આજે ટ્રાય કરો વિલેપાર્લેનું ચીઝબર્સ્ટ વડાપાઉં
Sunday Snacks
પારલેશ્વર વડાપાઉં સમ્રાટ
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈમાં ભૂખનો સમાનાર્થી શબ્દ છે વડાપાઉં (Vada Pav). ઘર હોય કે ઑફિસ મુંબઈગરાને ભૂખ લાગે એટલે નાસ્તા માટે સૌથી પહેલો વિચાર પણ આ જ આઇટમનો આવે. મુંબઈની દરેક ગલીમાં મળતા વડાપાઉંનો ટેસ્ટ જુદો છે. આ વાનગી સાથે મુંબઈગરાને એવો તે પ્રેમ છે કે તમે મુંબઈની કોઈ પણ વ્યક્તિને પૂછો કે મુંબઈમાં બેસ્ટ વડાપાઉં ક્યા મળે છે તો પોતાને ભાવતા વડાપાઉં મળતા હોય એવી દસ જગ્યાના નામ એવી રીતે બોલી જશે જાણે એકનો ઘડિયો બોલતા હોય.
ADVERTISEMENT
મુંબઈ નગરી વડાપાઉંની જનની છે, પણ માયાનગરીમાં આ આઇટમની શરૂઆત કેવી રીતે થઈ તેની પાછળની વાર્તા પણ રસપ્રદ છે. 1960ના દાયકામાં, હિન્દુ હ્રદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ મહારાષ્ટ્રીયનોને દક્ષિણ ભારતીયોની જેમ ઉદ્યોગસાહસિક બનવા અપીલ કરી. આ અપીલને ધ્યાનમાં રાખી અશોક વૈદ્ય નામની વ્યક્તિએ દાદર સ્ટેશનની બહાર એક સ્ટૉલ શરૂ કરી બટેટા વડા અને પૌંઆ વેચવાનું શરૂ કર્યું.
આ સ્ટૉલની બાજુમાં જ ઓમલેટ પાઉં મળતા હતા. વૈદ્યને આઇડિયા સૂઝ્યો અને તેમણે પણ પાઉં પર ચટણી લગાવી વચ્ચે બટેટા વડા મૂકી વેચવાનું શરૂ કર્યું નામ પાડ્યું ‘વડાપાઉં’. આ એક્સપેરિમેન્ટ જોત-જોતમાં ખૂબ જ હિટ થઈ ગયો કે આજે દરેક ગલીના નાકા પર બીજું કઈં મળે કે ન મળે વડાપાઉં તો મળે જ છે.
વૅલ, સમય સાથે વડાપાઉં પીરસવાની રીતમાં પણ ઘણા ફેરફાર થયા છે. હવે ગ્રીલ, બટર, શેઝવાન, ચીઝ અનેક પ્રકારની વેરાયટી સાથે વડાપાઉં મળે છે. વડાપાઉંની એવી જ એક વેરાયટી છે ચીઝબર્સ્ટ વડાપાઉં, જે મળે છે વિલેપાર્લે ઈસ્ટમાં. જગ્યાનું નામ ‘પારલેશ્વર વડાપાઉં સમ્રાટ’ (Parleshwar Vada Pav Samrat). ગૂગલ પર ‘બેસ્ટ વડાપાઉં ઇન મુંબઈ’ એવું લખશો તો ત્રીજા-ચોથા નંબરે આ નામ દેખાઈ જશે. અહીં પણ ઉપર લખી છે એ વડાપાઉંની તમામ વેરાયટી મળે છે, પણ બેસ્ટ છે ચીઝબર્સ્ટ વડાપાઉં.
બટેટાના માવામાં થોડી જગ્યા કરી ચીઝ સોસ નાખી ફરી માવો મૂકી પરફેક્ટ ગોળ વડું તૈયાર કરી તેને તળાવમાં આવે. પાઉંમાં પણ ચટણીની જગ્યાએ મેયોનિઝ લગાવી ઉપરથી થોડી સૂકી લસણની ચટણી ભભરાવવામાં આવે અને પછી સ્પેશિયલ ચીઝથી ભરેલું એ વડું તેનું સ્થાન ગ્રહણ કરે. ખાસ વાત છે આ વડાની સાઇઝ. એક જણ ભરપેટ નાસ્તો કરી શકે આ વડું એટલું મોટું હોય છે.
સ્વ. મંચારામજી
આ ચીઝબર્સ્ટ વડાપાઉંના આઇડિયા વિશે વાત કરતાં પારલેશ્વર વડાપાઉં સેન્ટરના માલિક અજય કુમાર કહે છે કે “ચીઝબર્સ્ટ વડાપાઉંનો આઇડિયા મારા સ્વર્ગસ્થ પિતા મંચારામજીને આવ્યો હતો. કોરોના બાદ અમે આ આઈટમ બનાવી અને ચાખી. ગ્રાહકોને પણ ટેસ્ટ કરાવી તેમને પણ ખૂબ ગમી એટલે વેચવાની શરૂ કરી અને હિટ થઈ ગઈ.”
અજય કુમાર
તો હવે રવિવારે માણજો આ વડાપાઉંનો અનોખો સ્વાદ. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
આ પણ વાંચો: Sunday Snacks: પાણી પુરીની આ યુનિક ફ્લેવર્સ તમે ટ્રાય કરી છે ખરી?