આજે સન્ડે સ્નેક્સમાં ટ્રાય કરો દાયકાઓથી બાંદરાની આ બેકરીની વાનગીઓ જે બોલિવૂડ સેલેબ્સની પણ છે ફેવરેટ
Sunday Snacks
એ-૧ સ્ટોર્સ અને બેકરી
વીકેન્ડની રાહ કોઇપણ માણસ બે વાત માટે જુએ – એક તો મિત્રો અને પરિવાર સાથે સમય ગાળવા અને બીજું બહાર ખાવા માટે. તમે કહો એના સમ – 100 ટકા ગુજરાતીઓમાંથી 200 ટકા ગુજરાતીઓ રવિવારે “યાર કંઇ જુદું ખાઇએ આજે”ના વિચારમાં જ જીવતા હોય છે. તમારા દરેક સન્ડેને ફન-ડે બનાવવા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે ‘સન્ડે સ્નૅક્સ’ (Sunday Snacks), એક એવી સાપ્તાહિક કૉલમ જેમાં અમે તમને જણાવીશું મુંબઈના કેટલાક ‘હિડન જૅમ્સ’ જેવા ફૂડ જોઇન્ટ્સ વિશે જ્યાંનો સ્વાદ માણ્યા બાદ તમે કહેશો ‘વાહ બૉસ, ટેસડો પડી ગયો’.
મુંબઈગરાએ જો તેમના ડાઇનિંગ ટેબલ માટે કોઈ એક વસ્તુ સ્ટૉક કરવાની હોય, તો તે ચોક્કસ પાઉં હશે. પાઉં મુંબઈગરાનો એ સાચો મિત્ર છે, જે કોઈને કોઈ દિવસ ભૂખ્યા રહેવા દેતો નથી. વડા-સમોસાં હોય કે મિસળ, બટર હોય કે જૅમ બધા જ સાથે પાઉંની જોડી પરફેક્ટ છે. મુંબઈમાં એવા અઢળક સ્ટૉર્સ અને ઇરાની કૅફે છે, જે તેમના સોફ્ટ પાઉં, બન અને બીજી બેક્ડ આઇટમ માટે જાણીતી છે. આવી જ એક બેકરી બાંદરામાં પણ છે, જે પાઉં અને બન સહિત બીજી ઘણી બધી વાનગીઓ પીરસે છે અને આ બેકરી ઘણા બોલિવૂડ સ્ટાર્સની પણ ફેવરેટ છે.
ADVERTISEMENT
આજે વાત કરવાની છે બાંદરા વેસ્ટ (Bandra)માં આવેલી ‘એ-૧ સ્ટોર્સ અને બેકરી’ (A-1 Stores and Bakery) વિશે, જે દાયકાઓથી લોકોને વેજ અને નૉન-વેજ બંને જ વેરાયટીમાં અઢળક વાનગીઓ પીરસે છે. આ બેકરીની શરૂઆત વર્ષ ૧૯૫૦માં થઈ જ્યારે, આ ઈરાની પરિવાર ઈરાનથી, જે તેમના સ્થળાંતર કરી મુંબઈ આવ્યો. હવે ત્રીજી પેઢી દ્વારા સંચાલિત આ બેકરીની સંભાળ એરોન રાખે છે. શરૂઆતમાં અહીં ઈરાની માવા કેક અને બિસ્કિટ સાથે ગરમ બ્રેડ જ મળતી હતી, પરંતુ જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ નવી પ્રોડક્ટ્સ રજૂ કરવામાં આવી, જેને પગલે ‘એ-૧’ બાંદરામાં ખૂબ જ જાણીતું નામ બની ગયું.
હિલ રોડ પર સેન્ટ એન્ડ્રુઝ ચર્ચ નજીક આવેલી આ બેકરી સવારે પાંચ વાગ્યે ખૂલી જાય છે અને રાત્રે ૯ વાગ્યા સુધી ચાલુ હોય છે. અહીં વેજમાં તેમના ચીઝ બૉલ્સ, કટલેટ અને સ્વીટ સમોસા ખૂબ જ પ્રખ્યાત છે, જ્યારે નૉન-વેજમાં ચિકન રોલ, ચિકન પફ્સ, મટન પફ્સ અને ચિકન કટલેટ પાઉં લોકોના હોટ ફેવરિટ છે.
આ બેકરી પાસે એટલી ભીડ હોય છે કે, સ્ટાફને ભાગ્યે જ અહીં શ્વાસ લેવાની ક્ષણ મળતી હોય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં એરોન કહે છે કે, “અમે બાંદરામાં એકમાત્ર અને સૌથી પ્રસિદ્ધ બેકરી છીએ જે ગરમ બ્રેડ (પાઉં) અને ખૂબ જ પ્રખ્યાત હાર્ડ બ્રેડ જેને ‘ગુટલીઝ’ કહેવાય છે તે બનાવીએ છીએ. બ્રેડમાં પણ ડિનર રોલ્સ, સ્વીટ બન્સ અને મલ્ટિગ્રેન બન્સ જેવા ઘણા ઑપ્શન્સ છે.”
તો હવે આ રવિવારે માવા કેક અને સ્વીટ સમોસાની જયાફત ઉડાવજો. આપણે ફરી મળીશું આવતા શનિવારે અને રવિવારે તમારે ક્યાં ખાવા જવુંની મુંઝવણનો જવાબ પણ લેતા આવીશું.