આજે સન્ડે સ્નૅક્સમાં ટ્રાય કરો બોરીવલીના સ્પેશિયલ મેન મેડ નહીં, પણ મશીન મેડ ઢોસા
ઢોસા અન્નાના મશીન મેડ ઢોસા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
તમે દેશ-દુનિયામાં મળતા વિવિધ ઢોસા, તેના મસાલા અને તેને બનાવવાની જુદી-જુદી રીત તો સાંભળી જ હશે, પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું કે જોયું છે કે સળગતા કોલસા પર મૂકેલા તવા સામે પરસેવે રેબઝેબ થતાં અન્નાની જગ્યાએ ઇલેક્ટ્રિસિટી પર ચાલતું મશીન જ ગરમા-ગરમ ક્રિસ્પી ઢોસા બનાવતું હોય? માહિતી અને તંત્રજ્ઞાન – આઈટી યુગમાં જ્યારે દરેક ક્ષેત્રમાં પ્રગતિ થઈ રહી છે, ત્યારે ફૂડ ઇન્ડસ્ટ્રીના પડકારોને દૂર કરવા જાત-જાતના અને ભાત-ભાતના નવા ઉપાય થઈ રહ્યા છે. હવે આ જ ક્રમમાં ઢોસા મેકર પણ આવી ગયા છે. (Sunday Snacks)
ADVERTISEMENT
View this post on Instagram
‘મશીનમાં બનેલા ઢોસા કેવી રીતે ભાવે?’ પ્રાથમિક રીતે આસવાલ થાય તે વ્યાજબી છે. અમને પણ આ જ સવાલ થયો જ્યારે અમને ખબર પડી કે બોરીવલી વેસ્ટમાં એક જગ્યા એવી છે, જ્યાં મશીનથી ઢોસા બનાવીને પીરસાય છે. બસ પછી શું ઘણા બધા સવાલો અને ઢોસા ખાવાની ક્રેવિંગને વશ થઈ અમે પહોંચી ગયા ‘ઢોસા અન્ના’ (Dosa Anna) બોરીવલી વેસ્ટ (Borivali West)માં વઝિરા નાકા પાસે જે ફર્નિચર વાળી ગલી છે, એમાં લગભગ વચ્ચે લોટસ બિલ્ડિંગ છે અને આ જ બિલ્ડિંગમાં નીચે ‘ઢોસા અન્ના’નું આઉટલેટ છે.
માત્ર ૯૦ સ્ક્વેરફૂટના કિચનમાં ખૂબ જ હાઇજિન સાથે અહીં બધુ જ કામ થાય છે. બહાર ૧૫-૧૬ લોકો બેસી શકે એટલો સિટિંગ એરિયા છે. ટેબલ પર પિત્તળના વાસણમાં રંગબેરંગી તાજા ફૂલ અને તેની સુવાસ જાણે ગ્રાહકોનું સ્વાગત કરતી હોય – આવો એટલે દિલ બાગ-બાગ કરી દે તેવી વાઇબ્સ આપે છે અને એમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક નવા સૂર પૂરે.
આ તો થઈ લોકેશન અને એમબિયન્સની વાત. હવે વાત અહીંના યુએસપીની, જે છે ઢોસાનું મશીન. એક બટન દબાવોએ એટલે લગભગ ૧૦૦ સેકન્ડ્સની અંદર એકદમ ક્રિસ્પી ઢોસો તૈયાર. પહેલા ઉપરથી ઢોસાનું બૅટર (ખીરું) પડે પછી, તે સ્પ્રેડ થાય અને પછી મશીન જાતે જ જરૂર મુજબ તેલ પણ નાખે અને પછી ૯૦ સેકન્ડ્સ આ ઢોસો શેકાય અને ટાઇમર પૂરું થાય એટલે ઑટોમેટિક મશીન ઢોસો વાળી ને બહાર આપે. એકવાર તો આ જોવાની ખરેખર મજા આવે. ઢોસો શેકાતો હોય ત્યારે એમાં મસાલો ઉમેરવો હોય તો એ પણ થઈ શકે.
કદાચ વાંચવામાં આ વાત ગળે ન ઊતરે પણ ઢોસો એવો પાતળો અને ક્રિસ્પી બને છે કે તરત ગળે ઊતરી જાય. ઢોસો મશીનમાં બનાવાયો હોય એવું સહેજ પણ ન લાગે. અહીં બધી જ આઈટમ ત્રિરંગી ચટણી (લસણ ટામેટાંની લાલ, કોપરાની સફેદ અને ફૂદીના મરચાંની લીલી) અને સંભાર સાથે સર્વ કરવામાં આવે છે. ટેસ્ટમાં તો બધુ જ ટેસ્ટી છે એટલે એમાં ફૂલ માર્કસ. અહીંની સ્પેશિયાલિટી છે તુપ્પા ઢોસા, તુપ્પા મસાલા ઢોસા, સહેઝવાન ઉત્તપમ અને ડાઈનામાઇટ ઇડલી.
આ ડાઈનામાઇટ ઇડલી થોડી યુનિક અને મસ્ટ ટ્રાય કહી શકાય એવી દઇશ છે. ઇડલીના ટુકડા કરી તેને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી અને ચીઝ, મસ્ટર્ડ, ચીપોટલે અને બીજા સૉસનું મિશ્રણ તૈયાર કરી તેને ઇડલીના ટુકડા પર કૉટ કરી ગ્લાસમાં સર્વ કરવામાં આવે છે.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં ઢોસા અન્ના માલિક રોહિત મેન્ડન કહે છે કે, “અમે લગભગ ૨ મહિના પહેલાં જ આ આઉટલેટ શરૂ કર્યું છે. મશીન ઢોસાની હાઇપ એટલી છે કે અમારે બાજુની જ દુકાનમાં બીજું આઉટલેટ પણ શરૂ કર્યું.”
તો હવે આ રવિવારે મેન મેડ નહીં, મશીન મેડ ઢોસા ખાવા જરૂર જજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.