આજે ટ્રાય કરો દહિસરના ઘર જેવા આલૂ પરોઠા અને થેપલાં
Sunday Snacks
કોમલ પરોઠા
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
માયાનગરી મુંબઈ માટે કહેવાયું છે કે ‘મુંબઈમાં રોટલો છે પણ ઓટલો નથી.’ પણ આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવાની છે જેમણે રોટલો વેચીને મુંબઈમાં ઓટલો મેળવ્યો છે. સાથે જ ફૂડ આઇટમ્સના ઘર જેવા સ્વાદ અને શુદ્ધતાને કારણ નામના પણ મેળવી છે. આ વાત છે દહિસર ઇસ્ટમાં આવેલા ‘કોમલ પરોઠા’ ચલાવતા ગુજરાતી પરિવારની. મુંબઈમાં ‘રાતના રાજાઓ’ માટે દહિસર પેટ્રોલ પંપ પાસે આવેલી આ જગ્યાનું નામ અજાણ્યું નથી. આ દુકાનની ખાસ વાત એ છે કે તે રાત્રે ૩ વાગ્યાથી લઈને સવારે ૧૦ વાગ્યા સુધી ગરમાગરમ નાસ્તો પીરસે છે.
ADVERTISEMENT
પાછળ મશીનમાંથી પરોઠાનું પડ આવતું રહે, પછી પથરાય માવો અને ગરમાગરમ પરોઠા તૈયાર
રાત્રે જાગનારા જોગીઓ અડધી રાતે પેટ પૂજા કરવા અહીં અવારનવાર પધારતા હોય છે. આ જગ્યા ફેમસ છે તેના ગરમાગરમ ઘર જેવા આલૂ પરોઠા અને કુણા થેપલાં માટે. દુકાન ગુજરાતીની છે એટલે સરસ મજાની ભાખરી પણ મળે છે. બસ આ ત્રણ જ આઈટમ હોવા છતાં રાત્રે અને વહેલી સવારે અહીં લાઈનો લાગે છે.
આલૂ પરોઠાની ખાસ વાત એ છે કે તે માત્ર ઘઉંના લોટમાંથી બનાવવામાં આવે છે, અન્યત્ર મેંદાનો ઉપયોગ થતો હોય છે. સામાન્યપણે પરોઠું વણાય અને પછી તેમાં બટેટાંનું પુરણ ભરી પરથી વણવામાં આવે છે, પરંતુ અહિયાં પહેલાં એક પડ લેવાય પછી તેની પર બટેટાંનો માવો પથરાય અને ફરી એક તેના પર એક પડ મૂકી વણાય. આલૂ પરોઠાની આત્મા છે તેનો બટેટાંનો માવો. તે બનાવવા માટે ગરમ મસાલો લાલ મરચાંનો ઉપયોગ થતો નથી. માત્ર સામાન્ય મસાલાથી આ અદભુત સ્વાદ તૈયાર કરવામાં આવે છે. ચીઝ આલૂ પરોઠાનો પણ વિકલ્પ છે.
ખાસ તો અહીં મળતા મેથીના થેપલાંનો સ્વાદ તમારે ખરેખર માણવો જ જોઈએ. એકદમ કુણું અને ઘર જેવું થેપલું મુંબઈમાં બીજે શોધવું સાચે જ ધૂળ ધોવા જેવું કામ છે. બધી જ વસ્તુ પિરસાય છે લસણની અને કોથમીર મરચાંની ચટણી સાથે. દહીં જોઈએ તો તે પણ મળે છે, પણ તેના માટે તમારે એકસ્ટ્રા પૈસા ચૂકવવા પડશે.
મૂળ જૂનાગઢના ભરતભાઈ સહપરિવાર આ દુકાન કોરોના પહેલાં શરૂ કરી હતી. જોકે ૨૦૧૭માં મુંબઈ આવ્યા બાદ ‘કોમલ પરોઠા’ શરૂ કરતાં પહેલાં તેમણે અથાગ પરિશ્રમ કરવો પડ્યો. જૂનાગઢમાં તેઓ સોપારીનો વેપાર કરતાં, ધંધો વ્યવસ્થિત હતો, પરંતુ કેટલાક કારણોસર મોટી ખોટ વેઠવી પડી. ધંધો ઠપ થઈ ગયો. આર્થિક તંગીમાં સપડાયા બાદ તેમણે સહપરિવાર મુંબઈ આવી નસીબ અજમાવ્યું.
ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાતચીત કરતાં ભરતભાઈ અજમેરા કહે છે કે “મને અને મારા પત્નીને લોકોને વિવિધ વાનગીઓ જમાડવાનો શોખ હતો એટલે અમે મુંબઈ આવી જેમ-તેમ ટિફિન સર્વિસ શરૂ કરી જોઈ, કેન્ટીન પણ ચલાવી, પરંતુ બધે જ નિષ્ફળતા મળી. આખરે એક ઝાડ નીચે રાત્રે ગરમાગરમ પરોઠા, થેપલાં અને ભાખરી વેચવાની શરૂઆત કરી. તેના માટે ૯૦૦ રૂપિયાનું ટેબલ હપ્તેથી લેવું પડ્યું. છેલ્લે કિસ્મત પણ પરિશ્રમ સામે નમી ગઈ. ધીમે-ધીમે ખૂબ પ્રસિદ્ધિ મળી અને પછી એક નાનકડી જગ્યામાં આ કામ શરૂ કર્યું. તે જગ્યા થોડા સમય બાદ છોડી દેવી પડી અને બરાબર સામેની દુકાન બીજા લોકડાઉન પહેલાં ભાડે લીધી. પછી પાછું વળીને જોવાનો વારો આવ્યો નથી.”
પત્ની હિના, દીકરી કોમલ અને દીકરા હર્ષ સાથે ભરતભાઈ અજમેરા
ખૂબ જ ઓછી કિંમતે અહીં ગરમાગરમ નાસ્તો મળે છે તો જો શનિવારે જાગરણ કરવાના હો તો અચૂક અહીંનો ફેરો કરજો. ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.
આ પણ વાંચો: Sunday Snacks: ‘દોડાદોડા ભાગા ભાગા સા...’ ઉતાવળે આંબા ન પાકે પણ નાસ્તો તો મળે