આજે ટ્રાય કરો ભાઇંદરનો સ્પેશિયલ મુંબઈ ટ્રાફિક ઢોસો
Sunday Snacks
સાંઈ ઢોસા કૉર્નર
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
નાસ્તો હોય કે જમવાનું જ્યારે બહાર શું ખાવું તેનો જવાબ શોધવા મન ચકરાવે ચડે તો છેલ્લે ચાવી આવીને અટકે સાઉથ ઈન્ડિયન ફૂડ પર, એમાં પણ ઢોસા તો ખાસ! મુંબઈની દર બીજી ગલીએ મળતા આ ઢોસામાં પણ આજકાલ અઢળક છે એટલે ઑર્ડર આપવાનું કામ થોડું ગૂંચવણ ભર્યું તો છે પણ તેનો સ્વાદ આ બધી જ પરેશાની ભુલાવી દે છે.
ADVERTISEMENT
વૅલ ઢોસા (Dosa)નું મેન્યૂ જ નહીં પણ હજી એક એવી વાત છે જે હજી લોકોને ગૂંચવે છે, તે છે તેની શરૂઆતનો ઇતિહાસ. ઇતિહાસકારો પણ આ મામલે માથું ખંજવાડે છે કે તેની શરૂઆત કેવી રીતે થઈ. જાણીતા ઇતિહાસકાર પી. થેંકપ્પન નાયરના મુજબ, ઢોસાની શરૂઆત કર્ણાટકના ઉડીપી શહેરમાં થઈ હતી, પરંતુ બીજી તરફ, ખાણી-પીણીનું ઊંડું જ્ઞાન ધરાવતા ઇતિહાસકાર કે.ટી. આચાય કહે છે કે 1000ADની આસપાસ પ્રાચીન તમિલ પ્રદેશમાં ઢોસા પહેલેથી જ બનતા હતા કારણ કે સંગમ સાહિત્યમાં તેનો ઉલ્લેખ મળે છે.
ઢોસાના મૂળ બે પ્રકાર છે એક તમિલ ઢોસા જે થોડા જાડા અને નરમ હોય છે, જ્યારે કર્ણાટકમાં ઢોસા પ્રમાણમાં પતલા અને ક્રિસ્પી હોય છે. આજના સમયમાં ઢોસાને કર્ણાટક સાથે જોડવામાં આવે છે કારણ કે તે સમગ્ર દેશમાં ઉડીપી રેસ્ટોરન્ટ્સ દ્વારા લોકપ્રિય થયો.
સમયની સાથે-સાથે ઢોસાની વેરાયટીમાં પણ વધારો થયો છે અને આજે તો ઢોસાના એટલા બધા ફ્યૂઝન અને વેરાયટી મળે છે કે ન પૂછો વાત. તો ચાલો આજે ટ્રાય કરીએ એજ નવો જ ઢોસો જે તમે પહેલાં ન ક્યારેય સાંભળ્યો હશે કે ન ચાખ્યો હશે. આજે આપણે જવાનું છે ભાઇંદરના ફૂડી લોકોની ફેવરેટ ખાઉ ગલીમાં (Bhayandar Khau Gali). આ સાકળી ગલીમાં આવેલું છે સાંઈ ઢોસા કૉર્નર (Sai Dosa Corner) જ્યાં અવનવા ઢોસા મળે છે.
અહીં જાઓ છો તો મસ્ટ ટ્રાય છે તેમનો ગોલમાલ અને મુંબઈ ટ્રાફિક ઢોસો. નામ પરથી યુનિક લાગતો આ મુંબઈ ટ્રાફિક ઢોસો વેજિટેબલ્સ અને પેરીપેરી સૉસનું એક અનોખું કૉમ્બિનેશન છે, જેમાં રહેલું ચીઝ અને પનીર પણ મસાલાના ટેસ્ટમાં ઔર ઉમેરો કરે છે. આ બટરી ભાજી સાથે ઢોસાનું બાઈટ લેશો તો `યે દિલ માગે મોર` એવું ચોક્કસ કહેવાનું મન થશે. આ જોઇન્ટની એક ખાસ વાત એ છે કે તેઓ દર વર્ષે એક નવો ઢોસો લોન્ચ કરે છે.
View this post on Instagram
છેલ્લાં ૧૫ વર્ષથી આ સ્ટૉલ ચલાવતા જગદીશ ગોવડા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ કહે છે કે "અમે ક્વોલિટી અને ટેસ્ટ પર ખૂબ જ ધ્યાન આપીએ છીએ. હું પોતે કેરળથી આવું છું અને બસ ત્યાંનો જ સ્વાદ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું."
અહીં અવારનવાર પેટપૂજા કરવા આવતા આશિષ અગ્રવાલ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ કહે છે કે "હું આ જ ગલીમાં મોટો થયો છું. જ્યારે પણ ઢોસા ખાવાની ઈચ્છા થાય ત્યારે હું અહીં જ આવવાનું પસંદ કરું છું. મને અહીંનો પનીર ચીલી, જીની અને મૈસૂર મસાલો ઢોસો ખૂબ ભાવે છે."
આ પણ વાંચો: Sunday Snacks: ચાટનું ઇટાલિયન ફ્યૂઝન લોકોની જીભે ચડાવ્યું બોરીવલીના આ ગુજરાતીએ
તો હવે આ રવિવારે ભાઇંદરની ખાઉ ગલીમાં ખાવા જરૂર જજો, જ્યાં ફૂડ જોઇન્ટ્સનો ટ્રાફિક તમને અટકાવશે પણ ખરો અને નવો સ્વાદ પણ આપશે. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.