આજે ટ્રાય કરો બોરીવલીના આ ખાસ ફાફડા-જલેબી
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
બહુ-ચર્ચિત ટેલિવિઝન શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah)માં જેઠાલાલ જેમ દર રવિવારે ફાફડા-જલેબી (Fafda-Jalebi) ખાવા માટે તલપાપડ થતાં હોય છે. તે જ રીતે રવિવારે નાસ્તો કરવાની વાત આવે ત્યારે ગુજરાતીઓના મનમાં સૌથી પહેલો વિચાર ફાફડા-જલેબીનો જ આવે છે, પરંતુ શું તમને ક્યારેય પ્રશ્ન થયો છે કે તારક મહેતાના સેટ પર આ સ્વાદિષ્ઠ વ્યંજન ક્યાંથી મગાવવામાં આવે છે? તો ચાલો આજે આ વાતનો ફોડ પાડીએ.
ADVERTISEMENT
બોરીવલી વેસ્ટમાં દેવીદાસ રોડ પર સુધીર ફાડકે ફ્લાયઓવર નજીક આવેલું છે ‘મુરલીધર સ્વીટ્સ ઍન્ડ ફરસાણ’ (Murlidhar Sweets and Farsan). મુંબઈમાં મુરલીધરના નામે એમ તો ઘણી દુકાનો છે, જ્યાં તમને ગરમા-ગરમ તાજા ફાફડા જલેબી મળશે, પરંતુ ‘મુરલીધર સ્વીટ્સ ઍન્ડ ફરસાણ’ની બીજી માત્ર એક જ દુકાન છે જે દહિસર ઈસ્ટમાં મહારાષ્ટ્ર માર્કેટમાં આવેલી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર ફાફડા જલેબી અહીંથી આવે છે. શૂટિંગ માટે પણ ગાંઠિયા તો મુરલીઘરથી મગાવવામાં આવે છે, તો ક્યારેક સેટ પર માણસો મોકલીને ત્યાં જ ગરમા-ગરમ તૈયાર કરાય છે.
ફાફડા-જલેબી પહોંચાડવાનો આ સિલસિલો વર્ષ ૨૦૦૯માં શરૂ થયો હતો. શૉના ક્રિએટિવ કન્સલ્ટન્ટ દયાશંકર પાંડે (જે ઇન્સ્પેકટર ચાલુ પાંડેનું પાત્ર પણ ભજવે છે) તેમાં નિમિત્ત બન્યા. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં દયાશંકર પાંડેએ કહ્યું કે “વર્ષ ૨૦૦૯માં મારા ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના થઈ તે સમયે હું મોદક લેવા માર્કેટમાં ગયો હતો. ત્યારે પહેલી વાર મેં અહીંથી મીઠાઈ લીધી અને ત્યારથી જ હું તો તેમનો રેગ્યુલર કસ્ટમર બની ગયો છું. થોડા સમય બાદ શૉમાં જ એક સીન માટે અમને ફાફડા-જલેબીની જરૂર હતી, ત્યારે મેં ‘મુરલીધર’નું નામ સૂચવ્યું હતું. સેટ પર પણ સૌને ટેસ્ટ ખૂબ ગમ્યો.”
મુરલીધરના સેલ્સ અને માર્કેટિંગના ડિરેક્ટર કિંજલ પટેલે કહ્યું કે “અમે સારી ક્વોલિટીનું રૉ મટેરિયલ તમામ વસ્તુઓ બનાવવા માટે વપરાઈએ છીએ એ જ અમારી વિશેષતા છે. સાથે જ બધી જ વસ્તુ ફ્રેશ આપવાનો આગ્રહ રાખીએ છીએ. તેથી દશેરાને દિવસે અમે ફાફડા-જલેબી બનાવતા નથી.”
તસવીર સૌજન્ય: મુરલીધર સ્વીટ્સ ડૉટ કૉમ
આમ તો ફાફડા બનાવવા ‘ફાફડા’ની જેમ જ સીધું કામ છે પણ મરી-મીઠું અને ઉપરથી છાંટેલા મસાલાનું પ્રમાણ જ તેના સ્વાદને ખાસ બનાવે છે - સાથે પપૈયાનો સંભારો અને ચોખ્ખા ઘીમાં બનાવેલી જલેબી હોય તો બીજું તો શું જોઈએ. તે જ અહીંની વિશેષતા પણ છે. ફાફડા-જલેબી સાથે સમોસાં અને ખાસ ચટણીની જયાફત ચાની ચૂસકી સાથે ઉડાવશો તો ઘરે બેઠા સ્વર્ગ મળ્યું હોય એવી અનુભૂતિ થશે. ટેસ્ટ અને ક્વોલિટી સાથે સર્વિસ પણ એકદમ ફાસ્ટ છે.
તો આ રવિવારે ફાફડા જલેબીનો જામો અચૂક પાડજો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
PS: મુંબઈમાં તમને કઈ જગ્યાના ફાફડા-જલેબી પ્રિય છે તે આપ ઉપર આપેલા મેઇલ આઈડી પર જણાવી શકો છો.
આ પણ વાંચો: Sunday Snacks: પનીર શાવર્માના આ સ્ટોલમાં `નીંવ કા પથ્થર` એટલે દોસ્તી