સૂચવે છે.
તેમણે જુગાર રમતી વખતે ખાવામાં સમય ન બગાડવો પડે એટલે રસોઇયાને બે બ્રેડ વચ્ચે મીટ મૂકીને આપવા કહ્યું. તેમના અનુયાયીઓ અને સાથે જુગાર રમતા લોકોએ પણ આ જ રીતે મીટ ખાવાનું શરૂ કર્યું. જેમ-જેમ આ વાનગી જગત સુધી પહોંચી તેમ-તેમ તેમાં સુધારા વધારા થયા. ભારતમાં લોકોએ તેમાં શાકભાજી/સલાડ અને બટેટાનું પૂરણ (અમદાવાદીઓએ પાઈનેપલ અને આઇસક્રીમ) ભરવાનું શરૂ કર્યું.
જોકે, આ આખી વાતમાં મૂળ વાત એ છે કે જ્ઞાની માણસોએ હવે સેન્ડવીચ સલાડને નામે બ્રેડ ગુમ કરી દીધી છે અને માત્ર શાકભાજી રાખ્યા છે. સાંભળવામાં સાવ ઇલલૉજિકલ લાગતી આ વાનગી ઘાટકોપરની ખાઉ ગલીમાં લોકો ચાઉંથી ખાય છે. એટલે અમને પણ વિચાર આવ્યો કે આ વાનગી ટ્રાય કરવી જોઈએ.
ઘાટકોપર ઈસ્ટમાં ખાઉ ગલી (Ghatkopar Khau Gali)માં આવેલો ‘જયશ્રી સેન્ડવીચ’ સ્ટૉલ આ સેન્ડવીચ સર્વ કરે છે. બ્રેડના રેપર પર પહેલાં બટેટાનું લેયર મૂકી તેની ઉપર બટર અને ચટણી લગાવી – તેના પર કાકડી, બીટ, કાંદા અને ટામેટાં મૂકી તેના પર મસાલો ભભરાવી અને તેના પીસ કરીને સર્વ કરવામાં આવે છે. દેખાવમાં મોઢામાં પાણી આવી જાય એવી આ સેન્ડવીચનૉ સ્વાદ પણ સરસ છે. લેયર પણ સરસ રીતે કરવામાં આવે છે, જેથી તે વિખાય ન જાય. એકદમ સામાન્ય દેખાતો આ સ્ટૉલ તેના આ ‘ઇનોવેશન’ને કારણે સતત ધમધમે છે.
અહીં ઝૉમેટો કે સ્વિગી તો ઉપલબ્ધ નથી એટલે જવાની જફા તો ખેડવી પડશે. તો હવે આ રવિવારે જજો ગુજરાતીઓના ગઢ ઘાટકોપરમાં અને માણજો આ ખાસ સેન્ડવીચ. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.